Home » » mulu manek

mulu manek





વર્ષો પહેલા આવેલી એક દેશભાવના જગાડનારી ફિલ્મ ‘મુળુ માણેક’ જેમાં ફિરોઝ ઈરાની પર ફિલ્માવાયેલું દેશદાઝ જગાવતું ગીત






૧૯૭૭ માં એસ. કે. ફિલ્મ્સ (મુંબઈ) ના બેનરમાં નિર્માતા કાન્તિલાલ શાહ અને દિગ્દર્શક મણીભાઈ વ્યાસની ફિલ્મ ‘મુળુ માણેક’ આવી હતી. જેમાં ગુજરાતી ફિલ્મોના ખ્યાતનામ વિલન ફિરોઝ ઈરાની સાથે શ્રીકાંત સોની, સરલા યેવલેકર, મેઘના રોય, સૂર્ય કુમાર, સુરેશ રાવળ, ચંદ્રકાંત પંડ્યા, દેવયાની ઠક્કર, જયેન્દ્ર મિશ્રા, નારાયણ રાજગોર વગેરે કલાકારો હતા. જેમાં એક સીનમાં ફિરોઝ ઈરાની એક ચાદર ઓઢીને સુતેલા વ્યક્તિને મારવાનો હોય છે પણ તેને ક્યાં ખબર હોય છે કે આ ચાદરમાં તેમની માતા જ સુતેલા હોય છે. ત્યારબાદ તેનું માથું વાઢ્યા પછી ફિરોઝ ઈરાની જુએ છે કે અરે રે આ તો મેં મારી માનું જ માથું કાપી નાખ્યું. ત્યાં જ ફિરોઝ ઈરાનીએ તેમની માતાએ લખેલા કાગળ પર નજર પડે છે. જેમાં લખેલું હોય છે કે ‘જો આના પછી પણ તું દેશ માટે નહિ સુધરે તો હું સમજીશ કે મેં દીકરાની જગ્યાએ એક પથ્થરને જનમ આપ્યો હતો’ અને પછી આ માનસમાં બદલાવ આવે છે અને જે મુળુ માણેકને મારવાની એણે પ્રતિજ્ઞા લીધી હોય છે. એ મુળુ માણેક જયારે હારીને અંગ્રેજોને પોતાની જાતને સોંપવાનો હોય છે. ત્યારે ફિરોઝ ઈરાની તેનો જુસ્સો વધારવા ગીત લલકારે છે કે ‘ના છડીયા હથિયાર.....’ આ ગીત એક ફોક સોંગ છે જેને સંગીતકાર ગૌરાંગ વ્યાસે સંગીત આપ્યું હતું. ફિલ્મના ગીતો નિર્માતા દિગ્દર્શક કેશવ રાઠોડે લખ્યા હતા. 


ફિલ્મના આ ગીતના શૂટનો કિસ્સો પણ જાણવા જેવો છે. આ ગીતનું શુટિંગ પાવાગઢની પુરાતત્વ વિભાગના ખંડેરોમાં ત્યારે ચાલી રહ્યું હતું. ફિલ્મના તમામ કલાકારો આવી પહોચ્યા હતા. પણ તે સમયે બધા યુનિટના સભ્યોને એમ જ કે ગુજરાતી ફિલ્મના શુટિંગ માટે ગુજરાતમાં પરમીશન નહિ લેવી પડતી હોય. એટલે કોઈએ તે કાર્ય કર્યું નહિ. ગીતનું શુટિંગ શરૂ થયું અને એકાદ દિવસ બાદ પુરાતત્વ વિભાગવાળા આવ્યા અને તેમણે શુટિંગ કરવાની ના પાડી. ત્યારના કેમેરામેન રોકી લેટન પાસેથી કેમેરો પણ આંચકી લેવામાં આવ્યો હતો. જેમ તેમ કરીને યુનિટના લોકોની સમજાવટથી મામલો કંઇક થાળે પડ્યો અને સમજુતીથી શુટિંગ કરવાની પરવાનગી પણ આપવામાં આવી. નહિ તો તે સમયના કેમેરા પણ નેગેટીવ વાળા આવતા હતા હાલના જેવા નહિ. જો તે સમયે કેમેરો પાછો ના મળ્યો હોટ તો નિર્માતાને ફિલ્મના ગીતનું શુટિંગ અન્ય કોઈ સ્થળે ફરીથી કરવું પડત.


n  ગજ્જર નીલેશ    

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes