tawarikh e dhollywood part 13
Posted by gujarati kalakar
Posted on 03:22
with No comments
ભારતમાં ફિલ્મનું આગમન કરનારા ગુજરાતીઓ ભાગ ૧૩
મેં આપને અગાઉ ‘વીર અભિમન્યુ‘ ફિલ્મમાં ફાતમા બેગમની વાત કરી હતી,
ધ્યાનમાં છે ને? દક્ષિણ
ગુજરાતમાં સુરતમાં અંગ્રેજોની પહેલી વ્યાપારી કોઠી ૧૬૧૩માં નખાઈ, ત્યારે સુરત મહત્વનું બંદર હતું. ત્યાર
પછી સુરતનો વિકાસ ઉત્તરોત્તર થતો
રહેલો. હિંદુસ્તાનની આઝાદી પૂર્વે પણ સુરત અંગ્રેજ અમલમાં સારું વિકાસ પામેલું.
મિત્રો! સુરતની દક્ષિણે પંદર-વીસ કિલોમીટર દૂર સચીન નામે નવાબી
રજવાડું. સચીન સ્ટેટ તરીકે ઓળખાતા આ રજવાડાના નવાબને નવાબી જનાનખાનું.
તેમાં એક બેગમ ફાતમા બેગમ. રાજાશાહીના જમાનામાં માનીતી-અણમાનીતી
કે મોભાદાર – બિનમોભાદાર રાણીઓની વાતો આપે સાંભળી હશે! નવાબી જનાનખાનાનો મરતબો ફાતમા બેગમના તકદીરમાં ન
હતો.
ફાતમાબેગમને ઝુબેદા, સુલતાના અને શાહજાદી નામે પુત્રીઓ. વીસમી સદીના બે દશકા માંડ વીત્યા હતા.
માતા-પુત્રીઓ રંગીન સ્વપ્નાં જોયા કરતાં. ફાતમાબેગમને ફિલ્મી દુનિયાની ચકાચૌંધ મુંબઈ ખેંચી
ગઈ. તે સમયે ‘સ્ટાર ફિલ્મ કંપની’વાળા અરદેશર ઈરાની અને ભોગીલાલ દવે ‘વીર અભિમન્યુ’ની તૈયારીઓ કરતા હતા.
૧૯૨૨માં ફાતમા બેગમ
અને સુલતાનાને ફિલ્મ
લાઈનમાં એક સાથે એક જ ફિલ્મમાં ‘બ્રેક’ મળ્યો. મા-દીકરીને વીર અભિમન્યુમાં પાત્ર મળી ગયાં. ફાતમા બેગમ
સુભદ્રાના અને સુલતાના ઉત્તરાના રોલમાં
નામ કમાઈ ગયાં.
મિત્રો! ૧૯૩૧માં
ફાતમા બેગમનાં પુત્રી ઝુબેદા હિંદુસ્તાનની પ્રથમ બોલતી ફિલ્મ – ટોકી સિનેમા – આલમઆરાનાં સર્વ પ્રથમ અભિનેત્રી બન્યાં.
ફાતમા બેગમ (ફાતિમા બેગમ) ને સ્ટાર ફિલ્મ્સની ‘વીર અભિમન્યુ‘ ફિલ્મ ફળી. ત્યારે તેમની પુત્રી ઝુબેદાની ઉંમર
માંડ અગિયારેક વર્ષની હતી.
સચીનને અલવિદા કહી ફાતમા બેગમ અને પુત્રીઓ મુંબઈમાં
સ્થાયી થયાં.
૧૯૨૪માં સરસ્વતી ફિલ્મ કંપનીની ફિલ્મ ‘સતી સરદારબા‘ આવી. ત્યારે નવી નવી શરૂ થયેલી સરસ્વતી
ફિલ્મ્સના સ્થાપક ભોગીલાલ દવે અને નાનુભાઈ દેસાઈ.
સતી સરદારબા ફિલ્મમાં ફાતમા બેગમ, ઝુબેદા તથા સુલતાનાએ રોલ કર્યા.
આમ, હિંદુસ્તાની સિનેમામાં પ્રથમ વખત એક જ ફિલ્મમાં માતા અને બે પુત્રીઓએ એક
સાથે અભિનય આપ્યો.
મુંબઈમાં
ફાતમા બેગમના કુટુંબને હવે કામનો તોટો ન હતો. સરસ્વતી ઉપરાંત તેમને કોહિનૂર ફિલ્મ્સમાં
સ્થાન મળ્યું. કોહિનૂરની કાનજીભાઈ રાઠોડ દિગ્દર્શિત ગુલ-એ-બકાવલિમાં
માતા-પુત્રીઓનું કામ વખણાયું. તે જ અરસામાં મણિલાલ જોષી દિગ્દર્શિત પૃથ્વી વલ્લભમાં પણ
તેમને ત્રણને અભિનયની તક મળી. કનૈયાલાલ મુનશીની નવલકથા પર આધારિત ફિલ્મ પૃથ્વી
વલ્લભમાં ફાતમા બેગમ મૃણાલવતીના રોલમાં હતાં. પૃથ્વી વલ્લભમાં ભાલજી પેંઢારકરનું કામ
નોંધવું રહ્યું, કારણ કે પેંઢારકર ભાઈઓ સાથે વિખ્યાત ફિલ્મ
નિર્માતા-નિર્દેશક વી. શાંતારામ મહારાષ્ટ્રમાં
ફિલ્મ ઉદ્યોગને ખીલવવામાં મોખરે રહ્યા.
પેંઢારકર ભાઈઓ વી. શાંતારામના મસિયાઈ ભાઈઓ થાય.
સચીન, દક્ષિણ ગુજરાતના ફાતમા બેગમ (ફાતિમા બેગમ) અને
ઝુબેદાજીની વાત કરતાં કરતાં એક વાત નજરે પડે છે. મારા મિત્રો! મુંબઈમાં હિંદુસ્તાની સિનેમા ઉદ્યોગને
વિકસાવવામાં ગુજરાતીઓનો
ફાળો અદ્વિતીય છે, પરંતુ આપને એક અચરજ પમાડે તેવી વાત કહું?
દક્ષિણ ગુજરાતમાંથી –
સુરત વલસાડ પ્રદેશોમાંથી – બેશુમાર કસબીઓએ ભારતીય ફિલ્મ ઉદ્યોગને
સમૃદ્ધ કર્યો છે. થોડાં નામ ગણાવું?
હિંદુસ્તાનની
પ્રથમ બોલતી ફિલ્મ (ટોકી ફિલ્મ) ‘આલમઆરા‘ની
પ્રથમ ભારતીય અભિનેત્રી ઝુબેદા, ભારતનાં પ્રથમ
મહિલા-દિગ્દર્શક ફાતમા બેગમ (ફાતિમા બેગમ), ‘આલમઆરા’ના હીરો માસ્ટર વિઠ્ઠલની પ્રથમ ફિલ્મ કલ્યાણ ખજીનાની અભિનેત્રી સુલતાના (ઝુબેદાની બહેન),
‘મધર ઇંડિયા’ના
સર્જક પ્રસિદ્ધ ફિલ્મ પ્રોડ્યુસર-ડાયરેક્ટર મહેબૂબ ખાન, રાજકપૂરના માનીતા વિખ્યાત સંગીતકાર
જયકિશન, અમિતાભ બચ્ચનની પ્રતિભા ઉજાળનાર અનાવિલ બ્રાહ્મણ મનમોહન દેસાઈના
પિતાશ્રી ફિલ્મ નિર્માતા કીકુભાઈ દેસાઈ, સવાક્ ગુજરાતી સિનેમાના પ્રથમ ગુજરાતી બોલપટના દિગ્દર્શક નાનુભાઈ વકીલ, ‘સોનેરી ખંજર’ ફિલ્મમાં
અભિનેત્રી ડોરોથીને દોરવનાર દિગ્દર્શક હર્ષદરાય સાકરલાલ મહેતા, ‘મુંબઈની
મોહિની’ અને ‘બાજીરાવ મસ્તાની’ જેવી
ફિલ્મોના દિગ્દર્શક નાનુભાઈ દેસાઈ, વિષ્ણુ સિનેટોનના ધીરુભાઈ દેસાઈ, બેંગલોરમાં સિનેમા ઉદ્યોગ સ્થાપનાર અનાવિલ હરિભાઈ દેસાઈ ……
યાદી લંબાતી રહેશે.
મિત્રો! કેટકેટલા ફિલ્મી કસબીઓ દક્ષિણ
ગુજરાતમાંથી ચમક્યા!
મિત્રો! મેં આપને જણાવ્યું કે અરદેશર ઇરાની –
ભોગીલાલ દવેની ‘સ્ટાર ફિલ્મ
કંપની’એ કેટલીક ફિલ્મો બનાવી.
ઈરાની-દવેની જોડીએ વીર અભિમન્યુ ઉપરાંત ભીષ્મ પિતામહ, પિતૃદ્ધાર,
ચંદ્રગુપ્ત આદિ ફિલ્મો બનાવી. સ્ટાર ફિલ્મ્સ દ્વારા
બે વર્ષમાં પંદરથી વધુ (કદાચ પાંત્રીસેક?) ફિલ્મોનું
નિર્માણ થયું. કાશ! આ બધી ફિલ્મોની તવારીખ સચવાઈ હોત તો
કેટલું સારું હતું! તે જમાનાની નામી-અનામી
ફિલ્મનિર્માણ કંપનીઓની અગણિત મૂગી ફિલ્મોનો રેકોર્ડ ક્યાં ઉપલબ્ધ
છે? મિત્રો! આ તો બધા અંદાજ છે.
૧૯૨૪માં સ્ટાર ફિલ્મ્સના ભાગીદારો છૂટા પડ્યા.
મેજેસ્ટિક થિયેટરના માલિક અરદેશર ઈરાનીએ ‘મેજેસ્ટિક ફિલ્મ કંપની’ બનાવી. ‘મેજેસ્ટિક’ના નેજા
હેઠળ અરદેશર ઈરાનીએ માંડ દસ-પંદર ફિલ્મો ઉતારી હોવાનું
કહેવાય છે. તેમાં સદાવંત સાવળિંગા, પાપનો ફેજ, આત્મ બળ
આદિ ફિલ્મો ઉતારી.
મેજેસ્ટિકની જાણીતી ફિલ્મ ‘પાપનો
ફેજ’માં ફિલ્મના ડાયરેકટર નવલ ગાંધી હતા.
નવલ ગાંધીનો જન્મ કરાંચી (પાકિસ્તાન)માં ૧૮૯૭માં થયો હતો.
આ ફિલ્મમાં અભિનેતા તરીકે ભગવતીપ્રસાદ મિશ્રાને પસંદ કરાયા હતા. ભગવતીપ્રસાદ મિશ્રા
ઉત્તર પ્રદેશના વતની હતા અને અગાઉ
ઈરાનીની સ્ટાર ફિલ્મ કંપનીમાં દિગ્દર્શન કરી ચૂક્યા હતા. મિશ્રાજીએ જીવન પર્યંત અરદેશર ઈરાનીનો સાથ નિભાવ્યો. માત્ર
છત્રીસ વર્ષની ભર યુવાન વયે
તેમનું અવસાન થયું. ભગવતી પ્રસાદ મિશ્રાની આખરી ફિલ્મોમાં એક મહત્વની ફિલ્મ પણ ઈરાની દ્વારા નિર્મિત ‘ઝાલિમ
જવાની’ હતી. તે ફિલ્મમાં માસ્ટર વિઠ્ઠલ
સાથે એર્મેલિનનો અભિનય હતો.
મેજેસ્ટિક કંપનીએ એકાદ-બે
વર્ષનાં અસ્તિત્વમાં ગણીગાંઠી ફિલ્મો બનાવી. ૧૯૨૫માં
ઈરાનીએ નવી ફિલ્મનિર્માણ કંપની ‘રોયલ આર્ટ
સ્ટુડિયો’ની
સ્થાપના કરી. રોયલ આર્ટના નેજા હેઠળ ઈરાનીએ પચીસેક ફિલ્મો બનાવી હોવાનું કહેવાય
છે.
ત્યાર બાદ ઈરાનીએ ઇમ્પિરીયલ ફિલ્મ કંપનીની
સ્થાપના કરી, જે ભારતના સિનેમા ઉદ્યોગના ઇતિહાસમાં નામના મેળવી
ગઈ.
ઈમ્પીરિયલ દ્વારા નિર્મિત “આલમઆરા” હિંદુસ્તાનની પ્રથમ બોલતી ફિલ્મ – ટોકી ફિલ્મ – તરીકે અરદેશર ઈરાનીને અમર કરી ગઈ છે.
૧૯૨૨માં શરૂ થયેલી સ્ટાર ફિલ્મ્સના ભાગીદારો છૂટા
પડ્યા. અરદેશર ઈરાનીએ ‘મેજેસ્ટિક
ફિલ્મ કંપની’ બનાવી.
૧૯૨૪માં ભોગીલાલ દવેએ નાનુભાઈ દેસાઈ સાથે મળી ‘સરસ્વતી સિનેટોન’ ( સરસ્વતી ફિલ્મ કંપની ) નામે
ફિલ્મ કંપની બનાવી.
વળી આ એક ગુજરાતી મિત્રોનું સાહસ. મિત્રો! મને
સરસ્વતીના નામ સાથે ‘સતી સરદારબા’ ફિલ્મ
યાદ આવે છે. જી હા, સરસ્વતી ફિલ્મ્સના પ્રારંભની એક સફળ ફિલ્મ ‘સતી
સરદારબા’ હતી.
‘સતી સરદારબા’ ના
દિગ્દર્શક નાનુભાઈ દેસાઈ હતા. મુખ્ય અભિનેત્રી તરીકે ઝુબેદાજી હતાં. અભિનેતા મોહનલાલા હતા, જેમણે
પાછળથી સર્વ પ્રથમ
ગુજરાતી ટોકી ફિલ્મ ‘નરસિંહ મહેતા’માં
અભિનય આપ્યો હતો. મારા મિત્રો! ‘સતી
સરદારબા’ ફિલ્મમાં ફાતમા બેગમ ઉપરાંત તેમની પુત્રીઓ ઝુબેદા અને સુલતાના પણ
હતાં. આ ફિલ્મના દિગ્દર્શક નાનુભાઈ
દેસાઈની પ્રથમ ફિલ્મ ૧૯૨૩માં બનેલી ‘ચાંપરાજ હાંડો’ હતી.
‘સરસ્વતી’ના એકાદ-બે વર્ષના સંચાલન પછી ભોગીલાલ દવે
તથા નાનુભાઈ દેસાઈ સાથે મયાશંકર ભટ્ટ જોડાયા. ત્રણેએ ૧૯૨૫માં
શારદા ફિલ્મ કંપની સ્થાપી.
‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મથી શારદા ફિલ્મ કંપનીને ભારે પ્રસિદ્ધિ મળી.
મુંબઈના સિનેમા જગતના સન્માનનીય ફિલ્મ નિર્માતા – દિગ્દર્શક
વી. શાંતારામના મસિયાઈ ભાઈ પેંઢારકર બંધુઓની મેં આપને વાત કરી,
યાદ છે, મિત્રો?
‘બાજીરાવ મસ્તાની’એ ભાલજી પેંઢારકર અને માસ્ટર વિઠ્ઠલની કારકિર્દીના પાયા નાખ્યા. સિનેમા જગતમાં નામ કમાનાર આપણા ગુજરાતી બંધુ
નાનુભાઈ દેસાઈ ૧૯૨૯માં શારદામાંથી
છૂટા પડ્યા અને તેમણે પોતાની સ્વતંત્ર ફિલ્મનિર્માણ કંપની ‘સરોજ ફિલ્મ્સ’ની સ્થાપના કરી.
મારે આપને ‘શારદા ફિલ્મ કંપની’ની કાંઈક વિશેષ વાત કરવી છે.
૧૯૨૫માં ગુજરાતી મિત્રોના સહકારથી મુંબઈમાં સ્થપાયેલી શારદા ફિલ્મ્સના બેનર હેઠળ
સાતેક વર્ષમાં ૮૫થી વધારે મૂક
ફિલ્મો બની. તેમાંની કેટલીક તો ભારતીય ચલચિત્ર ઉદ્યોગની યાદગાર ફિલ્મો બની રહી.
સિનેમા જગતમાં શારદા ફિલ્મ કંપનીનું એવું નામ
થયું કે કૃષ્ણ ફિલ્મ કંપની ના
મશહૂર દિગ્દર્શક હર્ષદરાય સાકરલાલ મહેતા તથા સિનેમેટોગ્રાફર ચીમનલાલ લુહાર પણ
પાછળથી શારદામાં જોડાયા હતા.
‘બાજીરાવ મસ્તાની’ એક ઐતિહાસિક ફિલ્મ તરીકે આરંભિક વર્ષોમાં જ શારદાનું બેનમૂન નજરાણું
બની ગયું.
તે ફિલ્મનું દિગ્દર્શન
નાનુભાઈ દેસાઈ સાથે ભાલજી પેંઢારકરે સંભાળ્યું. ફિલ્મ ડાયરેકટર તરીકે પેંઢારકરની આ પ્રથમ ફિલ્મ. મિત્રો જાણે છે
કે ‘પૃથ્વીવલ્લભ’ માં
ભાલજીએ એકટર તરીકે પ્રથમ વખત કામ કરેલું. બાજીરાવના દિગ્દર્શન સાથે ભાલજી
ડાયરેક્ટર બન્યા.
મહારાષ્ટ્રીયન અદાકાર માસ્ટર વિઠ્ઠલ ‘બાજીરાવ મસ્તાની’ના અભિનેતા હતા. અભિનેતા
તરીકે માસ્ટર વિઠ્ઠલની પ્રથમ ફિલ્મ ‘કલ્યાણ ખજીના’ (૧૯૨૪) હતી જેમાં અભિનેત્રી તરીકે ગુજરાતી
અદાકારા સુલતાના(ઝુબેદાનાં બહેન)એ કામ કરેલું.
હું આપને એક રસપ્રદ વાત યાદ કરાવું? ૧૯૩૧ની હિંદુસ્તાનની પ્રથમ ટોકી ફિલ્મ ‘આલમઆરા’માં માસ્ટર વિઠ્ઠલ હીરો તથા ઝુબેદાજી
હીરોઇન હતાં.
-- ગજ્જર નીલેશ
Labels:
tawarikh e dhollywood
0 comments:
Post a Comment