Home » » mukesh rawal

mukesh rawal


અભિનેતા મુકેશ રાવલની ઓચિંતી એક્ઝિટ


રામાનંદ સાગરની ૧૯૮૬માં દૂરદર્શન પરથી પ્રસારિત થયેલી ‘રામાયણ’ સિરિયલ યાદ કરો તો રાવણ બનતા અરવિંદ ત્રિવેદીની ગુસ્સાથી ભરેલી ચીસ જ‚રૂર યાદ આવશે: ‘વિઈઈઈભીઈઈઈષણ!’  એ વિભીષણ બનેલા ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર મુકેશ રાવલ. મંગળવારે (૧૫ નવેમ્બરે) મુકેશભાઈનું આકસ્મિક નિધન થયું.
કાન્તિ મડિયાના ખૂબ ગાજેલા નાટક ‘અમે બરફનાં પંખી’  (૧૯૭૪-૧૯૭૫)માં મુકેશભાઈએ નાયિકા સુજાતા મહેતાના ભાઈની એક નાનકડી ભૂમિકા ભજવેલી. એ એમની કારકિર્દીના આરંભના દિવસો હતા. ચાર દાયકાની કારકિર્દીમાં ૬૫ વર્ષી મુકેશભાઈએ ‘રામ વિનાનું રામાયણ’, ‘કોઈની આંખમાં સાપ રમે’, ‘જૂઠ બોલે કૌઆ કાટે’, ‘અધૂરા તોય મધુરા’, ‘મારે જાવું પેલે પાર’ તથા ‘નસ નસમાં ખુન્નસ’ જેવાં નાટકમાં મહત્વની ભૂમિકા ભજવી.
જાણીતા નાટ્યકર્મી કમલેશ મોતા દિગ્દર્શિત ‘શક્ય-અશક્ય’માં મુકેશભાઈએ મહત્ત્વની ભૂમિકા ભજવી. કમલેશભાઈ કહે છે: ‘મુકેશભાઈ ફાઈન ઍક્ટર તો હતા જ, સાથે એ વાંચનના રસિયા હતા. ખૂબ વાંચતા. ખાસ કરીને ગુજરાતી કવિતા, ગીત-ગઝલ એમને કંઠસ્થ રહેતાં. એમના મુખ પર હંમેશાં હાસ્ય રમતું, સાથી કલાકાર-કસબીઓને એ અનેરી હૂંફ સાથે મળતા. એમના આકસ્મિક નિધનથી ગુજરાતી રંગભૂમિને એક મોટી ખોટ પડી એમ કહી શકાય.’
ગુજરાતી ટીવીસિરિયલોમાં ‘સાત પગલાં આકાશમાં’, ‘સાથિયામાં એક રંગ ઓછો’, ‘શ્રીલેખા’ તથા તાજેતરમાં પ્રસારિત થઈ રહેલી ‘શુક્ર મંગળ’માં મહત્ત્વની ભૂમિકા ભજવી.
હિંદી-ગુજરાતી ટીવીસિરિયલ્સ, ફિલ્મો ઉપરાંત મુકેશભાઈએ કેટલીક ગુજરાતી ફિલ્મોમાંય કામ કર્યું. છેલ્લે એમણે ‘સાથીઓ ચાલો ખોડલધામ’ નામની ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું. ડિરેક્ટર સમીર જગોતની આ ફિલ્મમાં એમણે પરિવારની નેક્સ્ટ જનરેશનને ખોડલધામની કથા કહેતા મોભીની ભૂમિકા ભજવેલી.
ઉલ્લેખનીય છે કે ૧૯૯૦ના દાયકામાં મુકેશભાઈના પુત્ર પ્રિન્સનું પણ ટ્રેનઅકસ્માતમાં આકસ્મિક નિધન થયેલું. એમને પરિવારમાં બે પુત્રી આર્યા અને વિપ્રા છે. અનેક નાટક-ફિલ્મ-ટીવીસિરિયલ્સના પ્રતિભાશાળી કલાકારને સ્મરણાંજલી..

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes