Home » » tawarikh e dhollywood part 10

tawarikh e dhollywood part 10


ભારતમાં ફિલ્મનું આગમન કરનારા ગુજરાતીઓ ભાગ ૧૦


                                                    જમના

   
                                                  રામપ્યારી


                                              ગોહર બાનુ

દાદાસાહેબ ફાલકે હિંદુસ્તાનમાં સિનેમાને જન્મ આપ્યો અને એક મહાઉદ્યોગ હિંદુસ્તાની ફિલ્મ ઉદ્યોગ ની નીવ નાખી આપી.
દાદાસાહેબ ફાલકે કેટલાક વર્ષો ગુજરાતમાં રહ્યા; વડોદરાના કલાભવનમાં તેમની ભાવિ કારકિર્દીની રૂપરેખા કંડારાઈ.
દ્વારકાદાસ સંપત (સંપટ) અને માણેકલાલ પટેલ આ બે ગુજરાતીઓએ કોહિનૂરઅને કૃષ્ણફિલ્મ કંપની દ્વારા ફિલ્મ ઉદ્યોગને ખીલવવામાં પોતાના પ્રાણ રેડ્યા. વાચકમિત્રો જાણે છે કે આ ફિલ્મ કંપનીઓએ ભારતના ચલચિત્ર ઉદ્યોગને એક એકથી ચડે તેવા કસબીઓ આપ્યા છે.
હું આપને તેમની કેટલીય કહાણીઓ કહેતો રહીશ; કોઈક ને કોઈક રહી જ જશે. છતાં યાદ કરી કરીને આપને તેમની વાતો કહેતો જાઉં છું.
દ્વારકાદાસ સંપતને ફિલ્મ લાઈન માટે વિશેષ પ્રેરણા દાદાસાહેબ ફાલકેની ફિલ્મોમાંથી મળી હતી.
પહેલાં આપને દ્વારકાદાસ સંપત (સંપટ)ની કોહિનૂરની વાતો કરી લઉં?
મને યાદ આવે છે કોહિનૂર ફિલ્મ્સનાં અભિનેત્રી જમના.
તે વર્ષ હતું ૧૯૨૨નું. દ્વારકાદાસ સંપતની કોહિનૂર કંપનીની ફિલ્મ આવી સુકન્યા સાવિત્રી. તેમાં પ્રથમ વાર જમનાનો અભિનય ચમક્યો. તે પછી જમનાએ કોહિનૂરની અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું.
કોહિનૂરની ૧૯૨૪ની એક ફિલ્મ હતી ગુલ-એ-બંકાવલિ. આ ફિલ્મની પટકથા ગુજરાતી લેખક મોહનલાલ જી. દવેએ લખી હતી. વાચકમિત્રોને એક મહત્વની માહિતી આપું કે ગુલ-એ-બકાવલિમાં ઝુબેદાનો પણ અભિનય હતો. એ જ ઝુબેદા, જે પાછળથી ભારતીય સિનેમાની પ્રથમ ટોકી મુવિ બોલપટ – ‘આલમઆરાનાં મુખ્ય અભિનેત્રી બન્યાં. તેમાં પણ જમનાનો તેમ જ નુર મોહમ્મદ નામના અભિનેતાનો અભિનય.
કોહિનૂરની એક મહત્વાકાંક્ષી ફિલ્મ મનોરમા.
આ ફિલ્મની પટકથા ગુજરાતી કવિ સુરસિંહજી ગોહિલ કલાપીની અમર કૃતિહૃદયત્રિપુટી પર આધારિત હતી. આમ, કવિ કલાપી એવા પહેલા સર્જક કે જેમની કાવ્ય રચના ફિલ્મ પડદે અવતાર લેનાર સર્વ પ્રથમ કૃતિ બની.
દ્વારકાદાસ સંપતની એક મહત્વની ફિલ્મ ગુણસુંદરી.
ગુણસુંદરીકોહિનૂરની કીર્તિને આસમાને પહોંચાડી! 
૧૯૨૭માં કોહિનૂર નિર્મિત ગુણસુંદરીનું દિગ્દર્શન ચંદુલાલ શાહ નામના ગુજરાતીનું; આ એ જ સરદાર ચંદુલાલ શાહ જેમણે સમય જતાં રણજીત મુવિટોન નામની અતિ સફળ ફિલ્મ કંપની સ્થાપી અને સ્વયં મુંબઈની ફિલ્મી દુનિયાના બેતાજ બાદશાહ બન્યા!
ગુણસુંદરી બીજી રીતે એટલે મહત્વની કે તેમાં ગોહર બાનુ, રામપિયારી અને જમના ત્રણ ત્રણ જાજરમાન અભિનેત્રીઓએ અભિનય આપ્યો! વાચક મિત્રો માટે એક ખાસ માહિતી   તે ફિલ્મમાં રાજા સેન્ડોનો અભિનય હતો.
રાજા સેન્ડો પી. કે. (૧૮૯૪ ૧૯૪૨) મૂળ તો દક્ષિણ ભારતના, પણ મૂંગી ગુજરાતી ફિલ્મોમાં એવા સફળ થયા કે મુંબઈના ફિલ્મ ઉદ્યોગમાં જામી પડ્યા! ગુણસુંદરી પહેલાં રાજા સેન્ડોએ કાનજીભાઈ રાઠોડ દિગ્દર્શિત સદગુણી સુશીલામાં પણ કામ કર્યું હતું.
જુઓ તો મિત્રો! આપણી વાતો ક્યાંથી ક્યાં પહોંચે છે!
આપની સમક્ષ આવી વિસરાતી વાતોનો ખજાનો હું ખોલી રહ્યો છું! ધીરજ રાખજો!

દ્વારકાદાસ સંપત અને માણેકલાલ પટેલ જ્યારે મુંબઈમાં ફિલ્મ ક્ષેત્રે ગુજરાતનું નામ આંકી રહ્યા હતા, ત્યારે બે ગુજરાતી ભાઈઓએ સિનેમા ઉદ્યોગને કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં લાવવાનું અકલ્પનીય સાહસ ખેડ્યું હતું.
મિત્રો! કોહિનૂર તથા કૃષ્ણ ફિલ્મ કંપનીઓથી થોડી આડી વાતે હું જઇ રહ્યો છું, પણ તે જ અરસામાં તે ભાઈઓની સાહસવૃત્તિ અને સિદ્ધિ પ્રેરણાદાયી હોવાથી તે કથા આપને કહી જ દઉં.
આ બે ભાઈઓનાં નામ વજેશંકર પટ્ટણી અને ચંપકરાય પટ્ટણી. આ બે ભાઈઓ તત્કાલીન ભાવનગર રાજ્યના કાબેલ દીવાન સર પ્રભાશંકર પટ્ટણીના કુટુંબીજનો.
ચંપકરાય પટ્ટણીને સિનેમેટોગ્રાફીમાં ખૂબ રસ પડ્યો. તેમણે ફ્રાન્સના ફિલ્મનિર્માતા મેલિઝ (મેલિએઝ?)ની ટેકનિક્સનો ઊંડો અભ્યાસ કર્યો. વાચકમિત્રોને જ્યોર્જ મેલિઝનો ટૂંક પરિચય આપી દઉં?
જ્યોર્જ મેલિઝ  (Georges Melies France; 1861 – 1938) ફ્રાન્સના જ નહીં, યુરોપના સિનેમા ઉદ્યોગના અગ્રગણ્ય પ્રણેતા. મેલિઝે ફિલ્મનિર્માણ ક્ષેત્રે   વિશેષ તો ટ્રીક ફોટોગ્રાફી અને સ્પેશિયલ ઇફેક્ટસ ક્ષેત્રે ફિલ્મજગતને અવનવી ટેકનિક્સ આપી છે. મેલિઝની જાણીતી ટેકનિક્સમાં ફેડ-ઈન (Fade-In) તથા ફેડ-આઉટ (Fade-out) નો સમાવેશ થાય છે.
બંને પટ્ટણી ભાઈઓએ રાજકોટ ખાતે જ ફિલ્મ સ્ટુડિયો સ્થાપવાનું નક્કી કર્યું. તેમણે અલ્પવિકસિત રાજકોટ-ગોંડલ રોડ પર પ્રોસેસિંગ લેબોરેટરી સહિતની સગવડ સાથે ફિલ્મનિર્માણ કેન્દ્ર ઊભું કર્યું.
પટ્ટણી ભાઈઓની ફિલ્મ કંપની પ્રારંભે સૌરાષ્ટ્ર કિનેમેટોગ્રાફ કંપની તથા પાછળથી સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની તરીકે ઓળખાઈ.  

તેમની એક પ્રારંભિક ફિલ્મ હતી સમુદ્રમંથન (૧૯૨૪).
પટ્ટણી ભાઈઓની તે ફિલ્મ પુરાણકથા પર આધારિત હતી. તેમાં દેવ-દાનવોના સમુદ્રમંથનની કથા  હતી. સમુદ્રમંથનની ટ્રીક ફોટોગ્રાફી એટલી તો અદભુત હતી કે દેશ વિદેશમાં તેની ભારે પ્રશંસા થઈ.
યુરોપના વિવેચકો-તજજ્ઞો ચંપકરાય પટ્ટણીની કલા અને સૂઝ-બૂઝ પર ઓળઘોળ થઈ ગયા. ઇંગ્લેંડની રોયલ ફોટોગ્રાફિક સોસાયટીએ ચંપકરાય પટ્ટણીને ઓનરરી એસોસિયેટસનું સન્માન બક્ષ્યું. ગરવા ગુજરાતી ચંપકરાય પટ્ટણી આ સન્માન પામનાર સર્વ પ્રથમ ભારતીય બન્યા.
પટ્ટણી ભાઈઓને એક કુશાગ્ર કસબીનો સાથ મળી ગયો. તે ગુજરાતી કસબીનું નામ ચીમનલાલ લુહાર, બી.એસસી. જે જમાનામાં ફિલ્મ લાઇનથી શિક્ષિત લોકો દૂર રહેતા, તે જમાનામાં સાયન્સ ગ્રેજ્યુએટ ચીમનલાલ સિનેમા ઉદ્યોગમાં ઝંપલાવે તે મોટી વાત ન કહેવાય? કહેવાય છે કે ચીમનલાલ લુહાર પોતાની વિજ્ઞાન-સ્નાતકની પદવી માટે ખૂબ જ ગર્વ અનુભવતા હતા અને પોતાના નામ સાથે ડિગ્રી લખાય તેવો આગ્રહ રાખતા.

ચીમનલાલ લુહારને  છબીકલા   સિનેમેટોગ્રાફીનું ઊંચું જ્ઞાન હતું. સિનેમેટોગ્રાફર તરીકે સૌરાષ્ટ્ર ફિલ્મ્સમાં આવ્યા.
 ‘સનમની શોધમાં નામક ફિલ્મથી ચીમનલાલ જાણીતા થયા. તેમાં ડોરોથી નામની અભિનેત્રીએ કામ કરેલું.
આપને ચીમનલાલ લુહારની થોડી શી વાત કરી દઉં.
ચીમનલાલ એમ. લુહાર બી.એસસીનો જન્મ ૧૯૦૧માં થયો હતો. તેમની સિનેમા જગતની કારકિર્દીની શરૂઆત લેખક અને સિનેમેટોગ્રાફર તરીકે થઈ.
પટ્ટણી ભાઈઓની સૌરાષ્ટ્ર ફિલ્મ કંપનીમાં ચીમનલાલ લુહાર પ્રકાશમાં આવ્યા. મિત્રોને તે સમયની ફિલ્મોના નામ કહું તો સાચે જ હસવું આવશે! ઈશ્કનો ઉમેદવાર’, ‘સનમની શોધમાં’, ‘સુધરેલ શયતાનઈત્યાદિ
ચીમનલાલ લુહાર સૌરાષ્ટ્ર ઉપરાંત કોહિનૂર ફિલ્મ્સ, કૃષ્ણ ફિલ્મ્સ, શારદા ફિલ્મ્સ વગેરે ફિલ્મ કંપનીઓ સાથે સંકળાયા. પાછળથી તેમણે પોતાની ફિલ્મ નિર્માણ કંપની પણ સ્થાપી.
તેમની ફિલ્મોમાં ભાત ભાતના કલાકારો ચમક્યા. સનમની શોધમાંફિલ્મથી અભિનેત્રી ડોરોથી જાણીતી થઈ, પછી તેને હર્ષદરાય સાકરલાલ મહેતા દિગ્દર્શિત સોનેરી ખંજરમાં પણ કામ મળ્યું.
ત્રીસ જ વર્ષની નાની ઉંમરે ચીમનલાલ લુહાર ફિલ્મ દિગ્દર્શક બન્યા.
સિંધ પ્રદેશની વિખ્યાત પ્રેમ કથા પર આધારિત ફિલ્મ સસ્સી પુન્નુનું દિગ્દર્શન તેમણે અન્ય એક સહયોગી સાથે સફળતાથી કર્યું.
ફિલ્મ ડાયરેક્ટર તરીકે ચીમનલાલની બીજી ફિલ્મતલાશ-એ-હક’.
આ ફિલ્મમાં અલ્હાબાદના જદ્દનબાઈની છ વર્ષની પુત્રી બાળ કલાકાર તરીકે આવી અને પછીના થોડા વર્ષોમાં તો મુંબઈના ફિલ્મજગતની ટોચની અભિનેત્રી તરીકે હિંદુસ્તાનમાં જ નહીં, વિદેશમાં પણ નામના પામી. મિત્રો! આપ જાણો છો તે બાળ કલાકારને?
ચીમનલાલ લુહારની તલાશ-એ-હકમાં બાળ કલાકાર તરીકે રજૂ થનાર છ વર્ષની બાળકી તે નરગીસ; સમય જતાં નરગીસ દિલીપકુમાર સાથે મેલાતથા રાજ કપૂર સાથે આવારા’, ‘બરસાતજેવી સફળ ફિલ્મોમાં નામ કમાયાં.
મુંબઈ-બોલિવુડમાં છવાઈ જનાર બિલિમોરાના વતની એવા ગુજરાતી ફિલ્મ-નિર્માતા મહેબૂબની ફિલ્મ મધર ઇંડિયાએ નરગીસને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિદ્ધિ અપાવી. પણ નરગીસની આ સિદ્ધિ જોવા ચીમનલાલ લુહાર ન રહ્યા; ૧૯૪૮માં માત્ર ૪૭ વર્ષની ઉંમરે ચીમનલાલ લુહારનું અવસાન થયું.


n  ગજ્જર નીલેશ

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes