tawarikh e dhollywood part 6
Posted by gujarati kalakar
Posted on 03:10
with No comments
ભારતમાં ફિલ્મનું આગમન કરનારા ગુજરાતીઓ ભાગ ૬
“રાજા હરિશ્ચંદ્ર” મુંબઈના સેન્ડહર્સ્ટ રોડ પર કોરોનેશન સિનેમા ગૃહમાં મે ૩, ૧૯૧૩ના રોજ
રજૂ થઈ. વાચકોને યાદ હશે કે આ જ કોરોનેશન થિયેટરમાં તોરણે દાદાની “પુંડલિક” ફિલ્મ મે ૧૮, ૧૯૧૨માં
રજૂ થઈ હતી.
આપ સમજી શકશો “રાજા
હરિશ્ચંદ્ર”ને ઉષ્માભર્યો આવકાર મળ્યો. આ આવકારે દાદાસાહેબ
ફાલકેના ઉત્સાહને બુલંદ કર્યો.
દાદાસાહેબ “મોહિની
ભસ્માસુર” (ભસ્માસુર મોહિની) નામની ફિલ્મના નિર્માણમાં લાગી
ગયા. તે ફિલ્મમાં સ્ત્રી-પાત્ર તરીકે દાદાસાહેબને કમલાબાઈ ગોખલે નામે ‘અભિનેત્રી’
મળી.
કમલાબાઈ ગોખલે
કમલાબાઈ ગોખલેએ ભારતીય સિનેમા
ઉદ્યોગમાં સ્ત્રી-પાત્ર ભજવનાર પ્રથમ અભિનેત્રી – ફિલ્મ હીરોઇન – નું સ્થાન મેળવ્યું.
મુંબઈના કોરોનેશન સિનેમા ગૃહમાં પોતાની પ્રથમ ફીચર ફિલ્મ “રાજા હરિશ્ચંદ્ર” ની
સફળતાથી દાદાસાહેબ ફાલકેને અત્યંત હર્ષ થયો. આ ફિલ્મથી મારો ઠસ્સો ખાસ્સો
વધી ગયો. ફિલ્મની સફળતાથી દાદાસાહેબના
ચહેરા પર ઝળકેલી ખુશી મને આજે પણ યાદ આવે છે. તે પછી તેમણે કેટલીક
લોકભોગ્ય ફિલ્મો બનાવી.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન દાદાસાહેબની એક
નોંધપાત્ર ફિલ્મ “લંકાદહન” ૧૯૧૭માં
આવી. “લંકાદહન” (અંગ્રેજી ટાઈટલ “બર્નિંગ
ઓફ લંકા”) માં ટ્રીક ફોટોગ્રાફી
ધ્યાન ખેંચે તેવી હતી. મિત્રો! દાદાસાહેબ સિનેમેટોગ્રાફીની કેટલીક
વિશિષ્ટ ટેકનીક્સ યુરોપમાં જર્મનીથી શીખેલા. ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા ફ્રાંસના લુમિયેર
બ્રધર્સના કેટલાક કલાકારોની કલા પણ દાદાસાહેબને ઉપયોગી
થઈ.
“લંકાદહન” ફિલ્મ મુંબઈના ગીરગામના ‘વેસ્ટ એન્ડ’ સિનેમા ગૃહમાં રજૂ થઈ.
મને યાદ છે, મારી
સામે બેઠેલાં પ્રેક્ષકો ઊડતા હનુમાનજીનાં
દ્રશ્યો જોઈ હરખાઈ જતાં. ભડભડ બળતી લંકાને દાદાસાહેબના કેમેરાએ એવી તો રજૂ કરી કે પ્રેક્ષકો છળી ઊઠતાં! ત્યાર
પછી દાદાસાહેબની “શ્રીકૃષ્ણજન્મ” અને “કાલિયમર્દન” ફિલ્મો
પણ આવકાર પામી. વાચક મિત્રો કદાચ નહીં જાણતા હોય કે
દાદાસાહેબ ફાલકેએ ૧૯૧૭-૧૮માં નાસિક (મહારાષ્ટ્ર)માં ભારતની મોખરાની ફિલ્મ કંપની સ્થાપી.
દાદાસાહેબની “હિંદુસ્તાન ફિલ્મ કંપની”ના ભાગીદારોમાં
ગુજરાતી ભાગીદારો માધવજી જેશિંગ અને મયાશંકર ભટ્ટનો સમાવેશ થતો
હતો. સમય જતાં ભાગીદારો છૂટા પડ્યા; દાદાસાહેબ ફાલકે બનારસ ગયા અને તે દરમ્યાન વામનરાવ આપ્ટે નામક ભાગીદારે કંપની
ચલાવી.
દાદાસાહેબ નાસિક પાછા ફર્યા ત્યારે ફરી “હિંદુસ્તાન
ફિલ્મ કંપની”માં જોડાઈ ગયા. ૧૯૩૧ સુધી
દાદાસાહેબની “હિંદુસ્તાન ફિલ્મ કંપની” મૂગી
ફિલ્મો બનાવતી રહી. કહે છે કે તે કંપનીએ લગભગ ૯૭ ફિલ્મ્સ બનાવેલી!
ભારતનું કેવું કમનસીબ કે દાદાસાહેબ ફાલકેની ઉત્તમ ફિલ્મ્સમાંથી માંડ પાંચ-છ ફિલ્મોના રીલ આજે
પૂનાના નેશનલ ફિલ્મ આર્કાઈવ્ઝમાં સચવાયેલા છે. તેમાં “રાજા
હરિશ્ચન્દ્ર” ફિલ્મના તો માંડ બે-ત્રણ
જ રીલ બચેલા છે!! આપને આ વાતો કરતાં મારી આંખો છલકાય છે!
હું આપને મૂંગી ફિલ્મો – સાયલેન્ટ મુવિઝ –
ની વાત કરી રહ્યો છું. હિંદુસ્તાનમાં ૧૯૩૧માં અરદેશર ઈરાનીની “આલમઆરા”થી બોલતી ફિલ્મ – ટૉકી
ફિલ્મ્સ – નો આરંભ થયો.
તે પછી પણ બેએક વર્ષ સુધી નાની-મોટી મૂંગી ફિલ્મો
બનતી રહી.
ભારતમાં ૧૯૧૩થી
૧૯૩૧ સુધીમાં આશરે ૧૦૫૦ તથા તે
પછીના સમયમાં આશરે ૨૦૦ મૂંગી
ફિલ્મો બની હશે. ભારતીય ફિલ્મ ઉદ્યોગની લગભગ ૧૨૫૦ મૂંગી ફિલ્મોનો અંદાજ મૂકવામાં આવે છે.
તોરણેદાદા “પુંડલિક” પછી
ફિલ્મલાઈનમાં ઝાઝો પ્રભાવ દાખવી ન શક્યા, પણ ફાલકેદાદાએ તંત ન
મૂક્યો. તોરણેદાદા ગુમનામીમાં પાછળ ધકેલાઈ ગયા તે એક કરૂણતા.
ફાલકેદાદા ફિલ્મઉદ્યોગ ફૂલે-ફાલે તે માટે દિલોજાનથી પ્રયત્નો કરતા રહ્યા. વાચકમિત્રો
! આપ જાણો છો કે ૧૯૩૧ના ટૉકિઝ ફિલ્મ્સના નવીન દોર પછી પણ ફાલકેદાદા ફિલ્મ બનાવતા
રહ્યા? તેમણે બોલતી ફિલ્મો પણ બનાવી.
ફાલકેદાદાએ ૧૯૩૧માં ‘સેતુબંધ’થી લઈને
૧૯૩૭માં ‘ગંગાવતરણ’ સુધી
જૂજ બોલતી ફિલ્મો બનાવી. ભારતીય સિનેમા ઉદ્યોગને પ્રગતિના પંથે તેજ કદમ ભરતો કરી
દાદાસાહેબ ફાલકે ફેબુઆરી ૧૬, ૧૯૪૪ના રોજ સ્વર્ગે સિધાવ્યા.
ભારતના ફિલ્મ ઉદ્યોગના ભવ્ય ઈતિહાસમાં
દાદાસાહેબ ફાલકેનું અનોખું સ્થાન છે.
પ્રિય વાચકો! હું
મારી જ કથા પર નજર નાખું છું, ત્યારે મને કેટલાંક દ્રશ્યો તરવરવા લાગે છે.
જુઓ મારી આંખોમાં! હિંદુસ્તાની ફિલ્મી
કસબીઓના મેળામાં આપને કેટલાય ગુજરાતી ચહેરા
નજરે પડશે. પણ રે! ગુજરાત તેમને કેવું સહજતાથી (!) ભૂલી ગયું છે! ઘણા ચહેરા આપ ઓળખી પણ નહીં શકો!
ગુજરાતીઓએ
તેમની નામમાત્રની યાદ પણ રાખી
નથી! હા, આ મારી ફરિયાદ છે! પણ છોડો! સમયની બલિહારી છે!
ચાલો, આવા કેટલાક અમર કસબીઓથી આપને પરિચિત કરાવું.
મુંબઈ બોલિવુડના
આજે ગુંજતા શોરગુલમાં મૂંગી ફિલ્મો – સાયલંટ ફિલ્મ્સ – ની
સર્જનકહાણીઓ ખામોશ થઈ ગઈ છે.
મેં આપને ફરિયાદ કરી કે ખુદ ગુજરાત જ ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા ગુજરાતીઓને ભૂલી ગયુ છે! મને
ખેદ થાય છે. આપ કેવી રીતે ગુજરાતીઓને
ભૂલી શકો?
સિનેમાના ઉદયકાળે સૌથી વધુ મૂક ફિલ્મો
બનાવનારી હિંદુસ્તાનની આઠ મોટી ફિલ્મ કંપનીઓમાંથી સાત કંપનીઓ ગુજરાતીઓની હતી.
મારી આંખોમાં જુઓ! આપને કોઈ દ્રશ્યો દેખાય છે?
આપ કેટલા ગુજરાતીઓને ઓળખી શકશો?
જુઓ! આ છે ‘ભક્ત વિદૂર’ ફિલ્મ.
આપ જાણો છો આ ફિલ્મે ભારતના
સ્વાતંત્ર્યસંગ્રામમાં જોશ પૂર્યું હતું? અને અંગ્રેજ સરકારને ધ્રૂજાવી દીધી હતી? વાચકમિત્રો! બ્રિટીશ સરકારે આ ગુજરાતી ફિલ્મ પર પ્રતિબંધ
મૂકવો પડ્યો હતો. અંગ્રેજ સરકાર દ્વારા પ્રતિબંધિત થનાર તે પ્રથમ ભારતીય ફિલ્મ.
માણેકલાલ પટેલ
બ્રિટીશ સરકારને
ધ્રૂજવનાર ‘ભક્ત વિદૂર’ના
નિર્માતા હતા ગુજરાતી ફિલ્મ કંપની કોહિનૂર ફિલ્મ્સના દ્વારકાદાસ સંપત અને માણેકલાલ પટેલ નામના બે ગુજરાતીઓ..
હું આપને કેવી રીતે સમજાવું કે એક જમાનામાં કોહિનૂર ફિલ્મ કંપની ભારતની ‘એમજીએમ’ (હોલિવુડ, અમેરિકાની મેટ્રો-ગોલ્ડવિન-મેયર,
MGM, USA) કહેવાતી.
સરદાર ચંદુલાલ શાહ
હવે સિનેમાઉદ્યોગના બાદશાહ આ ‘સરદાર’ને
ઓળખો.
આ ગુજરાતી બાદશાહ છે સરદાર ચંદુલાલ શાહ.
આપ મુંબઈ-બોલિવુડની સંસ્થા ઈમ્પા (IMPPA
Indian Motion Pictures Producers Association)ને જાણો છો. આ ઈમ્પાના સ્થાપક પ્રમુખ તે ગરવા ગુજરાતી સરદાર ચંદુલાલ શાહ.
વાચકોને આશ્ચર્ય થશે કે હિંદી ફિલ્મ જગતના મશહૂર
અભિનેતા-નિર્માતા રાજ કપૂર યુવાનીમાં
સરદાર ચંદુલાલ શાહના રણજિત સ્ટુડિયોમાં ક્લેપર બોય તરીકે કામ કરી આગળ વધેલા!
ભારતીય સિનેમા ઉદ્યોગના પ્રથમ પટકથા-લેખક પણ
ગુજરાતી.
ભારતની સર્વ પ્રથમ બોલતી ફિલ્મના
નિર્માતા ગુજરાતી.
ભારતની સૌ પ્રથમ ઐતિહાસિક ફિલ્મ બનાવનાર
ગુજરાતી.
ભારતની સર્વ પ્રથમ અપરાધ-રહસ્ય ફિલ્મ ‘કાલા
નાગ’ના નિર્માતા ગુજરાતી.
ભારતની પ્રથમ રજતજયંતી ઉજવનાર ફિલ્મના સર્જક પણ
ગુજરાતી.
વાચકમિત્રો, હું
જાણું છું આપ આ દરેકનાં નામ પૂછી રહ્યાં છો. હું આપને કહીશ, અવશ્ય
કહીશ.
ધીરજ ધરો અને મારા આર્ટીકલને રસથી
વાંચતા રહો!
આપના દરેક પ્રશ્નના ઉત્તર મળશે.
n ગજ્જર
નીલેશ
Labels:
tawarikh e dhollywood
0 comments:
Post a Comment