Home » , » sonbai ni chundadi

sonbai ni chundadi

https://gujaratifilmy.blogspot.com/
gujjuartist04.blogspot.com
ઘણીયે સુપરહિટ ફિલ્મોના નિર્માત્રી પ્રફુલા મનુકાંતને શ્રદ્ધાંજલિ
ફિલ્મ - સોનબાઇની ચુંદડી (૧૯૭૬) - છાનું રે છપનું કંઇ થાય નહીં....થાય નહીં!
નિર્માતા – રાવજીભાઈ જે. પટેલ
દિગ્દર્શક – ગીરીશ મનુકાંત
કલાકારો – દિલીપ પટેલ, રણજિત રાજ, સોહિલ વીરાણી, નારાયણ રાજગોર, પ્રેમશંકર ભટ્ટ, જગદીશ દેસાઈ, જય પટેલ, અશ્વિન પટેલ, ગીરજા મિત્રા, અંજના, વૃંદા ત્રિવેદી અને સોનબાઇની ભૂમિકામાં પ્રીતિ પારેખ
    બન્ની ઘાસના મેદાનો. આપણા ગુજરાતના કચ્છમાં. એની પડખે સફેદ રણ. કઠણ દેખાતી સફેદ જમીન. ઢીલું કળણ બની જાય. પૂનમની રાતે. એમાં ચાલો તો પગલાંની છાપ પડે. કહે છે, યુગો પહેલાં ત્યાં સમુદ્ર હતો. હવે ઉપર જમીન છે. માઇલોના માઇલો નીચે. સમુદ્ર હજીય વહે. ભરતીમાં ઉછાળા મારે. જમીન પોચી પડે. રણનો સફેદ રંગ. સાગરના નમકને લીધે છે. એ તો જાણે કુદરતી પ્રક્રિયા થઇ. સમજી શકાય તેવી વાત. બન્ની પ્રદેશમાં મધરાતે. દૂર ક્યાંક. વીજળીના સફેદ બલ્બ. ચમકી ઊઠે. ધીમે રહીને એનો રંગ બદલાય. વાદળી થાય. પછી લાલ. ત્યાંની બોલીમાં ચીર બત્તી કહે. ચીર એટલે શું, ખબર છેપ્રેત! ઘોસ્ટ લાઇટ. ન જોયું હોય તો કચ્છ ફરી આવો. નરી આંખે પ્રેત જોઇ આવો. ચીર બત્તી. કેમ થાયક્યાંથી થાયકોઇ કરેહજી સુધી રહસ્ય છે. અમુક વાતોમાં પારખાં ન થાય. સ્વીકારી લેવું પડે.
    પશ્ચિમ બંગાળમાં પણ અલેયા દેખાય. માછીમારો ઘણીવાર દીવાદાંડી માની બેસે. અવળે રસ્તે ચઢે. ગુમ થઇ જાય. ભૂતકાળમાં હયાત હતા. એમનો આત્મા. આજે પણ આ રીતે પોતાની હસ્તી પૂરવાર કરે. શહેરી લોકો નથી માનતા પ્રેતમાં. ગામમાં તો બહુ પાક્કી માન્યતા. એક ગામમાં પૂજારી હતા. રાતે ઊંઘ ઊડી હશે. બહાર નીકળ્યા. દૂર ઝાડીમાં કોક જતું જોયું. પહેલાં તો થયું હશે કોઇ. પણ આટલી મોડી રાતેએકલી બાઇહાકોટો કર્યો. ‘કોણ છો બેનક્યાં જવું છે’?બાઇ ચાલતી જ રહી. જવાબ વિના. પૂજારી પાછળ ગયા. ક્યાં સુધી ચાલ્યા ખબર ન રહી. ચિત્તભ્રમ થયેલો એમને. અચાનક તંદ્રા તૂટી. બચી ગયા! છેક કૂવાને કિનારે પગ હતો. સ્હેજ આગળ ગયા હોત તો.... અવાવરુ કૂવો હતો. આસપાસ જોયું. બાઇ ગાયબ. દોડતા ઘેર પાછા આવ્યા. બીજે દાડે એક વૃદ્ધને પૂછ્યું. વર્ષો પહેલાં એ પરણીને આવેલી. પહેલી રાતે જ કૂવામાં. પડી ગયેલી કે પછી....ત્યારથી દેખાય છે. કંઇક કહેવું છે એને. કદાચ કૂવામાં પડવાનો ભેદબાજુના પાને કે આ પાને.... પ્રેત આજે પીછો નહીં છોડે! પેલા ગામમાં ભોળાબાપાનો શંભુ પણ અવગતે ગયેલો. પહાડ જેવો જુવાન દીકરો. એક રાતે અચાનક ગાયબ. સીમમાં ઝાડી વૃક્ષો. એમાં એનો વાસ. અધરાત મધરાતે હસવાનો અવાજ સંભળાય. ફરીને જુઓ તો ભડકા. તણખાં વરસે. શું થયું હશેઅનિચ્છાએ લગ્ન. ભદ્રાના. શંભુની ભાભી. મોટા ભાઇ ત્રિલોક સાથે. પરાણે પરણેલી. ગામના ઉતાર દેવા સાથે એનો પગ લપસેલો. મા-બાપને ખબર પડી. મોટો કરિયાવર આપી વળાવી દીધી. પાછી વળતી જાન પર દાનવ દેવાએ હુમલો કર્યો. શંભુના વૃદ્ધ મા અપંગ થયાં. ભોળાબાપાની આંખો ગઇ. કાળ ફરી વળ્યો ઘરમાં. નવી વહુના પગલે. ભદ્રા પરણેલી તો ત્રિલોકને. એક પુત્ર પણ હતો. કેશવ. પણ.... રોજ રાતે પતિને ઘેન પાઇ દેતી. મેડેથી સાડી લટકાવી ઉતરી પડતી. ગામ બહાર ખંડેરમાં જવા. દેવો એમાં બાવો થઇને પડેલો. પકવાન જમાડતી ભદ્રા એને. ને અંધ સસરાની થાળીમાં રીતસર પાણો. શંભુનું સગપણ થવાનું હતું. મહેમાન આગળ ભદ્રાએ ઝેરના તીર છોડ્યાં. હશે મોટા ઘરની દીકરી. તેથી શુંહદ થતીતી હવે તો. મોટા ચાર દીકરા તો દેશાવર કમાવા ગયેલા. ત્રિલોક. શંભુ. શંકર. ત્રણ ઘેર હતા. હવે તો, વૃદ્ધ અપંગ મા-બાપ પણ ઘર છોડવા તૈયાર થયા. ભદ્રાના ત્રાસથી. જીવતા રેશું ત્યાં લગી જાત્રા કરીશું. બંને અપંગ હતા. નાના શંકરે કીધું. હું તમને જાત્રા કરાવીશ. કાવડમાં બેસાડીને. શ્રવણની માફક. નીકળી પડ્યો શંકર. દિવસે મારગમાં મજૂરી કરતો. રાતે મા-પિતાને લઇને પગપાળા સફર ખેડતો. મજૂરીનું મહેનતાણું બચાવીને શંકરે થોડા પૈસા ભેગા કરેલા. ગામ સ્નેહનું સંપેતરું મોકલી આપ્યું. કોથળી ભરીને સોનૈયા. ને ચુંદડી. સાત ભાઇઓની એકની એક. વ્હાલી બેન. સોન સારું. 
    સોનબાઇની ચુંદડી’. કવિ કાન્તિલાલ જગજીવનદાસ મહેતા રચિત નાટક પરથી બનેલી ફિલ્મ. ગુજરાતી ફિલ્મ જગતની સૌથી પહેલી. સિનેમાસ્કોપ ફિલ્મ. ૧૯૭૬માં બની.
    પહેલું વિશ્વયુદ્ધ. લશ્કરી તોપગાડીઓ. એમાં વાઇડ એંગલ વ્યૂ માટે એક ટૅક્નિક શોધાઇ. હાયપરગોનર. એક એનામૉર્ફિક લેન્સ. સામેના દ્રશ્યને ૧૮૦ ડિગ્રી વાઇડ દેખાડે. હેનરી ક્રેટિયન. એના શોધક. યુદ્ધો તો પતી ગયા. ટેક્નોલૉજી આગળ વધી. ફિલ્મોમાં આવી. 35mm ફિલ્મ કૅમેરા ઉપર આ લેન્સ ગોઠવાયો. પહેલી સિનેમા સ્કોપ ફિલ્મ બની. ‘ધ રૉબ’. બૉશ ઍન્ડ લૉમ્બ. હા, ચશ્મા કૉન્ટેક્ટ લેન્સવાળા. એમણે આ લેન્સ બનાવેલો. 20 th  સેન્ચુરી ફૉક્સ ફિલ્મ કંપની માટે. શૂટિંગ વખતે આખી ફિલ્મ પર કૉમ્પ્રેસ્ડ થઇને રેકૉર્ડ થયેલું દ્રશ્ય. સિનેમા હૉલમાં વાઇડ લેન્સથી પ્રોજેક્ટ થાય. પછી ‘છાનું રે છપનું કંઇ થાય નહીં’. ગીત જોવાની મજા પડેલી ! ગુજરાતી ફિલ્મોમાં ક્રેટિયન ટેક્નિક પહેલી જ વાર દિગ્દર્શક ગિરિશ મનુકાંત લાવ્યા. ને ગીતો જોયા હોય તો! અવિનાશભાઇને પહેલી જ વાર સિનેમાસ્કોપ વ્યાસ મળ્યો. છવાઇ ગયા હોં કે! એકેએક ગીત સુપરહિટ. આ જે પણ. ‘ઝીણું દળું તો બધું ઊડી ઊડી જાય, જાડું દળું તો બળ્યું કોઇ ના ખાય’. બે પડની ઘંટી ઉપર બનેલું. સૌથી સુંદર રંગીન ગીત. ‘હે.... રંગલો જામ્યો કાલિન્દીને ઘાટ’.‘ગોરમાનો વર કેસરિયો’. અને.... અને.... યસ! કોણ હલાવે લીંબડી ને કોણ ઝૂલાવે....’. તમને તો ખબર છે. વડોદરા. ત્યાંથી મુંબઇ. પછી એશિયાડ. પંડિત રવિશંકર સાથે. ગાંધી ફિલ્મનું ‘વૈષ્ણવ જન’. ચાણક્ય સિરિયલનું અવિસ્મરણિય સંગીત. ‘માણસ ઊર્ફે, ગાયક ઊર્ફે, મળી જવાની ઘટના ઊર્ફે’, આશિત દેસાઇ. કવિ નયન દેસાઇની અમર રચના. માણસ ઊર્ફે દ્વારા આશિતભાઇ ગુજરાતને અડ્યા. સોનબાઇની ચુંદડીમાં પાશ્વગાયક થઇને જડ્યા. સોનબાઇની ચુંદડી અનેક અને દરેક રૂપે યાદગાર ફિલ્મ હતી. છે. હંમેશા હશે. સોનબાઇ પ્રીતિ પારેખને ‘આહા’ કહો તો, એના અવાજ ફોરમ દેસાઇને પણ ‘વાહ’! કહેવું પડે. રે ભાઇ કહેવું પડે....
    ઓ.... પાર્ટી.... તમે ક્યાં છટકો છોપ્રેતની વાત તો સાંભળવી જ પડેશે. આજે નહીં છોડું. ભદ્રાએ ચુંડદી પહેરીને હરખાતી સોનને ખૂબ મારી. બેહોશ થઇ ગઇ. સોનબાઇ ઉપર અત્યાચાર વધતા ચાલ્યા. ત્રિલોક તો ખેતરે જ રહેતોતો. શંભુ ભદ્રાની સામો થઇ જતો. જાત્રાએ ગયેલા શંકરની વાગ્દત્તા પાર્વતી વચ્ચે પડતી. માંડ મામલો થાળે પડતો. શંભુ એક રાતે ભદ્રાને ખંડેર તરફ જતી જોઇ ગયો. કાળ ચઢ્યો. લીધું હાથમાં દાતરડું. ‘આજે તો....’. ભદ્રાને શંભુ આંતરે એ પહેલાં દેવો ચઢી આવ્યો. બંનેમાં ભારે મારામારી થઇ. ઝપાઝપીમાં દાંતીની ધાર શંભુને ભોંકાઇ ગઇ. પેટમાં. ઢળી પડ્યો. હવે? સવાર થતા સુધીમાં આનો રસ્તો કરવો પડે. બાજુમાં જ હતું સ્મશાન. એક ચિતા પણ હતી. ડાઘુઓ ગયા. દેવો. ભદ્રા. અને સાગરીત. ત્રણે જણે ભેગા થઇ શંભુને એ જ ચિતા પર સુવાડી દીધો. નાસી છૂટ્યા ત્રણેય ત્યાંથી........ને અગન જ્વાળાઓ વચ્ચેથી એક આકાર ઊભો થયો. આરપાર દેખી શકાય તેવી આકૃતિ. અદબ વાળીને ચિતા પર ઊભી રહી. આકાશ ભણી ઊંચકાઇ ગઇ.... ને સિનેમા હૉલમાં તાળીઓ ને સીટીઓ ગાજવા લાગેલી. પહેલી વાર ભૂત જોઇને લોકો રાજીના રેડ, એઝ ઇન લાલ નહીં, હેપ્પી, થયા. હાઆઆઆટ્ટા.... હવે શંભુ, રણજીતરાજ. પેલી ભદ્રાડીને સખણી કરશે. ફિલ્મમાં આ વખતે ‘મધ્યાન્તર’, ઇન્ટરવલ. અને લેખમાં હવે સોએક શબ્દો બાકી. શું લાગે છેહું કહી દઇશ બાકીની વાત. એમહા તે વળી કહી દઉં, લોને! શંભુ ગુમ થયેલો જાહેર થયો. ત્રિલોકે ખેતરે જ રહેવાનું પ્રણ લીધું. શંકર અને મા-બાપ તો જાત્રાએ હતા. ભદ્રાએ પાર્વતીનો પગ ઘરમાંથી કાઢ્યો. હવે સોનબાઇ બચીને ક્યાં જવાનીસીમના હિંચકેભદ્રાએ પેલું જ દાતરડું લીધું. ઉપર દોરડામાં ભેરવી દીધું. ને કાળનું કરવું. સોનબાઇ સાથે નાનો કેશવ પણ ઝૂલતોતો. ઉપર દોરડું ઘસાતું ગયું. ભદ્રાએ જોયું. હાય રામ! પોતાના કરતૂતમાં. પોતાનો જ દીકરો ભોગ બનશેના.... ના.... બચાવો, બચાવો.... કરતી દોડી. પણ એ પહેલાં જ.... તમારી ધારણા સાચી પડી. સોન કેશવના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલતી હતી. તેવામાં કોઇએ બંનેને ઢંઢોળ્યા. ઊંચે લઇ લીધા. જગાડ્યા. જોયું તો શંભુ! ફરી ત્રણે જણ સાથે....
    કાવડમાં જાત્રાએ ગયેલા મા-બાપ ગામ પાછા ફર્યા. વર્ષો પછી વ્હાલી દીકરી સોનને જોવીતી. પૌત્ર કેશવનું તો મોં જ પહેલીવાર જોવા મળશે. હા, બંને સાજા થઇ ગયેલા. કઇ રીતેહા.... હા.... હા.... મારો જવાબ તમને ખબર છે. તો એક સવાલ પણ સાંભળી લો. સોન. કેશવ. શંભુ. પાછા આવ્યા? એક સીક્રેટ કહી દઉં. ફિલ્મમાં ‘હેપ્પી એન્ડિંગ’ છે. પણ માય લૉર્ડ! તમે ધારો છો સાવ એવું નથી. આ પ્રકારના અંતની કલ્પના માટે ગિરિશભાઇને ફરી અભિનંદન. જાતજાતના. ચિત્રવિચિત્ર. બિહામણા. અનુભવોમાંથી પસાર થવું પડશે. ચીર બત્તી. પ્રેત. ભૂતની હકીકત સ્વીકારવી પડશે. શહેરના સહેલ સપાટામાં રહેતા. ‘માય લવલી પરફૅક્ટ ક્રેઝી સીસ્સ’. ‘માય સ્ટ્યુપીડ ક્યુટ લીલ બ્રો’. જેવી સ્થૂળ લાગણીઓમાં જીવતા. સહુએ ખરા સ્નેહની સુક્ષ્મતા સમજવી પડશે. અને ત્યારે સમજાશે. દેખાશે. જોઇ શકાશે. ‘સોનબાઇની ચુંદડી’.

ગીતો – ગાયકો
૧. લીલી લીલી લીમડી... કોણ હલાવે લીમડી... – ફોરમ દેસાઈ, આસિત દેસાઈ
૨. અત્ર તત્ર સર્વત્ર કરે... સમરી શ્રી પ્રથમેશ... ગોરમાનો વર... – ઉષા, આનંદ કુમાર, સાથી
૩. આવો... આવો... છાનું રે છપનું કઈ થાય નહિ... – આશા ભોંસલે, આનંદ કુમાર
૪. ઘમર ઘમ... ઘંટી ઘમ ઘમ થાય, ઝીણું દળું તો... – આશા ભોંસલે, સાથી
૫. ઘરડાં લુલા આંધળા, ગરીબ માં ને બાપ... – મધુસુદન વ્યાસ
૬. ઝનનન ઝનક ઝાંઝરી બાજે... હે રંગલો જામ્યો કાલિન્દીને ઘાટ... – આશા ભોંસલે, આસિત દેસાઈ, સાથી
૭. લોભી આતમને રે સમજાવો મારા ગુરૂજીને પૂછો... જી ગુરૂજીને... પ્રાણલાલ વ્યાસ, સાથી
૮. કોઈ ગોકુળ મથુરામાં જાય રે... લખીએ કાગળીયું રે પ્રેમનું... – દિવાળીબેન ભીલ
૯. હે આજ વીરો મારો... કોણ હલાવે... – ફોરમ દેસાઈ
૧૦. હે ભાઈની મારેલ... કોણ હલાવે... – આસિત દેસાઈ
૧૧. ડ્રાઉ... ડ્રાઉ હું તો દેડકો... દેડકાભાઈ... – ફોરમ દેસાઈ, આસિત દેસાઈ
૧૨. હું નાગ મામો (૨) દીકરી મારી હું તો... – ફોરમ દેસાઈ, આસિત દેસાઈ


n  ગજ્જર નીલેશ 

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes