Home » » awarikh e dhollywood, part 5

awarikh e dhollywood, part 5




ભારતમાં ફિલ્મનું આગમન કરનારા ગુજરાતીઓ ભાગ ૫

મને યાદ આવે છે મુંબઈના સેંડહર્સ્ટ રોડ પરના કોરોનેશન થિયેટરમાં મારી તાજપોશી.
બસ, તે દિવસથી મારી જાહોજલાલીના દિવસો શરૂ થયા. મારું બાળપણ થોડા વર્ષો સુધી તંબુઓમાં રઝળ્યું હતું. કેવી કંગાલ હાલત! પણ ૧૯૧૨માં મેં મુંબઈમાં કોરોનેશન થિયેટરમાં દબદબાપૂર્વક પગ મૂક્યો અને ભારતીય સિનેમા ઉદ્યોગનું તકદીર પલટાઈ ગયું.
મને ગૌરવ બક્ષવામાં બે હિંદુસ્તાનીઓ તોરણે દાદા તથા ફાળકે દાદા (ફાલકે દાદા) નો અવિસ્મરણીય ફાળો છે.
હું પ્રથમ વંદન કરીશ તોરણે દાદાને. વાચકમિત્રો! આપ કહેશો! તોરણે દાદા! નામ કાંઈક સાંભળેલું લાગે છે.
આર. જી. તોરણે અલબેલી મુંબઈ નગરીના એક નાટ્યપ્રેમી હતા. અન્ય એક નાટ્યશોખીન મુંબઈગરા ચિત્રે સાહેબ તેમના સહયોગી. નાટ્યગૃહની સાજસજ્જામાંથી બંને મિત્રો નાટ્યપ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા.
બંને મિત્રોએ ફ્રાંસના લુમિયેર બ્રધર્સ તેમજ અમેરિકાના એડિસનના સિનેમેટોગ્રાફર્સની વાતો જાણેલી. એડવિન પોર્ટર અને સિડની ઓલ્કોટની ફિલ્મોની વાતો તો ભારે રસથી સાંભળેલી.
તોરણેદાદા અને ચિત્રેદાદાને ફિલ્મ બનાવવાનાં સ્વપ્નાં જાગ્યાં. ઘણું વિચાર્યા પછી, તે સમયની સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેમણે ધાર્મિક ફિલ્મ બનાવવા નિર્ણય કર્યો. ભક્ત પુંડલિકની કથા પસંદ કરી.
તે સમયે મુંબઈમાં એક બ્રિટીશ કંપનીનો સિનેમેટોગ્રાફી સાધન-સામગ્રીનો વ્યવસાય. તોરણેદાદાએ તે ઇંગ્લીશ કંપની પાસેથી મુવી કેમેરા આદિ સરંજામ લીધો. એક અંગ્રેજ કેમેરામેનને ફિલ્મ ઉતારવા રાજી કર્યો. પોતાની નાટકમંડળી (નાટ્યક્લબ) ના થોડા કલાકારોને તૈયાર કર્યા(યાદ રહે કે તેમાં એક પણ સ્ત્રી કલાકાર ન હતી).
મુંબઈના લેમિંગ્ટન રોડ પર એક ગુજરાતી શ્રીમંત શેઠના બંગલામાં હિંદુસ્તાનની પ્રથમ ફીચર ફિલ્મ પુંડલિકનું શુટિંગ થયું.
૧૯૧૨ની ૧૮મી મેના રોજ મુંબઈના કોરોનેશન થિયેટરમાં ભારતની તોરણે દાદા નિર્મિત પ્રથમ ફીચર ફિલ્મ પુંડલિકની રજૂઆત થઈ.
વાચકમિત્રો! જે સમયે અમેરિકામાં હજી ફીચર ફિલ્મ નહોતી બની ત્યારે હિંદુસ્તાનમાં પુંડલિક ફિલ્મ સફળ થઈ! 
પરંતુ કાળક્રમે તોરણે દાદાની આ સિદ્ધિને કેટલાક ચર્ચનીય મુદ્દાઓ પર પાછળ ધકેલવામાં આવી. એક, તો એ કે પુંડલિકમાત્ર એક કલાકની ફિલ્મ હતી, તેથી પૂરી લંબાઈની સંપૂર્ણ ફીચર ફિલ્મ તરીકે ન સ્વીકારાઈ. બીજો મુદ્દો, તેના કેમેરામેન અંગ્રેજી હતા. ત્રીજો મુદ્દો એ કે પ્રેક્ષકોને આકર્ષવા પુંડલિકને અન્ય નાનકડી ફિલ્મો સાથે દર્શાવવામાં આવતી હતી. વાચકમિત્રો! નિર્ણય આપે કરવાનો છે. આપ પુંડલિકને પ્રથમ ફીચર ફિલ્મ તરીકે સ્વીકારો કે ન સ્વીકારો, પણ તોરણે દાદાએ મુંબઈના ફિલ્મ ઉદ્યોગનાબોલિવુડના શાનદાર યુગના શ્રીગણેશ કર્યા તે હકીકત કોઈ નકારી ન શકે.
આજે હું આપને ભારતીય સિનેમા ઉદ્યોગના પિતામહ દાદાસાહેબ ફાલકે (ફાળકે) ની વાત કરીશ.
તેમનું પૂરું નામ ધુંડીરાજ ગોવિંદ ફાલકે. ઇ.સ. ૧૮૭૦માં ૩૦ એપ્રિલે મહારાષ્ટ્રના નાસિકમાં તેમનો જન્મ. પંદર વર્ષની વયે દાદાસાહેબ મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં કલાક્ષેત્રના અભ્યાસ અર્થે જોડાયા. મુંબઈથી દાદાસાહેબ વડોદરા પહોંચ્યા. વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે લલિત કલાઓને ઉત્તેજન અર્થે કલાભવનની સ્થાપના કરી હતી. દાદાસાહેબ ફાલકેએ વડોદરામાં રહી કલાભવનમાં ફોટોગ્રાફી, પેઇન્ટિંગ, મેજીક વગેરેનો અભ્યાસ કર્યો. તેમણે થોડો વખત ફોટોગ્રાફીનો વ્યવસાય કર્યો. પત્નીના સ્વર્ગવાસ પછી તેમણે દેશની સ્વાતંત્ર્ય-લડતમાં ભાગ લીધો. વળી  પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માના નાસિકના પ્રિન્ટિંગ પ્રેસમાં તેમણે લીથોગ્રાફી પ્રિન્ટિંગ કામ કર્યું. વાચકમિત્રો! રાજા રવિ વર્મા ના પ્રિન્ટિંગ કામને છોડી, દાદાસાહેબ ફાલકેએ જર્મની જઈ સિનેમેટોગ્રાફીનો અભ્યાસ કર્યો.બસ, હવે દાદાસાહેબને લગની લાગી કે હું ફિલ્મ બનાવું.વિશ્વમાં સિનેમાની ચડતીનો જુવાળ હતો.હિંદુસ્તાનમાં તોરણે દાદાની પુંડલિક સફળ ફિલ્મ બની હતી.
અમેરિકામાં પ્રથમ અમેરિકન ફીચર ફિલ્મ ઓલિવર ટ્વિસ્ટ બની હતી. જગપ્રસિદ્ધ અમેરિકન ફિલ્મ નિર્માતા ચાર્લી ચેપ્લિન હોલિવુડમાં પોતાની પ્રથમ ફિલ્મ્સને સર્જી રહ્યા હતા.
આ સમયે દાદાસાહેબ ફાલકે પોતાની પ્રથમ ફિલ્મનાં સ્વપ્નાં જોવા લાગ્યા. તેમાંથી સર્જાઈ ભારતની પ્રથમ ફીચર ફિલ્મ તરીકે અધિકૃત સન્માન પામનાર દાદાસાહેબ ફાલકેની રાજા હરિશ્ચંદ્ર
ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ દાદાસાહેબ ફાલકે ૧૯૧૩માં રાજા હરિશ્ચંદ્ર ફિલ્મ બનાવી.
રાજા હરિશ્ચંદ્રને પૂર્ણ લંબાઈની, સંપૂર્ણપણે ભારતીય એવી હિંદુસ્તાનની પ્રથમ ફીચર ફિલ્મ તરીકે નવાજવામાં આવી. મિત્રો! હું આપને કેવી રીતે સમજાવું કે આ ફિલ્મ માટે તેમણે કેટલો ભોગ આપવો પડ્યો! અગણિત સમસ્યાઓ પાર કરી, ભારે જહેમત પછી દાદાસાહેબ ફાલકેની ફિલ્મ રાજા હરિશ્ચંદ્રતૈયાર થઈ.
આપ માનશો કે સૌ પ્રથમ મુશ્કેલી કાસ્ટીંગ’ – પાત્રવરણી માટે થઈ? આ ફિલ્મ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર અને તેમની સુચરિતા રાણી તારામતીની કથા પર આધારિત હતી.
રાજા હરિશ્ચંદ્રના પાત્ર માટે ડી. ડી. ડબકે નામના મહારાષ્ટ્રીયન કલાકારે અભિનય આપ્યો. આમ, ડી. ડી. ડબકે ભારતીય સિનેમા ઉદ્યોગના સર્વ પ્રથમ અભિનેતા ફિલ્મ હીરો બન્યા.
સમસ્યા રાણી તારામતીના પાત્ર માટે ઊભી થઈ. વાચક મિત્રો! આપને તે જમાનાના સમાજની સ્થિતિની શું વાત કરું? જમાનામાં નૃત્ય સંગીત નાટક રંગમંચની પ્રવૃત્તિઓ પ્રત્યે સમાજમાં સૂગ હતી. કોઈ સ્ત્રી તો કામ કરવા તૈયાર જ ન થાય.
આખરે દાદાસાહેબની પસંદ એક વીશી (હોટેલ)માં કામ કરતા યુવાન અન્ના સાલુંકે પર ઉતરી.
રાજા હરિશ્ચંદ્રમાં તારામતીના સ્ત્રી-પાત્ર તરીકે અન્ના સાલુંકે નામના પુરૂષે અભિનય આપ્યો. હિંદુસ્તાનની પ્રથમ ફીચર ફિલ્મમાં પ્રથમ સ્ત્રી-પાત્ર (અભિનેત્રી?) તરીકે એક પુરૂષનો અભિનય તે પણ કેવી વાત!
ચાલો, ફિલ્મ બની તો ખરી.

    -- ગજ્જર નીલેશ 

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes