Home » » chandan malyagari

chandan malyagari

https://gujaratifilmy.blogspot.com/
gujjuartist04.blogspot.com
ચંદન મલયાગરી  

ફિલ્મ: ચંદન મલીયાગરી (૧૯૭૮) - ગલાલ વહુ ગરબે રમવા જાય.... હોંકે હોંકે!
એમ.આઈ.ફિલ્મ્સ પ્રા.લિ. મુંબઈ
નિર્માતા – આઈ.એ.નડિયાદવાલા
દિગ્દર્શક – દિનેશ રાવલ
સંગીતકાર – અવિનાશ વ્યાસ
કલાકારો – અરવિંદ ત્રિવેદી, સરલા યેવલેકર, રાજીવ, બિંદીયા ગોસ્વામી, રવીન્દ્ર મહાજની, નીતા મહેતા, શેખર પુરોહિત, નારાયણ રાજગોર, ઝંખના દેસાઈ, લીલા પટેલ, મહેશ જોશી, જયેન્દ્ર મંત્રી, હંસા લાકોડ, હરિતા દવે, ત્રંબક જોશી, રાજુ જોશી, હરેન્દ્ર જોશી, ધવલેશ, કૌશિક, પૂર્ણિમા મુનસફ, ઉર્મિલા ઠાકોર, હર્ષા જોશી, બેબી કૈલાશ, વૃંદા ત્રિવેદી, નલીન દવે, વ્રજલાલ ચૌહાણ, મહેન્દ્ર વ્યાસ, ગોવિંદરામ, વસંત જોશી, અજય, રાજેન્દ્ર, કૃષ્ણકાંત, હસમુખભાઈ શાહ, પોપટલાલ આદરેજા, હસમુખ કાછીયા, રમેશ મહેતા,
મહેમાન કલાકાર – આમ્રપાલી, ચંદ્રકાંત પંડ્યા
ગલાલ વહુ ગરબે રમવા જાય.... હોંકે હોંકે!
બાજી ચોપાટની. લોહિયારા ગઢના દીવાન ખંડમાં. ચારચાર રજવાડાં હોડમાં. અને પાસાં યજમાન રાજવીના હાથમાં. જીતનો વિચાર હવે કરે. એ મૂર્ખ.પહેલા દાવતો હાથ લાગે?ત્યાં તો દાસી આવી. મહારાજ! મહારાણી રાહ જુએ છે. બસ આ છેલ્લી બાજી. રાજાએ ત્રીજીવાર દાસીને પાછી વાળી. ભૂલી ગયા. મહાપૂજાના અંતિમ દિવસે દેવી સાક્ષાત હોય. વરદાન આપવા તત્પર હોય. રાણી એકલાં ગયાં. ખોળો પાથર્યો. લોહિયારા રાજનો વંશ માંગ્યો. આશાપુરા દેવીના શણગારમાંથી બે ફૂલ મહારાણીના ખોળામાં આવી પડ્યાં.
માઉન્ટ આબુ પહેલા આબુ રોડ આવે. સ્ટેશનની રબડી. માટીની કુલડીમાં. બડો કમાલટેસડો. માણીને જમણે વળો. તો માઉન્ટ આવે. ડાબે જાવ. ૬૫ કિલોમીટર. તો જસવંતપુરા. લૂણી નદીની શાખા. બંદી નદીને કિનારે. ઇતિહાસ અને સ્થાનિકોની વાતો પરથી અંદાજ મળે. જસવંતપુરા એ જ લોહિયારા. ત્યાંનો એક જમીનદાર રાજના કાયદાની સામો પડેલો. રાઠોડવંશનું રાજ હતું. જસવંતસિંહ જોધપુરના મહારાજા. એમણે લોહિયારા કબ્જે લીધું. જસવંતપુરા વસાવ્યું.
આપણે વાત કરીએ છીએ, એ તો એથીય જૂની. લોહિયારાના રાજાને એક જ વળગણ. ચોપાટ. એના જેવો ખેલંદો પણ ના મળે. પાસાં એનું કહ્યું માને. રમવા બેઠેલાની સોગઠી અને મિલકત રાજાના હાથમાં. પણ રાજવી માણસ બહુ ભલો. જીતેલું પાછું પણ વાળી દે. દેવીનો મોટો ભક્ત હતો. રાજા ચંદન. મલીયાગરી એની રાણી. અતિસુંદર. ‘ચંદન મલીયાગરી’.
દિગ્દર્શક નવલ ગાંધી. ૧૮૯૭માં કરાંચીમાં જન્મેલા. ભણ્યા અમદાવાદમાં. ૧૯૧૯માં ગ્રેજ્યુએશન પછી યુરોપ ગયા. પાછા આવીને અરદેશર ઇરાનીની ફિલ્મ કંપની મૅજેસ્ટિકમાં જોડાયા. ટૉકીઝ કરતા સાયલેન્ટ સ્ક્રિપ્ટ ખાસ્સી અલગ. અઘરી. એમાંય બંદિની. રવિન્દ્રનાથની કથા. એ ઉપરથી ફિલ્મ. કાઠું કામ. કરી દેખાડેલું. નવલ ગાંધીએ. ખૂબ પ્રસંશા થયેલી. પહેલી ‘ચંદન મલયાગિરી’. સાયલેન્ટ ફિલ્મ.૧૯૨૪માં. નવલ ગાંધીએ જ બનાવી. બીજી ‘ચંદન મલીયાગરી’.૧૯૭૬માં બનેલી. અરવિંદ ત્રિવેદી. સરલા યેવળેકર. ખૂબ યાદગાર ભૂમિકા. એના અનેક કારણો. એમાંથી બે હતા. સાયર અને નીર. મહારાણી મલીયાગરીને ખોળે બે તેજસ્વી પુત્રો જન્મેલા. રાજા ચંદન ચોપાટમાં રાચેલો. માનું હૈયું દીકરાઓનું ભાવિ જાણવા આતૂર. મહાપંડિતની ભ્રુકૂટી તંગ હતી. રાણીમા, સાચું બોલતા જીભ નથી ઉપડતી. જુઠ્ઠું બોલું તો શાસ્ત્રોને છેતર્યાં ગણાય. જે હોય તે, સાચું કહો મહાપંડિત. કુંવર સાયર અને નીર બાર વર્ષના થશે. ત્યારે મોટી વિપદ આવશે. કદાચ રાજપાટ છોડવાનો વારો આવે. બાર વર્ષનો વનવાસ થાય. અને એથી આગળ કહીશ.તો તમારાથી સંભળાશે નહીં. રાણી હતાશ થઇ ગઇ. આ તો વિધાતાના લેખ....
એને માથે મેખ હું મારીશ રાણી. ચંદને કીધું. એક તરફ જોષીના જોષ. સામે મારી તલવારનું જોશ. લોહિયારા હું ક્યારેય હારીશ નહીં. ખોઇશ નહીં. પણ નાથ એક વચન આપો. રાણીએ કીધું. ચોપાટ તમે નહીં રમો. બંને કુંવર બાર વર્ષના થાય ત્યાં સુધી. ચંદને છોડી દીધી ચોપાટ. એ રાતે. એક સ્વરૂપવાન સ્ત્રી આવી. લાલ વસ્ત્રો. વિરાટ આકૃતિ. ચંદનને જગાડ્યો. હું વિધાતા.મારા લેખ ક’દી મિથ્યા થતા નથી. મને આધિન થા. તો સંકટ ઓછું કરીશ. પરાધિનતા ચંદનને મંજૂર નહોતી. વિધાતાની પણ નહીં. દેવી! તમે લેખ નિભાવો. હું પરીક્ષા માટે તૈયાર છું. ધર્મ નીતિને આંચ નહીં આવે. સત્યનો સંગાથ નહીં છોડું. હાથ લાંબો નહીં કરું. વિધાતા હસી. ફરી મળીશું. એ રાત ને દેવીની વાત. દેવી સાથે જ અંતર્ધ્યાન થયાં. સમય પસાર થયો. સાયર નીરની બારમી વર્ષગાંઠ આવી. રાતભર વન મહોત્સવ. વહેલી સવારે ગઢપ્રવેશ. ને રાણીએ પોતે જ ગરબો ઉપાડ્યો. ‘ગલાલ વહુ ગરબે રમવા જાય.... હોંકે હોંકે.... હોંકે’!વધુ એક કારણ. ફિલ્મ યાદ રહી જવાનું. અવિનાશ વ્યાસ. બીજું કોણ હોય? એકેએક ગીત યાદગાર હતું. ગઢ પ્રવેશને બે પ્રહર બાકી હતા. માંડવા પાછળ ખિલખિલાટ સંભળાયો. ચંદન ત્યાં ગયો. પડોશના રાજ્યની રાજકુંવરી હતી. સખીઓ સાથે ચોપાટ રમતી હતી. આવો રાજન! રમશો અમારી ભેળા? ના રાજકુમારી. નક્કી તમે હારથી ડરો છો. ચંદનના વટને પડકાર હતો. બેઠો રમવા. હોડમાં આખું રાજ મૂકી દીધું. ખેલો કુંવરી. ફેંકો પાસા. કુંવરીએ પાસા ફેંક્યા. પહેલી જ વારમાં રાજા હારી ગયો. વિધાતા પોતે જ કુંવરીના વેશમાં આવેલાં. હવે લંબાવ હાથ. લઇ લે રાજપાટ પાછા. ત્યાં તો ગઢપ્રવેશની વેળા થઇ. પ્રધાન કહેવા આવ્યા. થોભો! આજથી આ ગઢ પર આ કુંવરી રાજ કરશે. વિધાતાને સોંપી દીધો લોહિયાર ગઢ. વગડાની વાટે નીકળી પડ્યા. ચંદન મલીયાગરી સાયર નીર. વિધાતાની શરત હતી. બાર વર્ષે ઘડીનાય વિલંબ વિના પાછા ફરજો. નહીંતર ફરી બાર વર્ષ....
વનવાસની પહેલી જ રાત. ચારેય નદી કિનારે પહોંચ્યા. વસ્તી જોઇ. સામે પાર ચંદન પહેલા કુમારોને મૂકી આવ્યો. રાણીને લેવા પાછો નદીમાં ગયો. ને નદીમાં વમળ. અટવાઇ ગયો. સ્પેશ્યલ ઇફૅક્ટ્સ. કમાલ હતી ફિલ્મમાં. પિતાને બચાવવા સાયરે ઝંપલાવ્યું. એ બીજી તરફ ખેંચાયો. સામા કિનારે રાણીએ જોયું. પતિ પુત્ર બંને ગાયબ. બેહોશ થઇ ઢળી પડી. સાયરને બૂમ મારતો નીર જંગલ તરફ દોડ્યો. ચારેય છૂટા પડી ગયા. રાણીને મહિયારણોએ બચાવી. રાજાને સાધુઓ એ ઉગાર્યો. સાયર ને નીર પણ અલગ. અજાણ્યા મુલકોમાં. વિધાતાએ પરચો દેખાડી દીધો. એક જ રાતમાં. બાજી હવે સમયના હાથમાં આવી. ફિલ્મનું સૌથી રસપ્રદ પાસું. ‘ચંદન મલીયાગરી’ની લોકકથા. અટપટા વળાંકો. અનેક ઘટનાઓ. દિલધડક પ્રસંગો. સમય વીતતો ગયો. કુમારો યુવાન થયા. સાયર ગામમાં ફરતો હતો. એક મા એના દીકરાને વળગીને રોતી’તી. આજે એના સંતાનનો વારો હતો. ગુફામાં રાક્ષસ રાહ જોતો હતો. બાળકને બદલે સાયર પોતે ગયો. અને ત્યાં હતું એક રૂપાળું કારણ ફિલ્મ સુપરહિટ થવાનું. ૧૫ વર્ષની છોકરી. બિંદિયા ગોસ્વામી. પહેલી અને એકમાત્ર ગુજરાતી ફિલ્મમાં. બિંદિયાની પહેલી હિન્દી ફિલ્મ. ‘જીવન જ્યોતિ’.એ જ વર્ષે આવેલી. બિંદિયા હેમામાલિનીના માતુશ્રીની શોધ. એક પાર્ટીમાં જોયેલી. બીજી હેમા જ જોઇ લો. એવી જ સુંદર. ૧૫ જ વર્ષની. ગુફામાં રાક્ષસ ઉપાડી ગયેલો. સાયરે રાક્ષસનો વધ કર્યો. રાજકુમારીને બચાવી. એના પિતાને સાયર ગમી ગયો. સાયર રાજા થઇ ગયો કુંવરીને પરણીને. એનો ભાઇ નીર ક્યાં ગયો? એ રોટલા શેકે. લાવો ઘડી દઉં રોટલા? ઓહોહોહો.... વધુ એક સુપરહિટ કારણ. શો અવાજનો રણકો. બેનમૂન લયદાર ઊંચો દેહ. ખૂબસૂરત નક્શીદાર ચહેરો. ‘પૉંગા પંડિત’ની પામેલા. નીતા મહેતા. ગામડાંની ગોરી ગુજરાતણ. બિંદિયા અને નીતા‘જાની દુશ્મન’. આઇ મીન, એમાં પણ સાથે હતા. બિંદિયાએ વિનોદ મહેરા સાથે લગ્ન કરેલાં. વિનોદ નીતાના લગ્નની પણ વાતો ઉડેલી. ખેર, બિંદિયાના લગ્ન ટક્યા નહોતાં. એ પછી જે. પી. દત્તાને પરણ્યાં. બસ હવે.... ગૉસિપના ચસ્કા તમનેય ક્યાં ઓછા છે? સાયર રાજીવ અને નીર રવિન્દ્ર મહાજની. એ જાણવાની તસ્દી લીધી? મલ્ટિસ્ટારર સુપરહિટ હતી. ‘ચંદન મલીયાગરી’.
નીર પણ ગામડાંની ગોરીને પરણી ગયો. રાજા અને રાણીનું શું થયું? કહી દઉં? ના, ના કહી જ દઉં. ચંદન કેદખાને પૂરાયો. કત્લના આરોપ હેઠળ. સાયર જ્યાં રાજા હતો એ જ રાજ્યમાં. મલીયાગરીને એક ભાઇ મળ્યો. લાખો વણઝારો. એણે વચન દીધું. ચંદનને શોધી આપવાનું. રાજા સાયરના રાજમાં એક દેવઅશ્વ આવ્યો. એની સવારી કરી શકે એને બાર ગામનો ગરાસ. એલાન થયું. નીરે બીડું ઝડપ્યું. ઘોડાને વશ કર્યો. સવાર થયો. ઉડતા ઘોડાનો અસવાર થયો. પણ ગળામાંથી માદળિયું પડી ગયું. સાયરની નજર પડી. ભાઇને ઓળખ્યો. પણ ભાઇ તો પવનવેગી ઉડતા ઘોડા ઉપર. ક્યાંનો ક્યાં નીકળી ગયો. સાયર પણ પાછળ શોધમાં ગયો. બંનેની પત્નીઓ રાહ જોતી રહી. ઘણો સમય વીત્યો. હવે એ પણ પતિઓની શોધમાં ચાલી. આ હતું સૌથી મજબૂત અને સુપરહિટ રીઝન. ડિરેક્ટર. દિનેશ રાવળ. આટલી અટપટી કથા. આટલી કન્વિંસિંગ રીતે. પહેલી જ વાર ગુજરાતી ફિલ્મ જગતમાં રજૂ થયેલી. બાળવાર્તા. પ્રેમકથા. સાહસ કથા. ઇમોશન્સ. થ્રીલર. સસ્પેન્સ. હૉરર પણ ખરું. અને રમેશ મહેતા ઍન્ડ પાર્ટી. કૉમેડી કિંગ. કમ્પ્લિટ ફૅમિલી એન્ટરટેન્મેન્ટ.
બાના ઘરની સામેવાળી પેલી હીના. એ જોઇ આવેલી વૅકેશનમાં. રોજ બપોરે પત્તા રમતા. ટુકડો ટુકડો
સ્ટોરી કહે. ઘરમાં ફિલ્મનું મહૂરત બેસે નહીં. હીનલી પર એવી તો.... જાવ હવે તમનેય નહીં કહું. કે
છેવટે બધા મળી ગયા.પણ કેવી રીતે?મળવા કરતાય અગત્યનું. ચંદન રાજાએ સમયસર પહોંચવું પડે લોહિયારા. એ તો વિધાતાની શરત. વિધાતાએ તિથિ અને સમય નક્કી રાખેલા. એ પહેલા ચંદન રાજા નગરમાં પગ મૂકશે? નહીં મૂકે તો રાજપાટ જશે. સાયર તો રાજા હતો જ. નીરે દૈવીઅશ્વની અશ્વ
સવારી કરી. બાર ગામનો ગરાસ એ પણ મેળવી લેશે. સાધુઓની સંગતમાં ચંદનરાજા સાધુ જેવો થઇ
ગયેલો. એને કોઇ મોહ નહોતો. તો પછી મલીયાગરીનું કોણ? છેને બાકી સુપર ટ્વિસ્ટ! કીધુંને, નહીં કહું.
કાયમ કહું છું, જોઇ લો ફિલ્મ.
લ્યો ત્યાં સુધી આ રાસ ગણગણો. ‘આંખડી કામણગારી રે છોગાળા તારી, આંખડી કામણગારી’. રાસમાં બિંદિયા પોતે જ કેવી કામણગારી લાગે! ને આ નીતા મહેતાનો ગરબો. ‘એ હે, હે.... પારસ પીપળાના પાદરમાં, હે વાગ્યાં, કે વાગ્યાં, ઢોલીડાંના ઢોલ’.આહા, શું હીચ. શું ઢોલનો ઠેકો. વાહ, દીવાળી બેન વાહ. ને આ વિરહ ગીત. ‘કુંજલડી રે, સંદેશો મારો, જઇને વાલમજીને ક્હેજો જીરે કુંજલડી’.કેવી લલક છે ગીતની હલકમાં.... કલૅક્શનના શોખીનો માટે પણ ઉમદા સંભારણું છે, ‘ચંદન મલીયાગરી’.
ફિલ્મ અને દિગ્દર્શક વિશે થોડી માહિતી કલાકાર ત્રંબક જોશી પાસેથી મળેલ છે
ગીતો ગાયકો
૧. આરતી ઉતારો રે આરતી ઉતારો..... આશા ભોંસલે, સાથી
૨. ગુલાલ વહુ ગરબે રમવા જાય..... આશા ભોંસલે, સાથી
૩. આંખડી કામણગારી રે...... મહેન્દ્ર કપૂર, સાથી
૪. એ પારસ પીપળાના પાદરમાં..... દમયંતી, આનંદ સી., સાથી
૫. મારા ભવમાં ભડકો લાગ્યો..... મહેન્દ્ર, ઉષા, આનંદ, સુલોચના
૬. એવી કુંજલડી રે, સંદેશો મારો..... દમયંતી બરડાઈ
૭. આરતી ઉતારો રે આરતી ઉતારો, આશાપૂરા માવડીની આશા ભોંસલે, સાથી

આજનો મારો 'ચંદન મલયાગીરી' ફિલ્મ વિશેનો આર્ટિકલ વાંચીને હાલના ચરિત્ર અભિનેતા રોહિત મહેતાએ મને ફોન કરીને માહિતી આપી કે, ફિલ્મમાં બે યુવકો નદીમાં ડુબતા બચાવવામાં aઆવે છે જમા એક તેઓ પોતે રોહિત મહેતા છે અને બીજો યુવક વનરાજ શાહ નામનો કલાકાર હતો. આ માહિતી આપવા બદલ હું તેમનો આભારી છુ. હવે તે એક સીન માટે અને ખાસ રોહિત ભાઈને (નાના રોહિત મહેતા) ને જોવા માટે ફરી એકવાર હુ ફિલ્મ જોઈશ.

 ગજ્જર નીલેશ

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes