Home » » jesal toral

jesal toral




ફિલ્મ - જેસલ-તોરલ - ...કે સપનાં જેવો છે સંસાર!



 ...કે સપનાં જેવો છે સંસાર!
મું જેસલ જાડેજો. કચ્છજી ધરતી જો કારો નાગ.... હા.... હા.... હા.... બોલીને પેલા કાળા કપડાં પહેરેલા ડાકુએ તલવાર ઝીંકી. વાઢી નાંખ્યું કોઇનું માથું. કાળી પાઘડી, મોં પર કાળું લુગડું, કાળો લિબાસ અને ભયાનક હાસ્ય. ઘોડા પર ગામેગામ કાળો કેર મચાવતો જતો હતો. એના સાથીઓ પણ એવા જ ભયાનક હતા. ફિલ્મ એવી તો જબરદસ્ત હતી કે, કોણે અંધારાંમાં સીટ પર બેસાડી દીધો એની પણ ખબર ન રહી. હું ત્યાં ક્યાં હતો જ. હું તો પરદા પર હતો. મારી આજુબાજુ એક પછી એક ઘટના પ્રસંગો બનતા હતા. પેલા ડાકુએ એની સગી બહેન અને એના બે દીકારા વધેરી નાખ્યા. મને એવી તો દાઝ ચઢીતી કે એક તલવાર મળી જાય તો.... ખટ્ટાક, કાતરી,પૉપકૉર્ન સાથે પીપરમિન્ટ ચવાઇ ગઇ ને ધ્યાન તૂટ્યું. હૉલમાં અજવાળું થયું. ઇન્ટરવલ પડ્યો. મજા પડીને’? મામાએ પૂછ્યું. મોં પર ધમધમતા સ્મીત સાથે આખું અસ્તીત્વ હલાવીને મેં હા કહી.
જેસલ તોરલ. આજથી લગભગ સાડા પાંચસો વર્ષ પહેલાં કચ્છની ધીંગી ધરા પર થયેલો ચમત્કાર. એક સતીના સતની પાવક જ્વાળામાં આજેય ઝળહળતી ભવ્ય પ્રેમ કથા. એક સાવ નોંખો પરમ તત્વનો પ્રેમ. સતીના સતનો પાવક પ્રેમ. સાવ સાચો પ્રેમ. ગુજરાતી કચ્છી સંસ્કારિતાની એક જાજરમાન ગાથા. એની ઉપરથી સન ૧૯૭૧માં બનેલી બેનમૂન ગુજરાતી ફિલ્મ જેસલ-તોરલ. જોગીઓના જોગ છોડાવે એવું અધધધ રૂપ હતું તોરલનું. કઇ માટીમાંથી બની હશે આ ગુજરાતણ? સૂરજ, ચંદ્રમાનાં તેજ આછાં પડે. સોના, ચાંદી, હીરા, માણેકના ઝગારાની તો શી વિસાત? તોળાંદેની એક ઝલક કાજે આખો જમાનો ગાંડોતૂર બનેલો. એનાં લગ્ન થયેલા કદાવર, મહાભયાનક ડાકુ સાંસતીયા જોડે. નશાખોર અને ઐયાશ હેવાન. તોરલને તેડાવી તો ખરી પણ એમાં કોઇ લાગણી નહોતી. ઘમંડ હતો. પણ તોરલ જેનું નામ. એણે સાસરે જતાં જ ખૂંખાર પતિને જિંદગીનો અરથ સમજાવી દીધેલો. તલવાર મૂકાવીને તંબૂર પકડાવેલો. ને સાંસતીયાજી સંત થઇ ગયેલા.
રાતે સાધુ સંતોની ભીડ જામતી. પ્હો ફાટતા સુધી કિર્તન ચાલતું. સવારે પ્રસાદ લઇ સૌ દુનિયાદારીમાં પરોવાતા. એકવાર અજબ વાત થઇ. કિર્તન ચાલતું હતું.  જેસલ જગનો ચોરટો સાંસતીયાજીની ઘોડી ચોરવા આવ્યો. ઘોડી હણહણી. બધાનું ધ્યાન ત્યાં ગયું. તોરલે જોયું તો ઘોડી ખૂંટામાંથી છૂટી ગઇ હતી. એણે લોઢાનો મોટો ખીલો ફરી જમીનમાં ઠોક્યો. ભજન શરૂ થયું. સવાર થઇ. પ્રસાદ વહેંચાયો. બધાને મળ્યો. તોય પ્રસાદ વધ્યો. આવું કદી બન્યું નહોતું. કોનો પ્રસાદ વધેલો? શોધ કરી તો ઘોડી પાસે જેસલ દેખાયો. કણસતો. તડપતો. તોરલે ખૂંટો ફરી ઠોક્યો ત્યારે જેસલનો હાથ વીંધીને મોટો ખીલો જમીનમાં ખોડાઇ ગયેલો. સંત, સતીએ ડાકુની સારવાર કરી. ત્યાં આવવાનું કારણ પૂછ્યું. જેસલે કીધું, તોરલને ચોરવા આવ્યો છું. ઘોડીનું નામ પણ તોરલ હતું. સંતે મોટા મને કહ્યું લે ભાઇ આજથી તોરલ તારી. ઘોડી જેસલને ધરી દીધી. પણ જેસલ તો તોરલ નારના રૂપનો ઘાયલ હતો. એણે સતી પણ માગી. સાંસતીયાએ વેણ રાખવાનું હતું. તોરલ હાલી નીકળી જેસલ જાડેજા જોડે.
જેસલ તોળાંદેના રૂપનો દીવાનો બની ચૂકેલો. પરંતુ, સતીનો તાપ જીરવી શકતો નહોતો. એની એકેય મેલી મુરાદ બર નહોતી આવતી. તોરલને પામવા સિવાય જિંદગીનો કોઇ ઉદ્દેશ રહ્યો નહોતો. નજર સામે જ રૂપનો અંબાર. જોતાં જ આંખો અંજાઇ જતી. ચિત્ત ચકરાઇ જતું. પછડાટ ખાઇને પડતો જાડેજો. રવિન્દ્ર દવેના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં પળે પળે ઉત્સુકતા વધારતા પ્રસંગો છે. જેસલનું હૃદય પરિવર્તન. પાપનું પ્રાયશ્ચિત. લંપટ શેઠિયાનું દાનવીર સજ્જન બની જવું. તમામ ઘટનાઓ સચોટ રીતે એમાં રજૂ થઇ છે.
સાંસતીયાના પાત્રમાં અરવિંદ ત્રિવેદી છે. એક ધરખમ અભિનેતા. એક એવો કલાકાર, જે આંખથી અભિનય કરી જાણે છે. ખલનાયકના વેશમાં તગતગતી કાતીલ નજર સંતના રૂપમાં માસૂમ લાગે છે. જેસલનું પાત્ર ઉપેન્દ્ર ત્રિવેદી સિવાય બીજાં કોઇના ગજાં બહારની વાત છે. ક્રોધમાં ભભકતો ચહેરો. લાલસા, લોલૂપતામાં લપટાયેલી પામરતા. દરિયાના તોફાનમાં સપડાયેલા ભડવીરના હાંજા ગગડી જવાનો પ્રસંગ. પછી સાવ સાલસ નિખાલસ માનવી. અને છેવટે જેસલ પીર સુધીના અનેક શેડ્ઝ. અભિનય સમ્રાટ ઉપેન્દ્ર જ આપી શકે. તોરલ. આ શબ્દ પછી ફૂલ સ્ટૉપ મૂક્યું મેં. તોરલના પાત્રમાં અનુપમા, न भूतो न भविश्यति છે. ખરેખર સતી તોરલના દર્શન થયા હોત તો એ અનુપમા જેવાં જ ભવ્ય અને દિવ્ય લાગતાં હોત. એટલું આબેહૂબ કાસ્ટિંગ છે. ઉપરથી અનુપમાનો અભિનય. અનુપમ છે. ખુલ્લા લાંબા કેશને બાંધી, ખભેથી આગળ રાખવાની એ જમાનામાં ફેશન આવી હતી. મને બરાબર યાદ છે. તે આ તોરલ-અનુપમાને જોઇને. અનુપમા એટલે સાંસ ભી કભી બહુ થીમાં લાજોનું પાત્ર ભજવનાર મહાન અભિનેત્રી. ના, ના યાર, સીરિયલ નહીં. ૧૯૭૦ની ફિલ્મની વાત છે. જેમાં ક્યોંકિ ઉમેરીને એકતાએ સીરિયલ બનાવી.
અવિનાશ વ્યાસે ગીત-સંગીતમાં અમરત્વની ધૂણી રે ધખાવી છે. પાપ તારું પરકાશ જાડેજા ગીતમાં દીવાળી બેન ભીલનો અવાજ ગાજી ઊઠ્યો છે. જેસલ કરી લે વિચારના સંગીતમાં જેટલાં ડાયમેન્શન છે, એટલાં કદાચ જ કોઇ અન્ય ગીતમાં સાંભળ્યાં હશે. શબ્દ સ્વરનો ઝગમગાટ છે. ગુજરાતની ગરિમાનો પમરાટ છે. આ ફિલ્મ યાદ રહેવાના ઘણાં કારણો છે. એમાં ઘણી વાતો પહેલીવાર થઇ હતી. આ સૌથી પહેલી ઇસ્ટમૅન કલર ગુજરાતી ફિલ્મ હતી. ફિલ્મમાં પહેલી જ વાર સૉનિક ઇફેક્ટનો ઉપયોગ થયો હતો. દરિયાનું તોફાન. તોરલના ચમત્કારના દ્રશ્યો. પથ્થરના પોઠિયાની ઘાસ ખાવાની ઘટના. મધદરિયે તોફાનમાં નાવનું ફસાઇ જવું. ટાઇટેનિક ફિલ્મ તો હમણાં આવી. એ જમાનામાં ગુજરાતના કસબીઓએ આ કમાલ કરી બતાવ્યો હતો. આ બધું ગુજરાતી ફિલ્મમાં એકસાથે પહેલી જ વાર જોવા મળેલું.
બીજું પણ એક કારણ છે. હા, પિક્ચર જોયા પછી ચોકોબાર મળેલો. ને પેલું ઑરેન્જ સૉફ્ટ ડ્રિંક પણ. વગર માગે મળેલું. ખરેખર, ફિલ્મ જોવાથી મોટો કોઇ ઉત્સવ આજેય મારા માટે નથી. પરદા પર ચાલતી દરેક ફિલ્મ, કોણ જાણે કેમ, મને સાચી જ લાગે છે. એ નકલી હોય, એવું માનવા હું ક્યારેય તૈયાર નથી. સપનાં જેવો સંસાર જ મને અસલી લાગે છે. જેસલ-તોરલ મેં જોયેલી પહેલી ગુજરાતી ફિલ્મ છે. એ જોયા પછી એમાં રાજેશ ખન્ના કેમ નથી એ સવાલ મને થયો નહોતો. આ ગુજરાતી ફિલ્મ જગતના સુવર્ણ યુગની શરૂઆતની ફિલ્મ હતી. ગુજરાત ટૉકીઝમાં આપણે હવે આપણી ભાષાનાં રૂપેરી રૂપની મબલખ વાતો કરીશું. દર અઠવાડિયે એક ફિલ્મ ફરી જોઇશું. નવી રીતે. તમે પણ તૈયાર છોને? પૉપકૉર્ન સાથે!  

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes