bahurupi
Posted by gujarati kalakar
Posted on 22:46
with No comments
‘મુગલે આઝમ’ ,’હમ દોનોં’ કે કોઇ પણ બીજી ફિલ્મ રંગીન હોય કે શ્વેતશ્યામ , એના કળાકીય મૂલ્યમાં
કશો ફરક પડતો નથી. પણ રંગ ઉમેરવાથી એ એક દર્શનીય મૂલ્યવૃધ્ધિ ધરાવતી
(વેલ્યુ એડેડ) ચીજ બને છે.. પોષાક, ચિત્રો, ઐતિહાસિક ચિત્રો, સૌંદર્ય, કળા જેવા ચાક્ષુષ ઘટકો જો કોઈ ફિલ્મમાં હોય તો એને રંગીન બનાવવાથી
એની પ્રભાવકતા અનેક ગણી વધી જાય છે.
ગુજરાતી ફિલ્મોમાં માત્ર કોઈ એક ફિલ્મને
રંગીન બનાવવાની હોય તો ? ઉત્તમ એવી અનેક ફિલ્મો ૧૯૪૫ પછીના ગાળામાં આવી. ‘ગુણસુંદરી’, ‘મંગળફેરા’, ‘ગાડાનો બેલ’ જેવી અનેક સુઘડ, સુરેખ, પ્રાણવાન ફિલ્મો
ઉપરાંત એવી અન્ય યાદગાર ફિલ્મોની યાદી તો અતિ લાંબી થવા જાય, પણ જેને રંગીન
બનાવવાથી ‘ વાહ વાહ’ના ઉદગાર નીકળી જાય તેવી એક ફિલ્મ ‘બહુરૂપી’ તરત જ સ્મરણે ચડે છે. ઉત્તર ગુજરાત
તો ભવાઈકલાનું પિયર ગણાય. આજેય મહેસાણામાં પ્રો. વિનાયક રાવળ ભવાઈકળાના
આદિપુરુષ અસાઇતના નામ સાથે જોડાયેલી અને વિખ્યાત કવિ ચિનુ મોદીના પ્રમુખપદવાળી
‘અસાઇત સાહિત્યસભા’ અને તેના ઉપક્રમે ‘કલાવિમર્શ’ નામનું સુંદર ત્રિમાસિક ચલાવે છે.
આ જ પ્રદેશના
વીસનગર-ઊંઝાના ભવાઈ કલાકારોને લઇને જૂનાગઢના મરચા-મસાલાના સામાન્ય વેપારી
શિવલાલ તન્નાએ બનાવેલી આ ફિલ્મ
અમદાવાદની કલ્પના ટૉકિઝમાં સાહિત્યકારો અને બીજા
દરેક કલાક્ષેત્રોના મોભીઓની ભરચક ઉપસ્થિતિમાં 1970ના ડિસેમ્બર 25 મીએ રજૂઆત પામી અને પછી તરત જ ઉતરી ગઇ હતી. એના
નિર્માણ સાથે ગુજરાતી-હિંદી ફિલ્મોના મશહૂર અભિનેતા સ્વ. ઉમાકાંત
દેસાઇ સક્રિય રીતે સંકળાયેલા હતા. આપણી ગુજરાતી પ્રાચીન ભવાઈકળાની કમાલ આ
આખી ફિલ્મમાં છવાયેલી છે. એનું ભવાઈ માર્ગદર્શન કર્યું હતું દિગ્ગજ ભવાઈ
કલાકાર ભવાનીશંકર વ્યાસે. એનાં ગીતો ‘અસાઈત ભવાઈસંગ્રહ’માંથી લેવામાં આવ્યાં હતાં. બીજાં કેટલાંક ગીતો વેણીભાઈ પુરોહિત અને સ્વ. કવિ ‘મનસ્વી’ની કલમેથી
ઉતર્યાં હતાં. સંગીત હતું પ્રતિભાશાળી સંગીતકાર અજિત મર્ચન્ટનું, જેમણે તે વખતના
નવાસવા ગઝલગાયક જગજિતસિંહને પહેલી જ વાર એ ફિલ્મમાં ભજન ‘લાગી રામભજનની લગની’ આપીને બ્રેક આપ્યો
હતો.
એ ફિલ્મની કથા હતી પ્રાગજી ડોસાની અને
દિગ્દર્શન તેમ જ પૂરક સંવાદો હતાં સ્વ. રમણીક વૈદ્યના. બહુ રસ પડે તેવી વાત તો એ કે
તેમાં જયંત, જયરાજ, લક્ષ્મી છાયા જેવાં હિન્દી પડદાનાં જાણીતાં કલાકારોએ અભિનય આપ્યો હતો.
ઝેબ રહેમાન અને સુરેશકુમાર એમાં નાયિકા અને નાયકની ભૂમિકામાં હતાં તો
નામદેવ લહુટે જેવા અતિપ્રસિધ્ધ કલાકારની ભૂમિકા પણ એમાં હતી. એમાં ભવાઈગીતો
એના અસલ સ્વરૂપમાં ઢાળમાં, છંદમાં અને લહેજામાં હતાં. દૃશ્યો એની અસલ ભાવભંગીમા અને
પરિવેશમાં હતાં.
આ ફિલ્મને જો રંગીન બનાવીને રજૂ કરવામાં
આવે તો માત્ર ગુજરાતમાં જ નહિ, પણ સમગ્ર રાષ્ટ્રના ફલક ઉપર એને સરાહના મળે. 1985માં એને દેશભરમાં
રજૂઆત માટે કરમુક્તિ બક્ષવામાં આવી છે. પરંતુ એને રંગીન બનાવવાનું કામ સરકાર
જ કરે તેવી અપેક્ષા રાખવાને બદલે કોઈ દૃષ્ટિવાન સંસ્થા કે કલાપ્રિય નિર્માતા-નિર્દેશકે
એને માટે આગળ આવવું પડે. ગમે તેટલી ખર્ચાળ પ્રક્રિયા દ્વારા પણ એને
પ્રેઝેન્ટેબલ બનાવવી જ પડે, નહિ તો એક આર્કાઈવલ વેલ્યુ સિવાય એનું કશું મૂલ્ય નહિ
રહે.
અત્યારની પેઢીના દર્શકોને કદાચ યાદ નહિ
હોય, પણ આ ફિલ્મને એ ૧૯૬૯-૭૦ના વર્ષ માટે ગુજરાત
સરકારના સાત સાત એવોર્ડ મળ્યા હતા. શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગદર્શક, શ્રેષ્ઠ સંગીત
દિગ્દર્શન (અજિત મર્ચન્ટ), શ્રેષ્ઠ સહાયક અભિનેતા (જયરાજ) શ્રેષ્ઠ ગુજરાતી સહાયક અભિનેતા (શેખર પુરોહિત)
શ્રેષ્ઠ બાળકલાકાર (દિલીપ ભટ્ટ). વેપારી શિવલાલ તન્ના લગભગ અભણ, પણ ફિલ્મ બનાવવાની એ ધૂને
તેમને આ ફિલ્મ બનાવવા પ્રેર્યા હતા. પણ નવાઈની વાત છે કે રમણીક વૈદ્ય અને
પ્રાગજી ડોસા જેવા ઉચ્ચ કક્ષાના પ્રતિભાવંતોના સંસર્ગથી, ફિલ્મ ફાઈનાન્સ
કોર્પોરેશનના સહયોગથી ‘ગિરનાર ચિત્રકળા, જૂનાગઢ’ના નેજા હેઠળ પ્રથમ ગુજરાતી આર્ટ ફિલ્મ ગણી શકાય તેવી ફિલ્મ બહુ મોટી આશાઓ સાથે
બનાવી. ટિકિટબારી ઉપર તે નિષ્ફળ રહી તેમ પણ નહિં કહી શકાય કારણ કે ફિલ્મ
ફાઇનાન્સ .કોર્પોરશનની કેદને કારણે તે ખરેખરા અર્થમાં રેગ્યુલર ધોરણે રજૂઆત પામી
ના શકી. છતાં તે વખતના ફિલ્મ ફાઈનાન્સ કોર્પોરેશનના વડા શ્રી હિંમતસિંહજી
આ ફિલ્મ ઉપર એટલા ખુશ થયા કે ‘બહુરૂપી’ને તેમણે નેશનલ એવોર્ડ અપાવવા માટે ભલામણ
કરી. અને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ રજૂ કરવા માટે તનતોડ પ્રયત્ન
કર્યા. જે લોકોએ એ ફિલ્મ જોઈ હતી તે સૌ એની ગુણવત્તા વિષે બેમત ધરાવતા
નહોતા. પણ ખાટલે મોટી ખોડ તો એ નડી કે ડીસ્ટ્રીબ્યુટરોએ ફિલ્મ ફાઈનાન્સ
કોર્પોરેશનના લેણાના નાણાંની ચૂકવણી ના કરી અને પરિણામે પ્રિન્ટ બંધનમાંથી
મુક્તિ પામી જ નહીં. બાકી નેશનલ ફિલ્મ પ્રિવ્યુ કમિટીએ આ ફિલ્મને સર્વાનુમતે
નેશનલ એવોર્ડને યોગ્ય એન્ટ્રી લેખી હતી.
બીજી પણ અતિશય ધ્યાનાર્હ વાત એ છે કે એ
પછી પણ છેક 1978માં શિવલાલ તન્નાએ ફરી ગુજરાત સરકારને વિનંતી કરી કે તમે આપેલા એવોર્ડ્સવાળી આ કલાફિલ્મને
છોડાવીને કરમુક્તિનો લાભ આપો. જે મળી,
બલકેપણ રાષ્ટ્રીય કક્ષાએ કેન્દ્ર
સરકારે આ ફિલ્મને કુલ 27 રાજ્યો માટે કરમુક્તિ બક્ષી છે. પણ કેન્દ્ર સરકારની એ
કરમુમૂક્તિ પછી જો ગુજરાત સરકાર એ ફિલ્મને મુક્ત ના કરે તો કંઈ
કામની નહોતી.
એ પછી પણ થોડી ઘટનાઓ બની. ૧૯૮૭માં શિવલાલ
તન્નાને દિલ્હીમાં યોજાયેલા
ઈન્ટરનેશનલ ફિલ્મ માર્કેટ શોમાં સાથે ‘બહુરૂપી’ લઈ જઈને આવવાનું
નિમંત્રણ મળ્યું. જૂનાગઢના નરસિંહ મહેતાએ જેમ દેવા પેટે રાગ કેદારો ગિરવે
મૂક્યો હતો તેમ જૂનાગઢના શિવલાલે ફિલ્મ ફાઈનાન્સ કોર્પોરેશન પાસે આ ફિલ્મ ગિરવે
મૂકી હતી. એટલે શિવલાલ ખાલી હાથે ગયા અને બીજાની ફિલ્મો જોઈને પાછા જૂનાગઢ
ભેગા થઈ ગયા. માથે દેવું હોવાના કારણે ફિલ્મ ફરી ફાઈનાન્સ કોર્પોરેશન
કેદમાં વરસો લગી ગૂંગળાઈ રહી. આમ છતાં એમણે હાર્યા વગર એ કલાસર્જનને કેદમાંથી છોડાવવા
સરકાર અને દૂરદર્શનની સાથે માહિતીખાતા જોડે લખાપટ્ટી કરી. છેલ્લે ૨૦૦૧ની
૨૬મી ડિસેમ્બરે એક વાર દૂરદર્શન અમદાવાદ પરથી એ પ્રસારિત થઈ.
શિવલાલ તન્ના ૨૦૦૧ના માર્ચની ૨૦મીએ અવસાન
પામ્યા. શિવલાલ તન્નાના પુત્ર
જિતેન્દ્ર તન્ના કે જેમની પાસે આના હક્કો છે
તેમની પાસે દૂરદર્શનને લાયક
અને બીજી રીતે પણ બતાવવા લાયક પ્રિન્ટ્સ પડી છે.
એ પછી અમદાવાદ દૂરદર્શન દ્વારા 2014ના ડિસેમ્બરની 28 મીએ, રવિવારે બપોરે સાડાત્રણ વાગે આ ફિલ્મ રજૂ થઈ. પણ ગમે તેમ તોય
એનો દર્શકગણ મર્યાદિત ગણાય. આ ફિલ્મને જો રાષ્ટ્રીય ફલક મળે તો જ
ગુજરાતની આ પ્રાચિન કળાની સુવાસ સર્વત્ર પ્રસરે.
એવી એષણા રહે જ કે એવો કોઈ રસિક ગુજરાતી
સંસ્કૃતિપ્રેમી કે જે ભવાઈકલાને એના અસલી સ્વરૂપમાં, વળી વાર્તામાં
ગૂંથીને કલા રીતે રજૂ કરતી આ ફિલ્મને રંગીન બનાવવા માટે
આગળ આવે ? દેશવતનને ઝૂરતા કરોડો કલાપ્રેમીઓને કંઈ નહિ તો છેવટે
વિદેશની ગુજરાતી સ્થાનિક ચેનલો કે રેડિયો ઉપરથી રજૂ કરવામાં નિમિત્ત બને.
સદનસીબે આપણી આ ‘બહુરૂપી’ ફિલ્મની પ્રિન્ટો સલામત છે. તેની વીસીડી/ડીવીડી સચવાઈ
છે. જે મોટા શહેરોમાં ચાલતી પ્રાઇવેટ ફિલ્મ સોસાયટીઓ કે મનોરંજન ક્લબોમાં
જાહેરમાં પ્રદર્શીત કરવામાં કામ આવી શકે.
Labels:
old movies
0 comments:
Post a Comment