tawarikh e dhollywood part 7
Posted by gujarati kalakar
Posted on 03:12
with No comments
ભારતમાં
ફિલ્મનું આગમન કરનારા ગુજરાતીઓ ભાગ ૭
મુંબઈમાં
નાનક્ડી વિદેશી ફિલ્મો આકર્ષણ જમાવી રહી હતી, ત્યારે 1૯૦૨માં દ્વારકાદાસ સંપટ (સંપત) નામના મહત્વાકાંક્ષી યુવાને સૌરાષ્ટ્ર છોડી
મુંબઈને પોતાનું વતન બનાવ્યું. મિત્રો! આજે પણ મને સંપટ શેઠની સાહસવૃત્તિ, દ્રઢતા
અને લગની યાદ છે.
દ્વારકાદાસ સંપટ થોડા વર્ષો સુધી નાનામોટા
વ્યવસાય કરતા રહ્યા. તેમને ફિલ્મ લાઇન પ્રત્યે ખેંચાણ થયું.
મેં આપને પહેલાં જણાવ્યું કે ૧૯૧૭માં દાદાસાહેબ ફાલકેની ‘લંકાદહન’ રજૂ થઈ. તેનાં ટ્રીક દ્રશ્યો દ્વારકાદાસની
આંખોમાં વસી ગયાં.
પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું, ત્યારે
સાહસિક ગુજરાતીઓ વિદેશી અને દાદાસાહેબની ફિલ્મોના વિતરણ-પ્રદર્શનના વ્યવસાયમાં તકદીર અજમાવતા હતા.
દ્વારકાદાસને વિચાર આવ્યો: ‘શું હું ગુજરાતી ભાષામાં ફિલ્મ ન બનાવી શકું?’
દ્વારકાદાસ સંપટે શેઠ પાટણકર અને શેઠ
ગોરધનદાસ સાથે ભાગીદારી કરી. વાચકમિત્રો! મેં આપને અમેરિકાના વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનના
કાઇનેટોસ્કોપની વાત કરેલી છે.
સંપટ શેઠે એડિસનનું ‘કાઇનેટોસ્કોપ’
વિદેશથી મગાવ્યું.
શેઠ સગાળશાની લોકપ્રિય વાર્તા પરથી ફિલ્મ ઉતારી. તે સમયે ફિલ્મની ‘પોઝિટિવ’
કાઢવા – પ્રિન્ટ નિકાળવા ઇલેક્ટ્રીસિટીથી ચાલતાં યંત્રો ન હતાં. ફિલ્મની યોગ્ય પ્રિન્ટ નીકળી ન
શકતાં દ્વારકાદાસ સંપટની ગુજરાતી ભાષાની પ્રથમ ફિલ્મ ‘શેઠ સગાળશા’ ડબ્બામાં
જ ગૂંગળાઈ ગઈ!
પ્રથમ પ્રયત્ને નિષ્ફળતાથી દ્વારકાદાસ હિંમત ન
હાર્યા.
તેમણે લોનાવલામાં દેશની પ્રથમ ફિલ્મ
પ્રોસેસિંગ અને પ્રિન્ટિંગ લેબોરેટરી સ્થાપી.
આમ, હિંદુસ્તાનના સિનેમા ઉદ્યોગની બુનિયાદમાં
શેઠ દ્વારકાદાસ સંપટનું – એક ગુજરાતીનું – બહુમૂલ્ય
યોગદાન મળ્યું.
બે-ત્રણ વર્ષમાં સંપટ શેઠે ‘વિશ્વામિત્ર-મેનકા’,
‘કચ-દેવયાની’ આદિ મૂંગી ફિલ્મો બનાવી.
પહેલા વિશ્વયુદ્ધ પછી સૌરાષ્ટ્રના સાહસિક શેઠ દ્વારકાદાસ સંપટ અને અમદાવાદના સ્વપ્નશિલ્પી
માણેકલાલ પટેલનો મેળાપ થયો અને ૧૯૨૦માં
બંનેએ ‘કોહિનૂર ફિલ્મ કંપની’ ની સ્થાપના કરી.
આપના ચહેરા પરની ઇંતેજારી હું વાંચી શકું છું.
દ્વારકાદાસ નારણદાસ સંપત સૌરાષ્ટ્રના કચ્છી ભાટિયા હતા. મેં આપને
પ્રથમ મૂંગી ગુજરાતી ફિલ્મ
‘શેઠ સગાળશા’ બનાવવાના પ્રયત્નની કથા કહી.
દ્વારકાદાસ સંપત, ગોરધનદાસ
પટેલ અને એસ. એન. પાટણકરની કંપની ‘પાટણકર
ફ્રેંડ્ઝ કંપની’એ નાની મોટી ફિલ્મો બનાવી. પણ તેમની ભાગીદારી લાંબો વખત ચાલી નહીં.
૧૯૧૮માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું હતું. તે
અરસામાં દ્વારકાદાસ સંપત (સંપટ) નવાં
સ્વપ્નાં સેવી રહ્યા હતા, ત્યારે તેમને અમદાવાદના સાહસિક
અને સ્વપ્નદ્રષ્ટા યુવાન માણેકલાલ પટેલનો સાથ મળ્યો. માણેકલાલ પટેલે લોનાવલામાં એક
અલ્પજીવી ફિલ્મ કંપની ચલાવેલી. દ્વારકાદાસ સંપત અને માણેકલાલ પટેલ – બંને
મિત્રોની મૈત્રી એક સંયુક્ત સાહસમાં પરિણમી. બંને
મિત્રોએ મળી મુંબઈના ઇસ્ટ દાદર વિસ્તારમાં
એક વાડી ખરીદી ત્યાં ‘કોહિનૂર ફિલ્મ કંપની’ની
સ્થાપના કરી.
ટૂંક સમયમાં ‘કોહિનૂર
ફિલ્મ કંપની’એ હિંદુસ્તાનની ‘એમજીએમ’ (MGM) તરીકે નામના મેળવી.
દ્વારકાદાસ સંપત અને માણેકલાલ પટેલની ‘કોહિનૂર
ફિલ્મ કંપની’એ ૧૯૨૦માં પૂર્ણ રીતે ગુજરાતી ફિલ્મ ‘શ્રીકૃષ્ણ-સુદામા’
બનાવી. વાચકમિત્રો! કોહિનૂર ફિલ્મ્સનું ‘શ્રીકૃષ્ણ-સુદામા’ ગુજરાતની પ્રાદેશિક છાંટવાળું સર્વ પ્રથમ ગુજરાતી ચલચિત્ર બન્યું.
૧૯૨૧માં તો કોહિનૂર ફિલ્મ કંપનીએ ‘ભક્ત વિદુર’ ફિલ્મથી
ગુજરાતી સિનેમાને હિંદુસ્તાનભરમાં નામ અપાવ્યું. હિંદુસ્તાનમાં
અંગ્રેજો સામે મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્યસંગ્રામ છેડ્યો હતો.
ગાંધીજીની
અસહકારની હાકલ હવામાં ગુંજતી હતી ત્યારે ‘કોહિનૂર’ની
ગુજરાતી ફિલ્મ ‘ભક્ત વિદુર’ રજૂ થઈ. ભગવાન શ્રીકૃષ્ણ-વિદુરની
કથાને સમયને અનુરૂપ રાજકીય રંગ આપી આ ફિલ્મ બની હતી.
વિદુર તરીકે દ્વારકાદાસ અને શ્રીકૃષ્ણ તરીકે માણેકલાલ પટેલે સરસ
અભિનય કર્યો. યુવાન પારસી હોમી માસ્ટર આ ફિલ્મમાં દુર્યોધનના પાત્રમાં હતા. આપને કદાચ
મારી વાત પર વિશ્વાસ નહીં થાય,
પરંતુ ફિલ્મમાં પ્રાચીન કથાની આડમાં હિંદુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામને બિરદાવતો ગર્ભિત સંદેશ હતો.
હિંદુસ્તાનના સિનેમા-ઇતિહાસની આ પ્રથમ
રાજકીય ફિલ્મ. તેના
પ્રભાવથી અંગ્રેજો એવા ચોંકી ઊઠ્યા કે અંગ્રેજ સરકારે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો. બ્રિટીશ સરકાર દ્વારા પ્રતિબંધિત થનાર
હિંદુસ્તાનની પ્રથમ ફિલ્મ તે ‘ભક્ત વિદુર’. મિત્રો!
મને આજે પણ તે વાત યાદ આવતાં રોમાંચ થઈ આવે છે.
૧૯૨૩-૨૪માં કોહિનૂર ફિલ્મ કંપનીની ‘કાલા નાગ’ ફિલ્મ આવી .
ફિલ્મનું ટાઇટલ હતું ‘કાલાનાગ’
ઉર્ફે ‘કલિયુગકી સતી’ ઉર્ફે ‘ટ્રાયમ્ફ
ઑફ જસ્ટીસ’
હિંદુસ્તાનની આ પ્રથમ અપરાધ-રહસ્ય
ફિલ્મ. આ સસ્પેંસ-થ્રીલર ફિલ્મના દિગ્દર્શક કાનજીભાઈ રાઠોડ હતા. આ ફિલ્મ સાચી ખૂન કથા (ચાંપશી હરિદાસ મર્ડર
કેસ)ના પરથી બનેલ હતી ફિલ્મની વાર્તા ગુજરાતી પટકથા લેખક મોહનલાલ જી. દવેએ લખી
હતી.
વાચક મિત્રો! મોહનલાલ દવે ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રથમ પટકથા લેખક. આ ફિલ્મમાં મિસ મોતી નામક અભિનેત્રી પણ ચમકેલી. આ ફિલ્મમાં ગુજરાતી પારસી અભિનેતા હોમી માસ્ટરનો
અભિનય ખૂબ વખણાયો હતો. પાછળથી ‘કોહિનૂર’ની ઘણી ફિલ્મ્સનું દિગ્દર્શન હોમી માસ્ટરે
કર્યું હતું. ‘કાલા નાગ’ના સિનેમેટોગ્રાફર ડી. ડી. દબકે (ડબકે) હતા કે
જે ભારતીય સિનેમા ઉદ્યોગના સર્વ પ્રથમ અભિનેતા હતા.
હું આપને યાદ કરાવું, મારા
મિત્રો! ડી. ડી. દબકે દાદાસાહેબ ફાલકેની પ્રથમ ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’માં મુખ્ય અભિનેતા હતા.
દ્વારકાદાસ સંપત સફળ
ફિલ્મ નિર્માતા બન્યા અને તેમની કોહિનૂર કંપનીને ભારતની “એમજીએમ”થી
નવાજવામાં આવી.
૧૯૨૩ના જાન્યુઆરીમાં
કોહિનૂર સ્ટુડિયોમાં વિનાશક આગ ફાટી નીકળી. વાચકમિત્રો! આપ માનશો કે આજેય મારી
આંખોમાં એ આગની વાતો તાજી છે. હિંદુસ્તાનના સિનેમા ઉદ્યોગના કમનસીબે આ અગ્રીમ
ભારતીય ફિલ્મ કંપનીને પારાવાર નુકશાન થયું. કેટલીયે ફિલ્મોની અણમોલ નેગેટીવ આગમાં
ખાખ થઈ ગઈ.
દ્વારકાદાસ સંપત આવા
અસહ્ય આઘાતમાંથી હિંમત દાખવી બહાર આવ્યા અને તેમણે કોહિનૂર ફિલ્મ કંપનીને ફરી
જીવિત કરી.
૧૯૨૯ સુધીમાં
દ્વારકાદાસ સંપતની કોહિનૂર કંપનીએ ૯૮ જેટલી ફિલ્મો બનાવી. પણ કમનસીબી એ કે તે
દરમ્યાન સાથીદારો છૂટા પડતા ગયા …
n ગજ્જર
નીલેશ
Labels:
tawarikh e dhollywood
0 comments:
Post a Comment