Home » » tawarikh e dhollywood part 8

tawarikh e dhollywood part 8




ભારતમાં ફિલ્મનું આગમન કરનારા ગુજરાતીઓ ભાગ


દ્વારકાદાસ સંપતની કોહિનૂર ફિલ્મ કંપની હિંદુસ્તાનના સિનેમા ઉદ્યોગમાં શિખરે બિરાજમાન થઈ, ત્યારે માણેકલાલ પટેલ તેમાંથી છૂટા પડ્યા.
મિત્રો ! મેં આપને કોહિનૂરની વિખ્યાત ફિલ્મ ભક્ત વિદૂરની વાત કરી હતી. તે ફિલ્મમાં માણેકલાલ પટેલ શ્રીકૃષ્ણના પાત્રમાં હતા.
૧૯૨૪માં પોતાની સ્વતંત્ર કૃષ્ણ મુવિટોન કંપનીની સ્થાપના સાથે માણેકલાલ પટેલ ભારતીય ફિલ્મ ક્ષેત્રે સક્રિય બન્યા. શરૂઆતમાં મૂંગી ફિલ્મો તથા ૧૯૩૧ પછી બોલતી ફિલ્મો (બોલપટ)ના નિર્માણથી કૃષ્ણ મુવિટોનને ફિલ્મ ઉદ્યોગમાં સન્માનપાત્ર સ્થાન મળ્યું.
દ્વારકાદાસ સંપતની કોહિનૂરતથા માણેકલાલ પટેલની કૃષ્ણફિલ્મ કંપનીઓએ હિન્દી અને ગુજરાતી ચલચિત્રોના વિકાસ માટેના રસ્તા ખુલ્લા કર્યા.
કોહિનૂર ફિલ્મ કંપનીએ મહત્વની ઘટનાઓ અને પ્રસંગોના દસ્તાવેજી ચિત્રો ઊતારી હિંદુસ્તાનના સિનેમા ઉદ્યોગને નવી રાહ બતાવી.
તેમાંની બે ડોક્યુમેન્ટરી ફિલ્મ્સની નોંધ લેવી જ ઘટે.
એક તો લોકમાન્ય ટિળકની સ્મશાનયાત્રાતથા બીજી યાદગાર ડોક્યુમેન્ટરી લોકમાન્યની પ્રતિમાનું મહાત્મા ગાંધી દ્વારા અનાવરણ.
આ બંને ચિત્રો ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામ સાથે સંબંધિત છે. વાચકમિત્રો! મને આઝાદીની લડતના તે દિવસો હજી યાદ છે. ઑગસ્ટ ૧, ૧૯૨૦ના રોજ લોકમાન્ય તિલકનું અવસાન થયું ત્યારે મુંબઈમાં તેમની અંતિમ વિધિમાં બે લાખ લોકો ઉમટ્યા હતા. મુંબઈમાં લોકમાન્ય તિલકની અંતિમયાત્રાનું દસ્તાવેજી ચિત્રીકરણ કરી કોહિનૂર ફિલ્મ કંપનીએ અજબની સૂઝ બતાવી હતી.
તે પછી લોકમાન્ય તિલકની પ્રતિમાની અનાવરણ વિધિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરી હતી. ગાંધી બાપુને સાંકળતા આ પ્રસંગનું દસ્તાવેજી ચિત્ર પણ કોહિનૂર ફિલ્મ દ્વારા ઉતારવામાં આવ્યું હતું.
વાચક મિત્રોને નવાઈ લાગશે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પ્રથમ વખત રૂપેરી પડદે લાવવાનો યશ એક ગુજરાતીને મળ્યો હતો!
ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ કોહિનૂર ફિલ્મ્સના દસ્તાવેજી ચિત્ર (ડોક્યુમેંટરી ફિલ્મ)માં  ગાંધીજીને દર્શાવવામાં આવ્યા હતા. અહીં એક સ્પષ્ટતા કરી દેવાની કે દ્વારકાદાસ સંપતની કોહિનૂર ફિલ્મ કંપનીભક્ત વિદૂરફિલ્મમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ફિલ્મી પડદા પર રજૂ કર્યા હતા.
દ્વારકાદાસ સંપતની કોહિનૂરતથા માણેકલાલ પટેલની કૃષ્ણ ફિલ્મ કંપનીઓની વાતો હું આપને કર્યા જ કરું, તો યે તે વાતો ક્યારેય ખૂટવાની નથી. પણ તે સાથે મારે બીજી વાતો પણ કરતા જવી પડશે.
હા, મને યાદ આવે છે તે સ્વપ્નદ્રષ્ટા ગુજરાતી હાજી મહંમદ. વાચકમિત્રો! આપે વીસમી સદીના જનક હાજી મહંમદને ઓળખ્યાને?
હાજી સાહેબે સુચેતસિંહ (સચેતસિંહ?) નામક એક તરવરિયા શીખ યુવાનનું હીર પારખ્યું.
બે-ત્રણ ગુજરાતી ધનપતિઓએ સહયોગ આપ્યો અને ૧૯૧૯માં મુંબઈમાં સુચેતસિંહનીઓરિયેન્ટલ ફિલ્મ કંપનીની સ્થાપના થઈ.
પાંગરતા બોલિવુડમાં સુચેતસિંહનીઓરિયેન્ટલ ફિલ્મ કંપનીનરસિંહ મહેતાનામની ગુજરાતી ભાષાની બીજી જ ફિલ્મ (સાયલેન્ટ મુવિ) બનાવી.
ઓરિયેન્ટલમાં કાનજીભાઈ રાઠોડ નામક ફોટોગ્રાફર હતા.
સુચેતસિંહને કાનજીભાઈનું વ્યક્તિત્વ એવું ગમી ગયું કે તેમણે નરસિંહ મહેતાના પાત્ર માટે કાનજીભાઈ રાઠોડને પસંદ કર્યા. ફોટોગ્રાફર કાનજીભાઈ અભિનેતા બન્યા.
પછી તો કાનજીભાઈ રાઠોડ દિગ્દર્શક પણ બન્યા અને તેમણે કેટલીયે ગુજરાતી ફિલ્મોનું સફળ નિર્દેશન કર્યું.
સુચેતસિહ શકુંતલા નામની ફિલ્મમાં એક એંગ્લો-ઇંડિયન છોકરીને અભિનેત્રી તરીકે લઈ આવ્યા.
કાળ કેવો ક્રૂર છે! આપ આઘાત પામશો, મિત્રો, એ જાણીને કે સુચેતસિંહ ત્રણ-ચાર ફિલ્મોથી મુંબઈના ફિલ્મ જગતમાં ચમક્યા ન ચમક્યા ત્યાં તેમની કારકિર્દી બે વર્ષમાં જ નંદવાઈ ગઈ.
એક અકસ્માતમાં આ યુવાન આશાસ્પદ ફિલ્મ-દિગ્દર્શક સુચેતસિંહનું અકાળ અવસાન થયું.
 ભારતના સિનેમા ઉદ્યોગની તવારીખમાં ગુજરાતી મિત્રો દ્વારકાદાસ સંપત (સંપટ)  અને માણેકલાલ પટેલના બહુમૂલ્ય યોગદાનની વાતોનો પાર આવી શકવાનો નથી.
મેં તો મારી સગી આંખોથી ગુજરાતના આ સપૂતોની કાર્યસિદ્ધિઓ નિહાળી છે. દ્વારકાદાસ સંપતની કોહિનૂર ફિલ્મ કંપનીને હિંદુસ્તાનની એમજીએમ મેટ્રો-ગોલ્ડવિન-મેયર (MGM, USA)’ તરીકે નવાજવામાં આવી તેમાં બોલિવુડ અને હોલિવુડ બંનેનું સન્માન હતું. મર્યાદિત સંસાધનો અને ટેકનોલોજીથી ફિલ્મ બનાવતી બે ગુજરાતીઓની ભારતીય ફિલ્મ કંપનીની સરખામણી અમેરિકાના હોલિવુડની એક કંપની સાથે થાય તે ગુજરાતની યશગાથામાં એક સુવર્ણ સિદ્ધિ છે.
દ્વારકાદાસની કોહિનૂર ફિલ્મ કંપનીએ ભારતીય ચલચિત્ર ઉદ્યોગને એક એકથી ચડિયાતા પ્રતિભાવાન કલાકારોની બક્ષિસ આપી છે. કોહિનૂરમાં કામ કરનાર  કેટકેટલાં  કસબીઓનાં તકદીર પલટાઇ ગયાં!! 
કાનજીભાઈ રાઠોડની  વાત તો આપેજાણી.


n  ગજ્જર નીલેશ

0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes