Home » » holi special songs

holi special songs




હોળી ધૂળેટીના શુભ અવસરે ગુજરાતી ચલચિત્રોમાં રંગભર્યા ગીતો



આજે સૌને ગમતી હોળી ધૂળેટીનો તહેવાર આવી ગયો છે. ઠંડીની વિદાય અને ગરમીની શરૂઆતના આ મિશ્ર વાતાવરણના દિવસોમાં જયારે વાતાવરણમાં ઉદાસીનતા છવાઈ ગઈ હોય છે, ત્યારે આપણા સમાજે આ વાતાવરણને ખૂબ જ પ્રફુલ્લિત બનાવવા હોળી ધૂળેટીનો તહેવાર પણ બનાવ્યો છે જે પ્રાચીન કાળથી ચાલતો આવે છે. ભારતીય હિન્દી ફિલ્મોમાં તો આ તહેવાર માટે ખૂબ જ મધુર અને કર્ણપ્રિય ગીતો જાણીતા થયેલા છે અને આ તહેવારોમાં ગવાય પણ છે પણ આપણી ગુજરાતી ફિલ્મોના ગીતો વિષે પણ જાણીએ.
૧૯૫૧ માં મુંબઈના નિર્માતા વી. આઈ. મુનીમ દ્વારા ડી. સી. સી. પિક્ચર્સના બેનર હેઠળ ‘વડીલોનો વારસો’ રજૂ થયેલ હતી. આ ગુજરાતી ચલચિત્રમાં ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં’ સીરીયલના ખ્યાતનામ નટુકાકા કે જેઓ જૂની રંગભૂમિમાં રંગલો તરીકે ખૂબ જ પ્રખ્યાત હતા. જેમાં ‘હો રંગભરી રંગભરી હોળી આવી.....’ જેવું મસ્તીભર્યું ગીત હતું. સને ૧૯૬૩ માં રજૂ થયેલ ‘જેવી છું તેવી’ ચલચિત્ર જે મુંબઈના પાર્થ પિક્ચર્સના બેનર હેઠળ નિર્માતા ભોળાનાથ ડી. ત્રિવેદી દ્વારા નિર્મિત અને જેના નિર્દેશક હતા જી. કે. મહેતા અને સંગીતકાર હતા જયંતી જોશી. આ ચલચિત્રમાં કોકિલા જોશી અને પી. શાહની મંડળી દ્વારા હોળીનું એક ગીત રજૂ થયું હતું. જેના શબ્દો હતા ‘સરરર મારી પિચકારી તારો ઓટલો, કાનજી કનૈયા.....’ તેમજ હિન્દી ફિલ્મ જગતની હવે ખોવાઈ ગયેલ ગાયિકા કૃષ્ણા કલ્લેએ ૧૯૭૨ માં રજૂ થયેલ ગુજરાતી ફિલ્મ ‘ઝેર તો પીધા જાણી જાણી’ માં ‘જરી હળવે ઉડાડો ગુલાલ, મારી કોરી રે ચુનરિયા રંગાઈ જાય છે.....’ જેવું હોળી ધૂળેટીને લાગતું ગીત ગાયું હતું. ‘રાણકદેવી’ ફિલ્મ ૧૯૭૩ માં રજૂ થયેલ આ ફિલ્મના નિર્માતા હતા ચાંપશીભાઈ નાગડા ચિત્રકલા મંદિર મુંબઈના બેનર હેઠળ રજૂ કરાયેલ આ ફિલ્મમાં આશા ભોસલેએ સંગીતકાર અવિનાશ વ્યાસના સંગીતમાં ખાસ હોળી ગીત ગાયું હતું. જેના શબ્દો હતા ‘ઓઢું તો તારી ચુંદડી ઓઢું, રંગે રમો કોઈની ચુંદડી ચેહ કોરી.....’ આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, તરલા મહેતા, અરવિંદ પંડ્યા અને અરવિંદ ત્રિવેદી હતા. ૧૯૮૪ માં બોહરા ઇન્ટરનેશનલ મુંબઈના બેનરમાં બનેલી નિર્માતા રામકુમાર બોહરાની ફિલ્મ ‘ભગવાન શ્રી કૃષ્ણ’ માં પણ એક હોળી ગીત હતું જે તેની બુકલેટમાં જોવા મળતું નથી એટલે વધુ માહિતી નથી. સિત્તેરના દાયકાની હિટ જોડી કિરણ કુમાર અને અરુણા ઈરાનીની ફિલ્મ ‘કંચન અને ગંગા’ માં ઉડે આજે રંગ ગુલાલ.....’ ગીત હતું જેને મહેન્દ્ર કપૂર અને આશા ભોંસલેએ ગાયું હતું. આ ફિલ્મમાં અરુણા ઈરાનીનો ડબલ રોલ હતો. ગીતા ચિત્ર મુંબઈની ઐતિહાસિક ફિલ્મ ‘તાનારીરી’ માં નરેશ કુમાર (હાલ નરેશ કનોડિયા) અને મહેશ કુમારે એક હોળી ગીત પર પણ પડદા પર પર્ફોમન્સ આપ્યું હતું જેમાં તેમની સાથે કાનન કૌશલ અને બિંદુ પણ હતી. ગીતના શબ્દો હતા ‘ચુંદડી કોઈ રે ધાકોરી, હો રહે તરસી કાં ?’ જેવા મધુરા હતા. આ ફિલ્મમાં રાજીવે મહેમાન કલાકાર તરીકે ભૂમિકા ભજવી હતી. હિતેન કુમાર અને હિન્દી ફિલ્મોની અભિનેત્રી મોનિકા બેદીની ફિલ્મ ‘ઘર એક પંખીનો માળો’ માં પણ આ બંને કલાકાર પર એક હોળી ગીત હતું. ‘હાથમાં રંગ છે રે હો સાથી......’ અત્યારે હોળીના તહેવાર પર સાંભળવું ગમે એવું છે. આ ઉપરાંત અવિનાશ વ્યાસના સંગીતમાં ‘મારો દેવરીયો છે બાંકો, એની લાલ કસુંબલ આંખો.....’ જેવા નોન ફિલ્મી હોળી ગીતોનો તો ખજાનો છે જેની વાત ફરી ક્યારેક. સૌ ગુજરાતી ફિલ્મોના કલાકારમિત્રો તથા ટેક્નીશિયનોને હોળીની ખૂબ બધી શુભકામનાઓ.



n  ગજ્જર નીલેશ

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes