Home » » firoz irani

firoz irani




રૂરલ અને અર્બન બંને પ્રકારની ફિલ્મોમાં પરફેક્ટ વિલન ફિરોઝ ઈરાની



    ગુજરાતી ફિલ્મો માટે જુના કલાકારોને હવે સમયના પ્રવાહમાં બનતી ફિલ્મો સાથે તાલ મેળવીને ચાલવું પડે તેમ લાગી રહ્યું છે. કારણ કે હવે ફિલ્મોએ પોતાના રંગરૂપ બદલ્યા છે. હવે જેમ પહેલા ફિલ્મો બનતી હતી તેના કરતા ક્યાંય વધુ સારી કક્ષાની અને ઓછી મહેનતે ફિલ્મો બનવા લાગી છે. પરંતુ તે જમાનાના કલાકારો અને આજના યુવા કલાકારોમાં કોઈ ફરક નથી પડ્યો. અપવાદ ફક્ત જુના અને ૬૦૦ થી પણ વધુ ફિલ્મોમાં ખલનાયકી કરનાર અભિનેતા ફિરોઝ ઈરાની. તેઓ પહેલાની ફિલ્મોમાં ઘોડા પર એન્ટ્રી લેતા હવે ફિરોઝ ઈરાની આજની જનરેશનને અનુરૂપ ઓડીમાં એન્ટ્રી મારવા લાગ્યા છે. બદલાતી ફિલ્મો સાથે એક કલાકારે પણ બદલાવું પડે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હિન્દી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાર દાયકા પૂર્ણ કરનાર ફિરોઝ ઈરાનીએ સાબિત કરી બતાવ્યું છે. હાલ તેમની બે અર્બન ફિલ્મો આવી રહી છે જેમાં એક ફિલ્મ ‘રોશની’ છે જેમાં તેઓ મુસ્લિમ ડોનનો રોલ ભજવી રહ્યા છે જયારે અન્ય એક ફિલ્મમાં તેઓ અત્યાર સુધીમાં તેમની કારકિર્દીમાં ન ભજવેલું પાત્ર ભજવી રહ્યા છે તે ફિલ્મ એટલે ‘વાયડી ફેમીલી’. આ ઉપરાંત અન્ય બે ફિલ્મો મેઈન લીડ ખલનાયકના રોલ માટે તેઓ સાઈન કરી ચુક્યા છે જેમાં એક રફીક તાલુકદારની ફિલ્મ અને અન્ય એક ગુજરાતી ફિલ્મ છે જેનું નામ હાલ જાણવા નથી મળ્યું. શૈલેશ શાહની ‘વાયડી ફેમીલી’ સહીત અન્ય એક તેમની જ ફિલ્મ હાલ સાઈન કરી ચુક્યા છે જેનું શુટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. આ તમામે તમામ ફિલ્મો ગુજરાતી અર્બન ફિલ્મો છે જે અત્યારના દર્શકવર્ગને ફિરોઝ ઈરાની પોતાની સ્ટાઈલમાં અભિનય આપીને વધુ સારૂ કાઠું કાઢશે. ફિરોઝ ઈરાની બળાપો વ્યક્ત કરતા કહે છે કે અમુમ્ક લોકોએ એવી અફવા મારા વિષે ફેલાવી છે કે હું ફક્ત રૂરલ ફિલ્મોનો જ કલાકાર છું તેમને મારે બતાવવું છે કે એક કલાકાર માટે ફિલ્મ એ માત્ર ફિલ્મ હોય છે. તે ભલે પછી રૂરલ હોય કે અર્બન. અત્યાર સુધીની લાંબી કેરિયરમાં ફિરોઝ ઈરાનીએ લગભગ કેટલાય નામચીન કલાકારો સાથે કામ કર્યું છે જે બીજા કોઈ ગુજરાતી કલાકારે કર્યું હોય તે યાદ નથી. 



    તેમની હિન્દી ફિલ્મી કેરિયર પર નજર કરીએ તો મીલેનીયમ મેગા સ્ટાર અમિતાભ બચ્ચન સાથે ‘યાર મેરી ઝંદગી’ અને ‘ખૂન પસીના’ માં, નસીરુદ્દીન શાહ સાથે ઝીંદા જલા દેંગા’ મેઈન વિલન તરીકે કરી, નાના પાટેકર સાથે ‘અંગાર’ જેમાં એક એવો ડોક્ટર જે જેકી શ્રોફને પાગલ બનાવી દે છે. જયારે આ ફિલ્મ ‘અંગાર’ માટે નાના પાટેકરને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો ત્યારે એવોર્ડ નાઈટમાં ફિરોઝ ઈરાની સાથેનો આ જ સીન બતાવવામાં આવ્યો હતો. હાલ પણ જેકી શ્રોફ ફિરોઝ ઈરાની જયારે અન ભેગા થાય ત્યારે ગુજરાતીમાં જ વાતો કરે છે. અનીલ કપૂર સાથે ‘લવ મેરેજ’ માં તેઓ મેઈન વિલન બન્યા અને ક્લાઈમેક્સનો ફાઈટ સીન તેમના પર જ લેવામાં આવ્યો હતો. ધર્મેન્દ્ર અને જીતેન્દ્ર સાથે ફિલ્મ ‘નફરત કી આંધી’ માં ચાર વિલનમાના એક ફિરોઝ ઈરાની હતા. અબ્બાસ મસ્તાન દિગ્દર્શિત અક્ષય કુમાર, બોબી દેઓલ સાથે ‘હમરાઝ’ માં કામ કર્યું. આમીરખાન અને રજનીકાંત સાથે ‘આતંક હી આતંક’ માં એક એવા ડોન બન્યા જેનું નામ યુસુફ પટેલ હતું. ગોવિંદા સાથે, હિન્દી ફિલ્મોમાં કેવી રીતે એન્ટ્રી થઇ તે વાત પણ મજાની છે. તે સમયે દિગ્દર્શક મુકુલ દત્ત ‘આન મિલો સજના’ બનાવી રહ્યા હતા. તે સમયે ફિરોઝ ઈરાની માત્ર ૨૪ વર્ષના હતા અને તેમને આ ફિલ્મમાં પોલીસ ઇન્સ્પેક્ટરના માત્ર બે સીન કરવા મળ્યા હતા. ત્યારબાદ ખૂન પસીનાના ડિરેક્ટર રાકેશ કુમારને આ ફિલ્મમાં ફિરોઝ ઈરાની આસીસ્ટ કરી રહ્યા હતા. ફિલ્મનું શુટિંગ કાશ્મીરમાં ચાલી રહ્યું હતું અને તે સમયના વિલન સુધીર કોઈ કારણોસર શુટિંગ લોકેશન પર ન પહોચી શક્યા એટલે રાકેશ કુમારે પોતાના આસીસ્ટંટ ફિરોઝ ઈરાનીને આ રોલ કરવાનું કહ્યું અને ફિરોઝ ઈરાનીએ સહર્ષ તે સ્વીકારી લીધું. કારણ કે કેરિયર તો હિન્દી ફિલ્મોમાં બનાવવી જ હતી. પછી ભલે તે દિગ્દર્શનમાં બંને કે અભિનયમાં. 



પ્ર – નોર્મલી ગુજરાતી પડદેથી અભિનેતાઓ હિન્દી પડદે આવતા હોય છે જયારે તમારી કેરિયર હિન્દી ફિલ્મોમાં બની જ ગઈ હતી તો ફરી ગુજરાતી ફિલ્મો તરફ વળવાનું કારણ ?
ઉ – તે સમયે મને ઘણી હિન્દી ફિલ્મો અને સીરીયલ્સની ઓફર્સ મળી રહી હતી અને બીજી તરફ રોજની ચાર ચાર ફિલ્મોના શુટિંગ મારે ચાલુ હતા. જે અમુક કારણોસર ત્યારે ગુજરાતી ફિલ્મોના શુટિંગ પણ મિક્સ થઇ ગયા એટલે મારું ધ્યાન ફક્ત મારા કામ પર હતું. જેની અસર મારી હિન્દી ફિલ્મોના કામ પર પડી. જેને હું મારી ભૂલ નથી ગણતો. કારણ કે ગુજરાતી ફિલ્મોથી જ મારી ઓળખ છે અને એનાથી જ ગુજરાતના લોકો મને નથી ભૂલી શક્યા. 



પ્ર – ખલનાયકને હંમેશા લોકો ધુત્કારે છે ત્યારે તમને કેવું લાગે છે ?
ઉ – મને હું જે કરી રહ્યો છું તેનું વળતર લોકો પાસેથી મળે છે. જેમ પહેલાના સમયના વિલન અમરીશ પૂરી કે પ્રાણ લોકો પર એવા હાવી થઇ ગયેલા કે હજી પણ કોઈ પોતાના બાળકનું નામ તેમના નામ પરથી નથી રાખતા. અને ખલનાયકને હંમેશા નફરતથી જ જોવામાં આવે છે ત્યારે મને આનંદ થાય છે. કારણ કે મારું માનવું છે કે હીરો એ હોય જેની એન્ટ્રી પર તાળીઓ વાગે અને વિલન એ સફળ કહેવાય જેની એન્ટ્રી પર ગાળો પડે.
પ્ર - એવું પણ સાંભળવામાં આવ્યું છે કે તમને ઘણી પોલીટીકલ પાર્ટીઓ તમારા પાછળ પડી છે ૨૦૧૭ ના ઈલેક્શન માટે શું એ વાત સાચી છે ?
ઉ - પાર્ટીઓ તો ઘણી પાછળ પડી છે પણ હજી મેં વિચાર્યું નથી કે મારે પોલીટીક્સમાં આવવું જોઈએ કે નહિ.
અત્યાર સુધીમાં લગભગ ૫૩૨ જેટલી ગુજરાતી ફિલ્મોનો આંકડો પહોચ્યો છે. ૮૫ જેટલી હિન્દી ફિલ્મો.


n  ગજ્જર નીલેશ

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes