Home » » tawarikh e dhollywood part 3

tawarikh e dhollywood part 3




ભારતમાં ફિલ્મનું આગમન કરનારા ગુજરાતીઓ – ભાગ ૩


આપણા સાવેદાદા વિદેશી ફિલ્મો સાથે સ્થાનિક પ્રેક્ષકોને આકર્ષવા કુસ્તીબાજો કે વાંદરા-મદારીના ખેલની ફિલ્મોના ટુકડાઓ બતાવતા! ફિલ્મો હતી મૂંગી, પણ વાંદરાનાં તોફાનો લોકોને કેમ ન ગમે? તંબૂ-થિયેટરોમાં આવી ફિલ્મો લોકો મન ભરીને માણતા.
મુંબઈના એક એંજીનિયર એફ. બી. થાણાવાલા  (થાણાવાળા)  . તેમને સિનેમેટોગ્રાફીમાં ભારે રસ પડ્યો. તેમણે સિનેમેટોગ્રાફ ખરીદી બે ટૂંકી ફિલ્મો ઉતારી..
થાણાવાલાની આ ફિલ્મોનાં નામ હતાં તાબૂત પ્રોસેશન એટ કાલબાદેવી (Taboot Procession at Kalbadevi)” તથા સ્પ્લેન્ડીડ ન્યુ વ્યુઝ ઓફ બોમ્બે (Splendid New Views of Bombay)”. થાણાવાલાએ મુંબઈના કાલબાદેવીના વ્યસ્ત વિસ્તારમાં મુસ્લિમ બિરાદરોના તાબૂતના સરઘસની ફિલ્મ ઉતારી હતી.
આ અરસામાં કોલકત્તા ( કલકત્તા) માં સેન ભાઈઓએ બંગાળમાં ભજવાતા ભગવાન બુદ્ધ પરના નાટકની ફિલ્મ ઉતારી.
વીસમી સદીના ઉદયટાણે ઇંગ્લેન્ડમાં કિંગ સાતમા એડવર્ડ ગાદીએ આવ્યા. ૧૯૦૩માં શહેનશાહ સાતમા એડવર્ડની તાજપોશી (coronation) ની ખુશીમાં હિંદુસ્તાનમાં ઉજવણી થઈ ત્યારે દિલ્હીમાં ખાસ દરબાર ભરવામાં આવ્યો હતો.
સાવે દાદાએ દિલ્હી દરબારની ફિલ્મ ઉતારી.
આ ઘટનાને કારણે મુંબઈથી ફિલ્મની ખ્યાતિ દિલ્હી પહોંચી અને ત્યાંથી દેશભરમાં ફેલાઈ. આ ફિલ્મ દ્વારા ભારત ભરમાં રાજવી વર્ગ અને સાધનસંપન્ન વર્ગની નજરમાં સિનેમાનું મહત્વ વધી ગયું.
બ્રિટીશ રાજના હિંદુસ્તાનમાં સિનેમા ઉદ્યોગના આરંભની કહાણી આપને વર્ણવી રહ્યો છું.
વીસમી સદીનો ઉદય હજી હમણાં જ થયો હતો. ભારતમાં મૂંગી ફિલ્મોના નાના નાના ટુકડાઓ તંબૂ થિયેટરોમાં બતાવાતા તે આપણે જોયું.
ભારત પરથી નજર હટાવી તે સમયના વિશ્વ પર એક નજર નાખીશું?
ફિલ્મના ઇતિહાસને ન્યાય આપવો હોય તો અમેરિકાના એડિસન તથા ફ્રાંસના લુમિયેર ભાઈઓના નામ સાથે એક અન્ય નામ (કે ગુમનામનામ?)ને યાદ તો કરવું જોઇએ. આ મહાશય પણ ફ્રેંચ.
તેમનું નામ લુઈ એમિ. તેમની જીવન કહાણી રહસ્યકથા જેવી રહી છે. પણ એવું કહેવાય છે કે ફ્રાંસના લુઈ મહાશયે ઇ.સ. ૧૮૮૮માં વિશ્વની પ્રથમ ફિલ્મ (ચલચિત્ર)નો પ્રયોગ કેટલાક આમંત્રિતો સમક્ષ કરેલો. તે પછીના બે વર્ષમાં લુઈ મહાશય રહસ્યમય રીતે ગુમ થઈ ગયા!
લુમિયેર બ્રધર્સના સફળ શોની વાત આપણે જોઈ ગયા. ૧૮૯૬ પછી કેટલીક નાની નાની ફિલ્મો બનતી રહી.
તેમાં નોંધપાત્ર કહી શકાય તેવી ફિલ્મ ૧૯૦૨માં આવી. તે અમેરિકન ફિલ્મ હતી જ્યોર્જ મેલિસની “A Trip to the Moon”.
૧૯૦૩માં એડવિન પોર્ટરની ફિલ્મ ધ ગ્રેટ ટ્રેઇન રોબરી” (The Great Train Robbery) બની. આ જ ફિલ્મની રી-મેક ફિલ્મ “The Great Train Robbery” તરીકે જ સિગ્મંડ લુબિન નામક સિનેમેટોગ્રાફરે ૧૯૦૪માં બનાવી. સિનેમાના ઇતિહાસમાં આ ફિલ્મોનું ખાસ સ્થાન ગણાય છે.
વિશ્વભરમાં પ્રથમ ફીચર ફિલ્મ બનાવવાનું માન ઓસ્ટ્રેલિયા ખાટી ગયું! ૧૯૦૬માં વિશ્વની પ્રથમ ફીચર ફિલ્મ “The Story of Kelly Gang” ઓસ્ટ્રેલિયામાં રજૂ થઈ.
તે પછીના વર્ષે અમેરિકામાં કાબેલ સિનેમેટોગ્રાફર સિડની ઓલ્કોટની ફિલ્મ બેન હર’ (Ben-Hur) આવી. ૧૯૦૮માં અમેરિકાના મહાન વૈજ્ઞાનિક-સંશોધક થોમસ આલ્વા એડિસન પ્રથમ અમેરિકન ફિલ્મ નિર્માણ સંબંધિત કંપનીના સ્થાપક બન્યા.
એડિસન દ્વારા સ્થાપિત અમેરિકાની (અને વિશ્વની પણ) આ પ્રથમ ફિલ્મ કંપનીનું નામ ધ મોશન પિક્ચર્સ પેટન્ટ કંપની’ (The Motion Picture Patents Company, USA) હતું. આ સાથે એડિસને પોતાનો સ્ટુડિયો વિકસાવ્યો. થોમસ આલ્વા એડિસનના “Edison Studios” ની ફિલ્મ ફ્રેંકનસ્ટાઇન’ (Frankenstein) સારો એવો રસ જન્માવી ગઈ.
સિનેમા ઉદ્યોગ માટે ૧૯૧૧નું વર્ષ અતિ મહત્વનું રહ્યું.


n  ગજ્જર નીલેશ

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes