Home » » ramesh maheta

ramesh maheta




રમેશ મહેતા : છલકાતો કલાકાર, ઊંડો માણસ
@જન્મ : ૨૩ જુન ૧૯૩૪
@
જન્મ સ્થળ : નવાગામ (ગોંડલના ગોમટા પાસે)
@
શિક્ષણ # મેટ્રિક ફેઈલ
@
શોખ : વાંચન
@
લગ્ન : ૧૭ વર્ષ વયે

@
ફિલ્મો :
હસ્તમેળાપ, વેણીને આવ્યા ફૂલ, જેસલતોરલ, રાજા ભરથરી, જોગીદાસ ખુમાણ, કુંવરબાઈનું મામેરું, મેના ગુજરી, સેતલને કાંઠે, ભાદર તારા વહેતાં પાણી, માલવ પતિ મુંજ, સંતુ રંગીલી, વેરનો વારસ, પૈસો બોલે છે, સોન કંસારી, પાતળી પરમાર, મા તે મા, પારકી થાપણ, પીઠીનો રંગ, વીણાવેલી, ચોરીના ફેરા ચાર, રા માંડલીક, ઓખાહરણ, રૂપલી દાતણવાળી, વીરપસલી, જોગસંજોગ, કરો કંકૂના, અમર દેવીદાસ, મણિયારો, મેરુ મુણાંદે, નાગપાંચમ, શેઠ જગડુશા, ભગત મૂળદાસ, ઢોલી, નરદમયંતી, રેતીના રતન, મરદનો માંડવો, રસ્તાનો રાજા, હિરણને કાંઠે, મચ્છુ તારા વહેતા પાણી, વાછરડા દાદાની દીકરી, રામદૂહાઈ, ગૌમતીની સાથે, માણેકસ્થંભ, તમે રે ચંપો અને અમે કેળ, માનવીની ભવાઈ સહિતની ૨૦૦ ફિલ્મો. મેર મુણાંદેમાં રમેશ મહેતાએ એક ગીત ગાયું હતું. જ્યારે જય જય ગરવી ગુજરાતના ગીતો લખ્યા હતા. જેસલ તોરલ, હોથલ, સંતુ રંગીલી વગેરે ફિલ્મોની પટકથા પણ રમેશ મહેતાની લખેલી હતી.

# જન્મ-બાળપણ: રમેશ મહેતાનો જન્મ ગોંડલના નવાગામ પાસે ગોમટા ગામે ૨૩ જુન ૧૯૩૪ના રોજ ગીરધરભાઈ અને મુકતાબેનના ઘરે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં લીધું હતું. સાહિત્ય અને નાટકનો વારસો પિતા તરફથી મળ્યો હતો.

# કિશોરવયે લગ્ન: સત્તરવર્ષની ઉંમરે રમેશભાઇના લગ્ન વજિયાગૌરી સાથે થયા ત્યારે તેઓ પોતે પાંચમા ધોરણમાં ભણતા હતા.રમેશભાઇના પિતાને મીઠાઇની દુકાન-ડેરીફાર્મ હતું. તેમની દુકાનના ગુલાબ જાંબુ પણ વખણાતા. લગ્ન થયાં ત્યારે રમેશભાઇ કાંઇ કમાતા નહીં, લગ્ન થયા પછી પણ નહીં!!અંતે ઘર ચલાવવાની જવાબદારી સાસુજીએ લીધી. રમેશભાઇ ક્યારેક ડેરીએ જાય, વિચારે ચડી જાય તો વળી દૂધ ઉભરાઇ જાય, પિતાનું ડેરી ફાર્મ ચાલતું તો સારું પરંતુ તેમને જવાબદારી શિખવવા પિતા ગિરધરલાલે એક અલગ ઓરડો કરી દીધો, સાસુ તેને સુદામાનો ઓરડો કહેતા. જો કે ભણવા કે ધંધામાં ધ્યાન ન આપનાર રમેશભાઇની નાટ્યપ્રવૃત્તિ તો સારી જ ચાલી. સૌરાષ્ટ્ર કલા કેન્દ્રના તત્કાલીન પ્રમુખે પૂછ્યું કામ શું કરે છે, મહેતાજી કહે બેકાર છું. અને ઉપેન્દ્રભાઇએ મહિને ૬૦ રૂપિયાના પગારે તેમને નોકરીએ લગાડી દીધા. પીડબલ્યુડીની એ નોકરી પણ જો કે ગમી નહીં અને અંતે નાટક, ફિલ્મો સાથે સંબંધ ટકયો.
સંઘર્ષ પણ ખરો: નોકરી છોડ્યા પછી નાટકને સમર્પિત રહ્યા,પોતે મુંબઈ, પરિવાર રાજકોટ. મહેતાજી કહેતા પરણ્યા પછી ૨૨ વર્ષ સુધી પત્નીને નવી ઘાઘરી લઇ દઇ નહોતો શકયો, છોકરાને ભણાવવાનું પણ શકય નહોતું, છોકરાના પાટલૂનની પાછળ થીગડા હોય! પણ તેનો અફસોસ નહોતો, તેઓ કહેતા સાધનામાં અફસોસ શાનો? મારે ક્યાંક પહોંચવું હતું, નાટકમાં હું ઓતપ્રોત હતો કાંઇ બીજું દેખાતું જ નહોતું અને પછી ભગવાને રૂપિયાનો વરસાદ વરસાવ્યો. મુંબઈમાં સાત વર્ષ તો તેઓ કલ્પના દિવાન સાથે પણ રહ્યા હતા. જયોતિષના અભ્યાસને લીધે પોતાના જીવનમાં જે જે બનાવો બન્યા તેનો પણ તેઓ અભ્યાસ કરી શકયા.

    મૂળ તો નાટ્યકર્મી: રમેશ મહેતાને સૌ કોઇ હાસ્યકલાકાર તરીકે ઓળખે છે પરંતુ તેઓ નાટ્યકર્મી હતા. એક વાર ૧૩ વર્ષની ઉંમરે તેઓ કાંઇક લખતા હતા પિતાએ પૂછ્યું શું લખે છે? રમેશભાઇએ કહ્યું, ‘મોહવિષય પર લખું છું!! પિતા કહે આ ઉંમરે મોહ વિશે શું લખીશ? રમેશ મહેતા રાજકોટની સંસ્કૃત પાઠશાળામાં જતા ઘરે રામાયણ વાચતા એ બધું વાતાવરણ તેમને ઘડતું રહ્યું. અને એ દરમિયાન લખાયાં નાટક, ‘પ્રીતમલાલના પગલે’, ‘સૂડી વચ્ચે સોપારી’,‘હું એનો વર’, સૌથી મહત્વની વાત એ હતી કે તેઓ રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલ (ગાંધીજીવાળી જ)માં ભણતા, અને તેમના લખેલાં નાટકો ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં ભજવાતાં. નાટ્ય પ્રવૃત્તિ આગળ વધી તે સમયે પૂના ફિલ્મ ઇન્સ્ટીટ્યુટ કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તો નહોતાં, રમેશ મહેતા નાટ્યસંઘ મુંબઈમાં ગયા અને ત્યાં તેમણે નાટકના તમામ પાસાંની તાલીમ લીધી તેઓ બેકસ્ટેજ શિખ્યા એક વર્ષ સ્કોલરશીપ મેળવી. સંસ્કૃત નાટકો જોયાં તેના કોસ્ચ્યુમ્સ, મેકઅપ બધું જ જોયું. એક વર્ષ આઇએનટીમાં પણ કામ કર્યું.
    અને ફિલ્મો સાથે હસ્તમેળાપ’: આમ જ જિંદગી ચાલતી હતી ત્યાં એક ઘટના બની,  હસ્તમેળાપફિલ્મનું કામ ચાલુ હતું. તેના પટકથા લેખક ચત્રભુજભાઇ બીમાર પડ્યા અને મિત્રોએ રમેશભાઇને વાત કરી, અડધો કલાકમાં તેમણે છ-સાત સીન લખી આપ્યા. ચત્રભુજભાઇએ કહ્યું કે ભલે આ છોકરો જ હવે આખી ફિલ્મ લખે. બસ જશુ ત્રિવેદીના એ પિકચરથી તેમની કારકિર્દી આરંભાઇ. ત્યાર પછી તો વાલો નામોરી,’ ‘રાજા ભરથરી’, ‘ઘૂંઘટ’, ‘જેસલ તોરલ’, ‘હોથલ પદમણીજેવી ૫૦ થી વધારે ફિલ્મોની સ્ક્રીપ્ટ લખી અને ૨૦૦થી વધારે ફિલ્મોમાં તેઓ પડદા પર દેખાયા હતા. ગુજરાતી ફિલ્મો માટે તેમને આજીવન પ્રીતિ અને પક્ષપાત હતાં.
રમેશ મહેતા આમ તો છ અક્ષરનું નામ અને પોતે રંગભૂમિના કલાકાર એટલે નવરસ સાથે તેમનો નાતો. પરંતુ તેમના સમગ્ર જીવનને જોઇએ તો આ રમેશ મહેતા સપ્તરંગી, ઇન્દ્રધનૂષિ, મેઘધનૂષિ વ્યક્તિત્વ ધરાવતા હતા.

૧) કોમેડિયન - દ્વીઅથીના બાદશાહ
ગુજરાતી સિનેમાના હાસ્યના પયૉય રમેશ મહેતા હતા. સ્થુળ કોમેડીનો તેમના પર આક્ષેપ હતો પરંતુ તેમના વિરોધીઓ પણ સ્વીકારે છે સહજ હાસ્ય નિષ્પન્ન કરવામાં તેઓ માસ્ટર હતા. એકએક અદા, ઓ...હો...હો..., એ કઉં છું. કયા ગામના ગોરી, લે હાલ ઉતાર ઘાઘરા ખભ્ભેથી, મૂળો લેશો ? કેળા ખાવ કેળા, પાકા કેળા આવા સંવાદો કે પછી લગ્નની પ્રથમ રાતની સિચ્યુએશન હોય અને બહાર ફળીયામાં ઘોડો ઊભો હોય અને ડાયલોગ આવે, ‘હણહણ્યો મારો ઘોડો હણહણ્યોઆવા સંવાદો અને હાસ્યથી રમેશ મહેતા જાણીતા હતા અને તેમની દલીલ એવી રહેતી કે હું સ્થુળ નહીં પ્રેક્ષક લક્ષી હાસ્ય આપું છું.
૨) સ્કિ્રપ્ટ રાઇટર
લોકો જેને ફકત અભિનેતા તરીકે ઓળખે છે તે રમેશ મહેતાએ હસ્તમેળાપ, ઘૂંઘટ, જેસલ તોરલ, હોથલ પદમણી, માલવપતિ મુંજ, સંતુ રંગીલી સહિતની ફિલ્મોની સ્ક્રીપ્ટ લખી હતી. ગુજરાતી ફિલ્મો તો બરાબર પરંતુ બનૉડ શોના નાટક પર આધારિત સંતુ રંગીલીની પટકથા પણ રમેશ મહેતાની હતી. રાજા ભરથરી જેવી ઐતિહાસિક ફિલ્મ પણ તેમણે લખી હશે તેવું તેમને પડદા પર જોનાર માની જ ન શકે.

૩) આર્ટ ડિરેકટર
ફિલ્મના તમામ પાસાઓ ઉપર તેમની નજર અને ક્યારેક તો વર્ચસ્વ રહેતું. ગુજરાતના કયા વિસ્તારમાં કઇ જ્ઞાતિના લોકો કેવી પાઘડી પહેરે, કેવો પહેરવેશ તેમનો હોય, કેવી બોલી હોય તે તમામ બાબતો ડિરેકટરને રમેશભાઇ કહેતા. કયા સીનમાં કેવું ગીત ક્યાં સુસંગત રહેશે તેની ચર્ચા અવિનાશ વ્યાસ સાથે પણ કરે.ભવ્ય સેટિંગ્સથી માંડીને બાવળના છાંયડે લેવાતા સીન તેમની અસર રહેતી.
૪) શાસ્ત્ર સાહિત્ય જયોતિષ
૧૪ વર્ષની વય સુધીમાં તો રમેશ મહેતાએ રામાયણ, મહાભારત, ભાગવત જેવા ગ્રંથોનું અધ્યયન કરી લીધું હતું. તેમને રૂબરૂ મળીએ તો વિશ્વસાહિત્યના અર્કથી ભરેલી વાતો જ મળે. શાસ્ત્ર અને સાહિત્ય ઉપરાંત તેઓ જયોતિષમાં પણ સૂઝ ધરાવતા.
૫) રંગભૂમિને ખોળે
રમેશ મહેતા મૂળ નાટકના જીવ હતા. પ્રિતમલાલના પગલે સુડી વચ્ચે સોપારી, હું એનો વર, વગેરે નાટકો તેમણે લખ્યા હતા. આઇએનટીમાં તાલીમ લઇને તેઓ બેક સ્ટેજની તમામ કળાઓ શીખ્યા હતા. બાદલ સરકારનું નાટક એવમ ઇન્દ્રજીત સ્ક્રીપ્ટ અને સેટિંગ માટે તેમને અત્યંત પ્રિય હતું. નાટકો થકી જ તેઓ ફિલ્મોમાં આવ્યા હતા.

૬) આગવી ફિલસુફી
હાસ્ય હોય કે રૂદન રસ હોય કે રંગ રમેશભાઇની તમામ બાબતની આગવી ફિલોસોફી હતી. બાજુમાં સોપારી, તમાકુ, ગુટખા, પડ્યા હોય ફ્રીઝમાં વિશ્વના શ્રેષ્ઠ પૈકીના શરાબની બોટલો હોય અને કોઇ પૂછે આ શું ત્યારે તેઓ કહેતા વ્યસનેષુ કિમ દરીદ્રતાં. દુ:ખ માટે તેમણે કહ્યું હતું કે મને પીવાની ટેવ છે તેથી દુ:ખમાં પણ પાણી નાખીને તેને પી જાઉં છું.
૭) રંગીલું જીવન મહેફિલનો માણસ
રમેશ મહેતા જીવનને ભરપૂર અને ચકચૂર જીવ્યા હતા. ફિલ્મોની પ્રસિદ્ધિને તેમણે બરાબર માણી હતી. સંસાર ભોગવ્યો તો સંસારેતર સંબંધો પણ સરસ રીતે નિભાવ્યા. કોઇને સ્ત્રીઓ સાથે સંબંધ હોય તે વાતને તેઓ અયોગ્ય ન માનતા. રંગીલુ જીવન નકારાત્મક અર્થમાં નહીં પરંતુ તેઓ જીવનને સુખ-દુ:ખને મોટા ભાગે સમાનતાથી લઇને આનંદથી જીવતા.
સહજ અને સરળ વ્યકિતત્વની વિદાય


રમેશ મહેતા વિષે કહેલા મહાનુભાવોના શબ્દો
ભારતીય રંગભૂમિ અને ગુજરાતી સિનેમા ક્ષેત્રના સમર્થ હાસ્ય કલાકારની વિદાય અને નિવૉણને મારા પ્રણામ તથા શ્રધ્ધાંજલિ. એકદમ સરળ તથા સહજ સ્વભાવના આ વ્યકિતના આત્માને ઇશ્ર્વર પરમ શાંતિ અપે.
પૂજ્ય મોરારીબાપુ


ઉમદા કલાકારની ખોટ રહેશે
હસમુખા સ્વભાવ, ખડખડાટ હસાવે અને યાદ રહે તેવા સંવાદો, ફિલ્મની પૂર્ણકક્ષાની સૂઝ રમેશ મહેતાના વ્યક્તિત્વની ઓળખ હતી, તેમણે એક સમયે ગુજરાતી ફિલ્મોને પ્રાણવાયુ પૂરો પાડ્યો હતો. અભિનય ઉપરાંત વાસ્તવિક જીવનમાં પણ સદા હસતા હસાવત રહેતા, નિખાલસ સ્વભાવના રમેશ મહેતાના અવસાનથી સિનેક્ષેત્રે એક ઉમદા કલાકાર ગુમાવ્યા છે ચાહકો અને મિત્રોને તેમના જવાથી આઘાત લાગ્યો છે.
નરેન્દ્ર મોદી,મુખ્યમંત્રી
 
કાયમ તેમની યાદ જીવશે
હાસ્ય કલાકાર તરીકે હોવા છતાં લાંબો સમય ટોચ પર રહેવું તે નાટક કે ફિલ્મમાં નાની સિદ્ધિ નથી. સંખ્યાબંધ ફિલ્મોમાં અભિનય આપનાર રમેશ મહેતાની ખોટ સાલશે પરંતુ તેમની યાદ કાયમ જીવિત રહેશે. રમેશ મહેતા ફકત કલાકાર નહીં પરંતુ એક અવ્વલ દરજજાના લેખક, ચિંતક હતા. તેમણે જે ફિલ્મોની સ્ક્રીપ્ટ લખી તેમાં પણ સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું જતન કર્યું હતું.
વજુભાઇ વાળા, નાણામંત્રી


અભિનય ક્ષેત્રે મોટી ખોટ
પાંચ દાયકાથી ગુજરાતી ફિલ્મક્ષેત્રે સક્રિય રહેલા રમેશ મહેતાના નિધનથી અભિનયક્ષેત્રે ખોટ પડી છે ભલે તેઓ નિવૃત્ત હતા છતાં તેમનું સ્થાન કોઇ લઇ શકયું નહોતું.રમેશ મહેતાની ક્ષમતા એ હતી કે તેમના વગર ગુજરાતી ફિલ્મો અધૂરી રહેતી. તેમના નામ માત્રથી ફિલ્મો ચાલતી. મનોરંજનના ક્ષેત્રે રમેશ મહેતા અમરત્વ પામી ચૂકયા છે.
જનક કોટક,મેયર



જહોની વોકર અને મહેમુદની જેમ યાદ રહેશે
તેમની ફિલ્મો જોઇ જોઇને તો મોટા થયા છીએ. ગુજરાતી ફિલ્મોમાં રમેશ મહેતાનું સ્થાન વણપૂરાયેલું રહેશે. જહોની વોકર અને મહેમુદ જેમ લોકોને યાદ છે તેવી રીતે તેઓ યાદ રહેશે. ગુજરાતી ફિલ્મોમાં જ્યારે પણ કોમેડિયનનો ઉલ્લેખ થશે ત્યારે રમેશ મહેતાનું યોગદાન યાદ આવશે. નિવૃત્તિ પછી પણ તેમના કામની નોંધ લેવાતી રહી છે તે જ તેમની સિદ્ધિ છે.
આસિત મોદી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિમૉતા

મૃત્યુને મહોત્સવ બનાવવા માગતા હતા
રમેશ મહેતાની મુલાકાતોમાં તેમનું મૃત્યુ અંગેનું ચિંતન સતત પડઘાતુ રહેતું હતું. આખી જિંદગી લોકોને હસાવનાર રમેશભાઈ પોતે મૃત્યુને મહોત્સવ બનાવવા માગતા હતા એટલે તેમણે પોતાની અંતિમયાત્રા પણ હરખભેર નીકળે તે માટે વ્યવસ્થા અગાઉથી જ કરી રાખી હતી. અને, એ પ્રમાણે જ થયું હતું.

અને રામજી વાણિયાને બકો ભરી લીધો
પટકથા લેખક રામજી વાણિયાનું સન્માન થયું ત્યારે રમેશ મહેતા મંચ પર આવ્યા અને કહ્યું કે સન્માન બનમાન તો ઠીક છે પહેલા મારે આ રામજીને બકો ભરવો છે અને પછી રામજી વાણિયાના ચહેરા પર ચુંબન આપીને તેમને ભેટી પડ્યા હતા.
રંગભૂમિ મારી મા છે મને આળોટવા ધ્યો.
રાજકોટમાં હેમુગઢવી હોલનું ઉદ્ઘાટન થયું ત્યારે રમેશભાઇએ કહ્યું હતું કે હું રંગભૂમિના ખોળે ઉછર્યો છું આ તખ્તો મારી મા છે મને તેના ખોળે આળોટવા ધ્યો અને પછી તેણે સૂઇને આખા સ્ટેજ પર આળોટયા હતા.

હું તેને સુપરસ્ટાર માનતો
અરે યાર કયારે બન્યું આ? હું તો તેમને નાનપણમાં સુપરસ્ટાર જ ગણતો. તેમની એક સ્ટાઇલ હતી, ‘દયા પ્રભૂની’.હું તેની નકલ કરતો. વર્ષો પછી તેઓ કેવી રીતે મળ્યા! દરિયાછોરૂ પછી મે એક ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું.તેનું શુટિંગ હતું ચોથા દિવસે અમે સેટ પર પહોંચ્યા તો ત્યાં રમેશ મહેતા પણ હતા હું તો તેમને પગે લાગી તરત ભેટી પડ્યો અને તેમની સ્ટાઇલમાં જ બોલ્યો, દયા પ્રભૂની’. તેઓ જે હસ્યા છે, ભાઇ. પછી મને કહે મેં તારી ફિલ્મ દરિયાછોરુ જોઇ, હું તારો ફેન છું. બોલો એ કેવડું મોટું સર્ટીફિકેટ હતું? તેમણે કહ્યું, મને ય આવી ફિલ્મમાં કામ કરવું ગમે પરંતુ હવે ઇમેજ થઇ ગઇ દર્શકો સ્વીકારે જ નહીં. હું માનું છું કે તેઓ હિન્દી ફિલ્મોમાં ગયા હોત તો પણ સફળ જ થયા હોત. અત્યંત પ્રતિભાશાળી કલાકાર હતા તેઓ. ગુજરાતી ફિલ્મોના મહેમુદ હતા તે એવી રીતે કે મહેમુદ ફિલ્મમાં હોય તે બાબત હીરો પણ આવકારતા, કારણ કે તેમના લીધે ફિલ્મ ઊંચકાતી. બસ, એ જ રીતે ગુજરાતી ફિલ્મોના સુવર્ણકાળમાં તેમનું અનન્ય યોગદાન હતું.
જે.ડી.મજીઠીયા, ફિલ્મ-ટીવી સિરિયલ નિમૉતા



અરે રાત્રે ૧૨ વાગ્યે મારા ઘરે આવ્યા હતા
રમેશ મહેતા પેલા કોમેડિયન? એ ગુજરી ગયા? અરે યાર એ તો કેટલા સારા માણસ! સામાન્ય રીતે કોમેડિયનો માણસ તરીકે સારા હોય એવું ઓછું બને પરંતુ રમેશ મહેતા ડાઉન ટુ અર્થ વ્યક્તિ હતા. અમદાવાદમાં એક કાર્યક્રમ હતો અને તેઓ કામા હોટેલમાં ઉતયૉ હતા. મનહર રસકપૂર ત્યારે જીવતા. અમને સામે મળ્યા, ઓળખાણ થઇ કહે તમને તો નિરાંતે મળવું છે. પછી એકવાર રાત્રે બાર વાગ્યે અચાનક અમને જગાડ્યા શેખાદમ આબુવાલા અને રમેશ મહેતા બન્ને મારા ઘરે આવ્યા, અરે સાહિત્યની જે વાતો તેમણે કરી અદ્ભુત આપણને એમ થાય કે કેટલું જાણે છે. મને કહે તમને વાંચું છું વર્ષોથી મળવાની ઇચ્છા હતી.
વિનોદ ભટ્ટ,હાસ્ય લેખક

તેઓ ટાઇમિંગના બાદશાહ હતા
કોમેડીમાં સૌથી અગત્યનું હોય છે, ટાઇમિંગ. રમેશ મહેતામાં સ્પોન્ટેનિયસ કોમેડી અને ટાઇિંમગનું તત્વ જોરદાર હતું. તેમની ફિલ્મો નાનપણમાં જોઇ હતી પરંતુ આજે ય અમુક ડાયલોગ યાદ આવે તો ય એકલાં એકલા હસવું આવે. એમની વિદાય ગુજરાતી ફિલ્મો માટે એક મોટો અવકાશ છે. ભલે તેઓ નિવૃત્ત હતા પરંતુ તેમણે જે આપ્યું તે કોઇએ હજી ગુજરાતી ફિલ્મોને નથી આપ્યું.
દિલીપ જોશી(જેઠાલાલ)



...
તેઓ મૌલિકતાના માલિક હતા
તેઓ માત્ર હાસ્યના જ નહીં મૌલિકતાના પણ માલિક હતા. એક વખત રમેશ મહેતાએ મોરારીબાપુને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું ત્યારે કોઇએ તેને કહ્યું કે, બાપુ ફૂલહાર કે એવુ કાંઇ સ્વીકારતા નથી. તો તેણે કહ્યુ કે વાંધો નહી એ પછી હું અને મોરારીબાપુ તેમના ઘરે પહોંચ્યા. રમેશ મહેતાએ સંબંધીઓને ઉભા રાખ્યા હતા. તેમણે મોરારીબાપુ સામે જોઇને કહ્યુ કે બાપુ તમે હાર સ્વીકારતા નથી. પરંતુ આ હાર તમને અર્પણ આની તો ના નહી બોલી શકો ને? ત્યારે બાપુએ કહ્યુ કે આવુ તો રમેશ મહેતા જ વિચારી શકે.
ભીખુદાનભાઈ ગઢવી, લોકસાહિત્યકાર

. . .
મારા ઘરે આવ્યા અને ધ્રુસ્કે ધ્રુસ્કે રડ્યા
શુટિંગ પૂરું કરી રમેશભાઇ અને મંજરી દેસાઇ પરત ફરતા હતા, રસ્તામાં એક્સીડન્ટ થયો અને મંજરીનું અવસાન થયું, રમેશભાઇ સીધા જ મારા ઘરે આવ્યા.ચોધાર રડ્યા, કેમે ય શાંત ન રહે. થોડા દિવસો મારે ત્યાં રહ્યા. મંજરીના માતાપિતાને બોલાવી જરૂરી સ્પષ્ટતાઓ કરી દિલમાં એક કસક સાથે તેઓ ફરી કામે ચડી ગયા. અમે તો ઘણી ફિલ્મો સાથે કરી, છેલ્લે મારા નિમૉણ માનવીની ભવાઇમાં સાથે હતા. ફિલ્મ અભિનેતા તરીકે જ તેમને મુલવવા તે અન્યાય છે.જે ફિલ્મમાં તેઓ હોય તેની સમગ્ર જવાબદારી સંભાળી લેતા. શેતલને કાંઠેના મુખ્યપાત્ર દેવલા આયરનું શબ્દચિત્ર હોય કે માલવપતિ મુંજ હોય તેમની કલમમાંથી સંપૂર્ણત્વ ટપકતું. બનૉર્ડ શોની પિગમિલીયન પરથી બનેલા સંતુ રંગીલીના સંવાદો પણ લખ્યા હતા. એક બહુ આયામી વ્યક્તિત્વે વિદાય લીધી છે. મને જાણે લકવો થયો હોય તેવું લાગે છે.
ઉપેન્દ્ર ત્રિવેદી, ગુજરાતી ફિલ્મ કલાકાર-નિમૉતા


રમેશભાઇ અમારા પ્રેરણાસ્ત્રોત હતા
‘‘
રાજકોટમાં વાલ્મીકિ સમાજ આયોજિત મોરારીબાપુની રામકથામાં અમારા કાર્યક્રમમાં મોરારીબાપુ, પ્રાણલાલ વ્યાસ અને રમેશભાઇ મહેતા શ્રોતા તરીકે બેઠા હતા. બાદમાં રમેશભાઇને આગ્રહ કરીને સ્ટેજ ઉપર બોલાવ્યા, એમની તુલનામાં હું નવો-સવો અને નાનો કલાકાર હોવા છતાં મને એટલો બધો બિરદાવ્યો કે હું ફૂલ્યો નહોતો સમાતો. રમેશભાઇ પોતાની ઉપર પણ હસી અને હસાવી શકતા. એમણે ત્યારે કહ્યું હતું, મોરારીબાપુને વાંદરા બહુ ગમે, એટલે મને એમની બાજુમાં બેસાડ્યો હતો.’’ એ પછી એમણે ઓ...હો...હો...નો લહેકો કર્યો અને શ્રોતાઓ હસી પડ્યા. આવો આવો મહાન કલાકાર ચાલ્યો જાય ત્યારે હાસ્યની આંખોમાં આંસુ આવી જાય’’
ધીરુભાઈ સરવૈયા, હાસ્ય કલાકાર



તેમની હાજરી મારું પ્રમાણપત્ર હતી
‘‘
૨૦૦૮માં મેં રાજકોટમાં મારું પ્રથમ નાટક કાળજા કેરો કટકો પ્રથમ વખત રજૂ કર્યું, રમેશભાઇની તબિયત નાદુરસ્ત હતી, છતાં મારી વિનંતીને વશ થઇ તેઓ આવ્યા. ત્રણ કલાક બેઠા,  અનેક વખત ઊભા થઇ, ઓ...હો...હો...નો બુલંદ લહેકો કરી મને બિરદાવ્યો. આવા મોટા ગજાના કલાકાર તરફથી મળેલું એ પ્રમાણપત્ર મારા માટે શક્તિ અને આત્મવિશ્વાસનો સ્ત્રોત બની ગયું.’’
સાંઇરામ દવે- હાસ્ય કલાકાર

n  ગજ્જર નીલેશ

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes