tawarikh e dhollywood part 12
Posted by gujarati kalakar
Posted on 03:20
with No comments
ભારતમાં ફિલ્મનું આગમન કરનારા ગુજરાતીઓ ભાગ ૧૨
માદન શેઠે ૧૯૦૭માં કલકત્તા શહેરમાં પ્રથમ
સિનેમાગૃહ ‘એલ્ફિન્સ્ટન પિક્ચર પેલેસ’ બાંધ્યું. માદન શેઠનું ‘એલ્ફિન્સ્ટન’
હિંદુસ્તાનનું પ્રથમ ફિલ્મ થિયેટર મનાય છે.
અરદેશર ઈરાની એ પોતાના કોમી બિરાદર માદન શેઠની કલકત્તાની સફળતામાંથી પ્રેરણા લીધી. અરદેશર
ઈરાની અને શેઠ અબ્દુલ અલી યુસુફ
અલીના સંયુક્ત સાહસથી મુંબઈમાં બોમ્બે સેંટ્રલ વિસ્તારમાં એલેક્ઝાન્ડ્રા સિનેમા થિયેટર સારું વિકાસ પામ્યું.
એલેક્ઝાન્ડ્રા (કે એલેક્ઝાન્ડર) થિયેટર આસપાસના વિસ્તારો – બોમ્બે
સેંટ્રલ- નાગપાડા- કમાઠીપુરા – ની ખ્યાતિ-કુખ્યાતિને
સ્વીકારી ભારતીય ફિલ્મ ઉદ્યોગના ગૌરવભર્યા ઇતિહાસની સાક્ષી
બની રહ્યું.
ભોગીલાલ દવેના મામાના દીકરા મયાશંકર ભટ્ટ દાદાસાહેબ ફાલકેની
હિંદુસ્તાન ફિલ્મ કંપનીના ફિલ્મ-વિતરક હતા.
અમેરિકાથી હિંદુસ્તાન પરત આવેલા
ભોગીલાલ દવેનો પરિચય અરદેશર ઈરાની સાથે થયો. બંનેને મિત્રતા થઈ અને તેમણે ફિલ્મ
નિર્માણ અર્થે ભાગીદારી કંપની ઊભી કરી. મુંબઈમાં અરદેશર ઈરાની અને ભોગીલાલ દવેની ફિલ્મ પ્રોડક્શન
કંપની ‘સ્ટાર ફિલ્મ કંપની’ અસ્તિત્વમાં
આવી.
મારા મિત્રો! મૂંગી સિનેમા (સાયલેન્ટ મુવી) ના તે જમાનામાં પૌરાણિક
કથાઓની ફિલ્મો ખૂબ ચાલતી. મેં અગાઉ આપને મોહનલાલ દવે ની વાત
કહી હતી.
ગુજરાતી પટકથા લેખક મોહનલાલ ગોપાળદાસ
દવે ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રથમ સ્ટોરી રાઈટર.
ઇરાની શેઠે મોહનલાલ જી. દવેને ફિલ્મ માટે સારો
વિષય અને સબળ પટકથા – સ્ક્રીપ્ટ – સૂચવવા
અનુરોધ કર્યો.
તેમાંથી ઈરાની – દવેની ‘સ્ટાર ફિલ્મ કંપની’ની પ્રથમ ફિલ્મ ‘વીર અભિમન્યુ” બની.
ફિલ્મ વિશે હું કાંઈ કહું તે પહેલાં આપ મને
અભિમન્યુ વિશે પ્રશ્ન કરવાના છો.
વેદ વ્યાસના અમર મહાકાવ્ય ‘મહાભારત’નું એક ઉત્તમ પાત્ર, વીર
છતાં અતિ કરુણ પાત્ર તે અભિમન્યુ.
મહાભારતની કથા પ્રમાણે અર્જુનનાં એક પત્ની
સુભદ્રા. ભગવાન શ્રીકૃષ્ણનાં બહેન સુભદ્રાજીનું હરણ કરી અર્જુને
તેમની સાથે વિવાહ ફરેલા.
અર્જુન – સુભદ્રાનો મહા પરાક્રમી પુત્ર તે
અભિમન્યુ.
અભિમન્યુને બે પત્નીઓ હતી. એક પત્ની વિરાટ રાજાની
પુત્રી ઉત્તરા. બીજી પત્ની ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામની પુત્રી વત્સલા.
મહાભારતના યુદ્ધમાં કૌરવોએ દુર્ભેદ્ય ચક્રવ્યૂહ રચ્યો. તેરમા દિવસે વીર અભિમન્યુ એકલે
હાથે તેના કોઠા ભેદવા લાગ્યો.
છેક છેલ્લે કોઠે કૌરવ પક્ષના છ યોદ્ધાઓએ ભેગા મળી અભિમન્યુ પર હુમલો કર્યો.
ભારે શૌર્ય દાખવી, એકલે
હાથે યુદ્ધ કરતાં કરતાં અભિમન્યુ વીર ગતિ પામ્યો.
તે સમયે ઉત્તરા ગર્ભવતી હતી. અભિમન્યુ-ઉત્તરાનો
પુત્ર તે રાજા પરીક્ષિત, જેમણે શુકદેવજી પાસેથી ભાગવત કથા સાંભળી હતી.
અભિમન્યુની કરુણ – વીર રસથી ભરી ગાથાને સ્ટાર ફિલ્મ
કંપનીએ સુંદર ચિત્રણ કરી ૧૯૨૨માં ભવ્ય ફિલ્મરૂપે ‘વીર અભિમન્યુ’ રજૂ કરી.
આપ જાણો છો કે મુંબઈમાં અરદેશર ઈરાની અને ભોગીલાલ દવેની
ફિલ્મ કંપની ‘સ્ટાર ફિલ્મ કંપની’એ ૧૯૨૨માં
સિનેમા નિર્માણ ક્ષેત્રે શ્રીગણેશ કર્યા.
ફિલ્મ નિર્માતા ઈરાની-દવે ‘વીર અભિમન્યુ’ને ભવ્ય ઐતિહાસિક ફિલ્મ તરીકે પેશ કરવા
માગતા હતા. ફિલ્મ ખર્ચાળ પણ ભવ્ય
બને તે માટે સ્ટારના ભાગીદારો સજ્જ હતા. તેમણે પોતાની પ્રથમ ફિલ્મ માટે તે મૂંગી ફિલ્મોના જમાનામાં અધ…ધ….ધ
કહેવાય તેવું એક લાખ રૂપિયાનું બજેટ રાખ્યું.
ફિલ્મનું દિગ્દર્શન મણિલાલ જોશી નામના
ગુજરાતીને સોંપ્યું. મારા મિત્રો! ઈરાની-દવેએ ફિલ્મ માટે
કલાકારો પસંદ કરવામાં પણ કસર ન છોડી. ભગવાન શ્રીકૃષ્ણના પાત્ર માટે મદનરાય વકીલ નામના જાણીતા ગુજરાતી કલાકારની વરણી થઈ. દક્ષિણ ગુજરાતમાં સુરત પાસે સચીન સ્ટેટના
નવાબી કુટુંબનાં ફાતિમા બેગમ (ફાતમા બેગમ)ની સુભદ્રાના પાત્રમાં અને તેમનાં
પુત્રી સુલતાનાની ઉત્તરાના પાત્રમાં પસંદગી થઈ. ફિલ્મમાં
અભિમન્યુનું મુખ્ય પાત્ર ફિલ્મ ડાયરેકટર મણિલાલ જોશીએ સ્વયં
ભજવ્યું હતું.
ફિલ્મ નિર્માતા ઈરાની-દવે પૌરાણિક કથાની ભવ્યતાને પડદા પર દર્શાવવા ઇચ્છતા હતા. મને યાદ
છે, મિત્રો! તેમણે સેંકડોની સંખ્યામાં
એક્સટ્રા કલાકારો એકત્ર કર્યા હતા. એક અંદાજ પ્રમાણે ‘વીર અભિમન્યુ’માં પાંચ હજાર એક્સટ્રા કલાકારો હતા.
‘વીર અભિમન્યુ’ ફિલ્મથી અરદેશર ઈરાની અને ભોગીલાલ દવેની ફિલ્મ પ્રોડક્શન કંપની ‘સ્ટાર ફિલ્મ કંપની’નું નામ ગાજવા લાગ્યું.
મિત્રો! આપને અરદેશર ઈરાનીની કહાણીમાં રસ પડ્યો ને ?
અરદેશર ઈરાનીની સ્ટાર ફિલ્મ્સની વાત થતી હોય ત્યારે ફાતમા બેગમ (ફાતિમા બેગમ), ઝુબેદા અને આલમઆરાની વાત
ન આવે તે કેમ ચાલે?
n
ગજ્જર નીલેશ
Labels:
tawarikh e dhollywood
0 comments:
Post a Comment