Showing posts with label old movies. Show all posts
Showing posts with label old movies. Show all posts
https://gujaratifilmy.blogspot.com/
gujjuartist04.blogspot.com
ઘણીયે સુપરહિટ ફિલ્મોના નિર્માત્રી પ્રફુલા મનુકાંતને શ્રદ્ધાંજલિ
ફિલ્મ - સોનબાઇની ચુંદડી (૧૯૭૬) - છાનું રે છપનું કંઇ થાય નહીં....થાય નહીં!
નિર્માતા – રાવજીભાઈ જે. પટેલ
દિગ્દર્શક – ગીરીશ મનુકાંત
કલાકારો – દિલીપ પટેલ, રણજિત રાજ, સોહિલ વીરાણી, નારાયણ રાજગોર, પ્રેમશંકર ભટ્ટ, જગદીશ દેસાઈ, જય પટેલ, અશ્વિન પટેલ, ગીરજા મિત્રા, અંજના, વૃંદા ત્રિવેદી અને સોનબાઇની ભૂમિકામાં પ્રીતિ પારેખ
    બન્ની ઘાસના મેદાનો. આપણા ગુજરાતના કચ્છમાં. એની પડખે સફેદ રણ. કઠણ દેખાતી સફેદ જમીન. ઢીલું કળણ બની જાય. પૂનમની રાતે. એમાં ચાલો તો પગલાંની છાપ પડે. કહે છે, યુગો પહેલાં ત્યાં સમુદ્ર હતો. હવે ઉપર જમીન છે. માઇલોના માઇલો નીચે. સમુદ્ર હજીય વહે. ભરતીમાં ઉછાળા મારે. જમીન પોચી પડે. રણનો સફેદ રંગ. સાગરના નમકને લીધે છે. એ તો જાણે કુદરતી પ્રક્રિયા થઇ. સમજી શકાય તેવી વાત. બન્ની પ્રદેશમાં મધરાતે. દૂર ક્યાંક. વીજળીના સફેદ બલ્બ. ચમકી ઊઠે. ધીમે રહીને એનો રંગ બદલાય. વાદળી થાય. પછી લાલ. ત્યાંની બોલીમાં ચીર બત્તી કહે. ચીર એટલે શું, ખબર છેપ્રેત! ઘોસ્ટ લાઇટ. ન જોયું હોય તો કચ્છ ફરી આવો. નરી આંખે પ્રેત જોઇ આવો. ચીર બત્તી. કેમ થાયક્યાંથી થાયકોઇ કરેહજી સુધી રહસ્ય છે. અમુક વાતોમાં પારખાં ન થાય. સ્વીકારી લેવું પડે.
    પશ્ચિમ બંગાળમાં પણ અલેયા દેખાય. માછીમારો ઘણીવાર દીવાદાંડી માની બેસે. અવળે રસ્તે ચઢે. ગુમ થઇ જાય. ભૂતકાળમાં હયાત હતા. એમનો આત્મા. આજે પણ આ રીતે પોતાની હસ્તી પૂરવાર કરે. શહેરી લોકો નથી માનતા પ્રેતમાં. ગામમાં તો બહુ પાક્કી માન્યતા. એક ગામમાં પૂજારી હતા. રાતે ઊંઘ ઊડી હશે. બહાર નીકળ્યા. દૂર ઝાડીમાં કોક જતું જોયું. પહેલાં તો થયું હશે કોઇ. પણ આટલી મોડી રાતેએકલી બાઇહાકોટો કર્યો. ‘કોણ છો બેનક્યાં જવું છે’?બાઇ ચાલતી જ રહી. જવાબ વિના. પૂજારી પાછળ ગયા. ક્યાં સુધી ચાલ્યા ખબર ન રહી. ચિત્તભ્રમ થયેલો એમને. અચાનક તંદ્રા તૂટી. બચી ગયા! છેક કૂવાને કિનારે પગ હતો. સ્હેજ આગળ ગયા હોત તો.... અવાવરુ કૂવો હતો. આસપાસ જોયું. બાઇ ગાયબ. દોડતા ઘેર પાછા આવ્યા. બીજે દાડે એક વૃદ્ધને પૂછ્યું. વર્ષો પહેલાં એ પરણીને આવેલી. પહેલી રાતે જ કૂવામાં. પડી ગયેલી કે પછી....ત્યારથી દેખાય છે. કંઇક કહેવું છે એને. કદાચ કૂવામાં પડવાનો ભેદબાજુના પાને કે આ પાને.... પ્રેત આજે પીછો નહીં છોડે! પેલા ગામમાં ભોળાબાપાનો શંભુ પણ અવગતે ગયેલો. પહાડ જેવો જુવાન દીકરો. એક રાતે અચાનક ગાયબ. સીમમાં ઝાડી વૃક્ષો. એમાં એનો વાસ. અધરાત મધરાતે હસવાનો અવાજ સંભળાય. ફરીને જુઓ તો ભડકા. તણખાં વરસે. શું થયું હશેઅનિચ્છાએ લગ્ન. ભદ્રાના. શંભુની ભાભી. મોટા ભાઇ ત્રિલોક સાથે. પરાણે પરણેલી. ગામના ઉતાર દેવા સાથે એનો પગ લપસેલો. મા-બાપને ખબર પડી. મોટો કરિયાવર આપી વળાવી દીધી. પાછી વળતી જાન પર દાનવ દેવાએ હુમલો કર્યો. શંભુના વૃદ્ધ મા અપંગ થયાં. ભોળાબાપાની આંખો ગઇ. કાળ ફરી વળ્યો ઘરમાં. નવી વહુના પગલે. ભદ્રા પરણેલી તો ત્રિલોકને. એક પુત્ર પણ હતો. કેશવ. પણ.... રોજ રાતે પતિને ઘેન પાઇ દેતી. મેડેથી સાડી લટકાવી ઉતરી પડતી. ગામ બહાર ખંડેરમાં જવા. દેવો એમાં બાવો થઇને પડેલો. પકવાન જમાડતી ભદ્રા એને. ને અંધ સસરાની થાળીમાં રીતસર પાણો. શંભુનું સગપણ થવાનું હતું. મહેમાન આગળ ભદ્રાએ ઝેરના તીર છોડ્યાં. હશે મોટા ઘરની દીકરી. તેથી શુંહદ થતીતી હવે તો. મોટા ચાર દીકરા તો દેશાવર કમાવા ગયેલા. ત્રિલોક. શંભુ. શંકર. ત્રણ ઘેર હતા. હવે તો, વૃદ્ધ અપંગ મા-બાપ પણ ઘર છોડવા તૈયાર થયા. ભદ્રાના ત્રાસથી. જીવતા રેશું ત્યાં લગી જાત્રા કરીશું. બંને અપંગ હતા. નાના શંકરે કીધું. હું તમને જાત્રા કરાવીશ. કાવડમાં બેસાડીને. શ્રવણની માફક. નીકળી પડ્યો શંકર. દિવસે મારગમાં મજૂરી કરતો. રાતે મા-પિતાને લઇને પગપાળા સફર ખેડતો. મજૂરીનું મહેનતાણું બચાવીને શંકરે થોડા પૈસા ભેગા કરેલા. ગામ સ્નેહનું સંપેતરું મોકલી આપ્યું. કોથળી ભરીને સોનૈયા. ને ચુંદડી. સાત ભાઇઓની એકની એક. વ્હાલી બેન. સોન સારું. 
    સોનબાઇની ચુંદડી’. કવિ કાન્તિલાલ જગજીવનદાસ મહેતા રચિત નાટક પરથી બનેલી ફિલ્મ. ગુજરાતી ફિલ્મ જગતની સૌથી પહેલી. સિનેમાસ્કોપ ફિલ્મ. ૧૯૭૬માં બની.
    પહેલું વિશ્વયુદ્ધ. લશ્કરી તોપગાડીઓ. એમાં વાઇડ એંગલ વ્યૂ માટે એક ટૅક્નિક શોધાઇ. હાયપરગોનર. એક એનામૉર્ફિક લેન્સ. સામેના દ્રશ્યને ૧૮૦ ડિગ્રી વાઇડ દેખાડે. હેનરી ક્રેટિયન. એના શોધક. યુદ્ધો તો પતી ગયા. ટેક્નોલૉજી આગળ વધી. ફિલ્મોમાં આવી. 35mm ફિલ્મ કૅમેરા ઉપર આ લેન્સ ગોઠવાયો. પહેલી સિનેમા સ્કોપ ફિલ્મ બની. ‘ધ રૉબ’. બૉશ ઍન્ડ લૉમ્બ. હા, ચશ્મા કૉન્ટેક્ટ લેન્સવાળા. એમણે આ લેન્સ બનાવેલો. 20 th  સેન્ચુરી ફૉક્સ ફિલ્મ કંપની માટે. શૂટિંગ વખતે આખી ફિલ્મ પર કૉમ્પ્રેસ્ડ થઇને રેકૉર્ડ થયેલું દ્રશ્ય. સિનેમા હૉલમાં વાઇડ લેન્સથી પ્રોજેક્ટ થાય. પછી ‘છાનું રે છપનું કંઇ થાય નહીં’. ગીત જોવાની મજા પડેલી ! ગુજરાતી ફિલ્મોમાં ક્રેટિયન ટેક્નિક પહેલી જ વાર દિગ્દર્શક ગિરિશ મનુકાંત લાવ્યા. ને ગીતો જોયા હોય તો! અવિનાશભાઇને પહેલી જ વાર સિનેમાસ્કોપ વ્યાસ મળ્યો. છવાઇ ગયા હોં કે! એકેએક ગીત સુપરહિટ. આ જે પણ. ‘ઝીણું દળું તો બધું ઊડી ઊડી જાય, જાડું દળું તો બળ્યું કોઇ ના ખાય’. બે પડની ઘંટી ઉપર બનેલું. સૌથી સુંદર રંગીન ગીત. ‘હે.... રંગલો જામ્યો કાલિન્દીને ઘાટ’.‘ગોરમાનો વર કેસરિયો’. અને.... અને.... યસ! કોણ હલાવે લીંબડી ને કોણ ઝૂલાવે....’. તમને તો ખબર છે. વડોદરા. ત્યાંથી મુંબઇ. પછી એશિયાડ. પંડિત રવિશંકર સાથે. ગાંધી ફિલ્મનું ‘વૈષ્ણવ જન’. ચાણક્ય સિરિયલનું અવિસ્મરણિય સંગીત. ‘માણસ ઊર્ફે, ગાયક ઊર્ફે, મળી જવાની ઘટના ઊર્ફે’, આશિત દેસાઇ. કવિ નયન દેસાઇની અમર રચના. માણસ ઊર્ફે દ્વારા આશિતભાઇ ગુજરાતને અડ્યા. સોનબાઇની ચુંદડીમાં પાશ્વગાયક થઇને જડ્યા. સોનબાઇની ચુંદડી અનેક અને દરેક રૂપે યાદગાર ફિલ્મ હતી. છે. હંમેશા હશે. સોનબાઇ પ્રીતિ પારેખને ‘આહા’ કહો તો, એના અવાજ ફોરમ દેસાઇને પણ ‘વાહ’! કહેવું પડે. રે ભાઇ કહેવું પડે....
    ઓ.... પાર્ટી.... તમે ક્યાં છટકો છોપ્રેતની વાત તો સાંભળવી જ પડેશે. આજે નહીં છોડું. ભદ્રાએ ચુંડદી પહેરીને હરખાતી સોનને ખૂબ મારી. બેહોશ થઇ ગઇ. સોનબાઇ ઉપર અત્યાચાર વધતા ચાલ્યા. ત્રિલોક તો ખેતરે જ રહેતોતો. શંભુ ભદ્રાની સામો થઇ જતો. જાત્રાએ ગયેલા શંકરની વાગ્દત્તા પાર્વતી વચ્ચે પડતી. માંડ મામલો થાળે પડતો. શંભુ એક રાતે ભદ્રાને ખંડેર તરફ જતી જોઇ ગયો. કાળ ચઢ્યો. લીધું હાથમાં દાતરડું. ‘આજે તો....’. ભદ્રાને શંભુ આંતરે એ પહેલાં દેવો ચઢી આવ્યો. બંનેમાં ભારે મારામારી થઇ. ઝપાઝપીમાં દાંતીની ધાર શંભુને ભોંકાઇ ગઇ. પેટમાં. ઢળી પડ્યો. હવે? સવાર થતા સુધીમાં આનો રસ્તો કરવો પડે. બાજુમાં જ હતું સ્મશાન. એક ચિતા પણ હતી. ડાઘુઓ ગયા. દેવો. ભદ્રા. અને સાગરીત. ત્રણે જણે ભેગા થઇ શંભુને એ જ ચિતા પર સુવાડી દીધો. નાસી છૂટ્યા ત્રણેય ત્યાંથી........ને અગન જ્વાળાઓ વચ્ચેથી એક આકાર ઊભો થયો. આરપાર દેખી શકાય તેવી આકૃતિ. અદબ વાળીને ચિતા પર ઊભી રહી. આકાશ ભણી ઊંચકાઇ ગઇ.... ને સિનેમા હૉલમાં તાળીઓ ને સીટીઓ ગાજવા લાગેલી. પહેલી વાર ભૂત જોઇને લોકો રાજીના રેડ, એઝ ઇન લાલ નહીં, હેપ્પી, થયા. હાઆઆઆટ્ટા.... હવે શંભુ, રણજીતરાજ. પેલી ભદ્રાડીને સખણી કરશે. ફિલ્મમાં આ વખતે ‘મધ્યાન્તર’, ઇન્ટરવલ. અને લેખમાં હવે સોએક શબ્દો બાકી. શું લાગે છેહું કહી દઇશ બાકીની વાત. એમહા તે વળી કહી દઉં, લોને! શંભુ ગુમ થયેલો જાહેર થયો. ત્રિલોકે ખેતરે જ રહેવાનું પ્રણ લીધું. શંકર અને મા-બાપ તો જાત્રાએ હતા. ભદ્રાએ પાર્વતીનો પગ ઘરમાંથી કાઢ્યો. હવે સોનબાઇ બચીને ક્યાં જવાનીસીમના હિંચકેભદ્રાએ પેલું જ દાતરડું લીધું. ઉપર દોરડામાં ભેરવી દીધું. ને કાળનું કરવું. સોનબાઇ સાથે નાનો કેશવ પણ ઝૂલતોતો. ઉપર દોરડું ઘસાતું ગયું. ભદ્રાએ જોયું. હાય રામ! પોતાના કરતૂતમાં. પોતાનો જ દીકરો ભોગ બનશેના.... ના.... બચાવો, બચાવો.... કરતી દોડી. પણ એ પહેલાં જ.... તમારી ધારણા સાચી પડી. સોન કેશવના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલતી હતી. તેવામાં કોઇએ બંનેને ઢંઢોળ્યા. ઊંચે લઇ લીધા. જગાડ્યા. જોયું તો શંભુ! ફરી ત્રણે જણ સાથે....
    કાવડમાં જાત્રાએ ગયેલા મા-બાપ ગામ પાછા ફર્યા. વર્ષો પછી વ્હાલી દીકરી સોનને જોવીતી. પૌત્ર કેશવનું તો મોં જ પહેલીવાર જોવા મળશે. હા, બંને સાજા થઇ ગયેલા. કઇ રીતેહા.... હા.... હા.... મારો જવાબ તમને ખબર છે. તો એક સવાલ પણ સાંભળી લો. સોન. કેશવ. શંભુ. પાછા આવ્યા? એક સીક્રેટ કહી દઉં. ફિલ્મમાં ‘હેપ્પી એન્ડિંગ’ છે. પણ માય લૉર્ડ! તમે ધારો છો સાવ એવું નથી. આ પ્રકારના અંતની કલ્પના માટે ગિરિશભાઇને ફરી અભિનંદન. જાતજાતના. ચિત્રવિચિત્ર. બિહામણા. અનુભવોમાંથી પસાર થવું પડશે. ચીર બત્તી. પ્રેત. ભૂતની હકીકત સ્વીકારવી પડશે. શહેરના સહેલ સપાટામાં રહેતા. ‘માય લવલી પરફૅક્ટ ક્રેઝી સીસ્સ’. ‘માય સ્ટ્યુપીડ ક્યુટ લીલ બ્રો’. જેવી સ્થૂળ લાગણીઓમાં જીવતા. સહુએ ખરા સ્નેહની સુક્ષ્મતા સમજવી પડશે. અને ત્યારે સમજાશે. દેખાશે. જોઇ શકાશે. ‘સોનબાઇની ચુંદડી’.

ગીતો – ગાયકો
૧. લીલી લીલી લીમડી... કોણ હલાવે લીમડી... – ફોરમ દેસાઈ, આસિત દેસાઈ
૨. અત્ર તત્ર સર્વત્ર કરે... સમરી શ્રી પ્રથમેશ... ગોરમાનો વર... – ઉષા, આનંદ કુમાર, સાથી
૩. આવો... આવો... છાનું રે છપનું કઈ થાય નહિ... – આશા ભોંસલે, આનંદ કુમાર
૪. ઘમર ઘમ... ઘંટી ઘમ ઘમ થાય, ઝીણું દળું તો... – આશા ભોંસલે, સાથી
૫. ઘરડાં લુલા આંધળા, ગરીબ માં ને બાપ... – મધુસુદન વ્યાસ
૬. ઝનનન ઝનક ઝાંઝરી બાજે... હે રંગલો જામ્યો કાલિન્દીને ઘાટ... – આશા ભોંસલે, આસિત દેસાઈ, સાથી
૭. લોભી આતમને રે સમજાવો મારા ગુરૂજીને પૂછો... જી ગુરૂજીને... પ્રાણલાલ વ્યાસ, સાથી
૮. કોઈ ગોકુળ મથુરામાં જાય રે... લખીએ કાગળીયું રે પ્રેમનું... – દિવાળીબેન ભીલ
૯. હે આજ વીરો મારો... કોણ હલાવે... – ફોરમ દેસાઈ
૧૦. હે ભાઈની મારેલ... કોણ હલાવે... – આસિત દેસાઈ
૧૧. ડ્રાઉ... ડ્રાઉ હું તો દેડકો... દેડકાભાઈ... – ફોરમ દેસાઈ, આસિત દેસાઈ
૧૨. હું નાગ મામો (૨) દીકરી મારી હું તો... – ફોરમ દેસાઈ, આસિત દેસાઈ


n  ગજ્જર નીલેશ 
https://gujaratifilmy.blogspot.com/
gujjuartist04.blogspot.com
ચંદન મલયાગરી  

ફિલ્મ: ચંદન મલીયાગરી (૧૯૭૮) - ગલાલ વહુ ગરબે રમવા જાય.... હોંકે હોંકે!
એમ.આઈ.ફિલ્મ્સ પ્રા.લિ. મુંબઈ
નિર્માતા – આઈ.એ.નડિયાદવાલા
દિગ્દર્શક – દિનેશ રાવલ
સંગીતકાર – અવિનાશ વ્યાસ
કલાકારો – અરવિંદ ત્રિવેદી, સરલા યેવલેકર, રાજીવ, બિંદીયા ગોસ્વામી, રવીન્દ્ર મહાજની, નીતા મહેતા, શેખર પુરોહિત, નારાયણ રાજગોર, ઝંખના દેસાઈ, લીલા પટેલ, મહેશ જોશી, જયેન્દ્ર મંત્રી, હંસા લાકોડ, હરિતા દવે, ત્રંબક જોશી, રાજુ જોશી, હરેન્દ્ર જોશી, ધવલેશ, કૌશિક, પૂર્ણિમા મુનસફ, ઉર્મિલા ઠાકોર, હર્ષા જોશી, બેબી કૈલાશ, વૃંદા ત્રિવેદી, નલીન દવે, વ્રજલાલ ચૌહાણ, મહેન્દ્ર વ્યાસ, ગોવિંદરામ, વસંત જોશી, અજય, રાજેન્દ્ર, કૃષ્ણકાંત, હસમુખભાઈ શાહ, પોપટલાલ આદરેજા, હસમુખ કાછીયા, રમેશ મહેતા,
મહેમાન કલાકાર – આમ્રપાલી, ચંદ્રકાંત પંડ્યા
ગલાલ વહુ ગરબે રમવા જાય.... હોંકે હોંકે!
બાજી ચોપાટની. લોહિયારા ગઢના દીવાન ખંડમાં. ચારચાર રજવાડાં હોડમાં. અને પાસાં યજમાન રાજવીના હાથમાં. જીતનો વિચાર હવે કરે. એ મૂર્ખ.પહેલા દાવતો હાથ લાગે?ત્યાં તો દાસી આવી. મહારાજ! મહારાણી રાહ જુએ છે. બસ આ છેલ્લી બાજી. રાજાએ ત્રીજીવાર દાસીને પાછી વાળી. ભૂલી ગયા. મહાપૂજાના અંતિમ દિવસે દેવી સાક્ષાત હોય. વરદાન આપવા તત્પર હોય. રાણી એકલાં ગયાં. ખોળો પાથર્યો. લોહિયારા રાજનો વંશ માંગ્યો. આશાપુરા દેવીના શણગારમાંથી બે ફૂલ મહારાણીના ખોળામાં આવી પડ્યાં.
માઉન્ટ આબુ પહેલા આબુ રોડ આવે. સ્ટેશનની રબડી. માટીની કુલડીમાં. બડો કમાલટેસડો. માણીને જમણે વળો. તો માઉન્ટ આવે. ડાબે જાવ. ૬૫ કિલોમીટર. તો જસવંતપુરા. લૂણી નદીની શાખા. બંદી નદીને કિનારે. ઇતિહાસ અને સ્થાનિકોની વાતો પરથી અંદાજ મળે. જસવંતપુરા એ જ લોહિયારા. ત્યાંનો એક જમીનદાર રાજના કાયદાની સામો પડેલો. રાઠોડવંશનું રાજ હતું. જસવંતસિંહ જોધપુરના મહારાજા. એમણે લોહિયારા કબ્જે લીધું. જસવંતપુરા વસાવ્યું.
આપણે વાત કરીએ છીએ, એ તો એથીય જૂની. લોહિયારાના રાજાને એક જ વળગણ. ચોપાટ. એના જેવો ખેલંદો પણ ના મળે. પાસાં એનું કહ્યું માને. રમવા બેઠેલાની સોગઠી અને મિલકત રાજાના હાથમાં. પણ રાજવી માણસ બહુ ભલો. જીતેલું પાછું પણ વાળી દે. દેવીનો મોટો ભક્ત હતો. રાજા ચંદન. મલીયાગરી એની રાણી. અતિસુંદર. ‘ચંદન મલીયાગરી’.
દિગ્દર્શક નવલ ગાંધી. ૧૮૯૭માં કરાંચીમાં જન્મેલા. ભણ્યા અમદાવાદમાં. ૧૯૧૯માં ગ્રેજ્યુએશન પછી યુરોપ ગયા. પાછા આવીને અરદેશર ઇરાનીની ફિલ્મ કંપની મૅજેસ્ટિકમાં જોડાયા. ટૉકીઝ કરતા સાયલેન્ટ સ્ક્રિપ્ટ ખાસ્સી અલગ. અઘરી. એમાંય બંદિની. રવિન્દ્રનાથની કથા. એ ઉપરથી ફિલ્મ. કાઠું કામ. કરી દેખાડેલું. નવલ ગાંધીએ. ખૂબ પ્રસંશા થયેલી. પહેલી ‘ચંદન મલયાગિરી’. સાયલેન્ટ ફિલ્મ.૧૯૨૪માં. નવલ ગાંધીએ જ બનાવી. બીજી ‘ચંદન મલીયાગરી’.૧૯૭૬માં બનેલી. અરવિંદ ત્રિવેદી. સરલા યેવળેકર. ખૂબ યાદગાર ભૂમિકા. એના અનેક કારણો. એમાંથી બે હતા. સાયર અને નીર. મહારાણી મલીયાગરીને ખોળે બે તેજસ્વી પુત્રો જન્મેલા. રાજા ચંદન ચોપાટમાં રાચેલો. માનું હૈયું દીકરાઓનું ભાવિ જાણવા આતૂર. મહાપંડિતની ભ્રુકૂટી તંગ હતી. રાણીમા, સાચું બોલતા જીભ નથી ઉપડતી. જુઠ્ઠું બોલું તો શાસ્ત્રોને છેતર્યાં ગણાય. જે હોય તે, સાચું કહો મહાપંડિત. કુંવર સાયર અને નીર બાર વર્ષના થશે. ત્યારે મોટી વિપદ આવશે. કદાચ રાજપાટ છોડવાનો વારો આવે. બાર વર્ષનો વનવાસ થાય. અને એથી આગળ કહીશ.તો તમારાથી સંભળાશે નહીં. રાણી હતાશ થઇ ગઇ. આ તો વિધાતાના લેખ....
એને માથે મેખ હું મારીશ રાણી. ચંદને કીધું. એક તરફ જોષીના જોષ. સામે મારી તલવારનું જોશ. લોહિયારા હું ક્યારેય હારીશ નહીં. ખોઇશ નહીં. પણ નાથ એક વચન આપો. રાણીએ કીધું. ચોપાટ તમે નહીં રમો. બંને કુંવર બાર વર્ષના થાય ત્યાં સુધી. ચંદને છોડી દીધી ચોપાટ. એ રાતે. એક સ્વરૂપવાન સ્ત્રી આવી. લાલ વસ્ત્રો. વિરાટ આકૃતિ. ચંદનને જગાડ્યો. હું વિધાતા.મારા લેખ ક’દી મિથ્યા થતા નથી. મને આધિન થા. તો સંકટ ઓછું કરીશ. પરાધિનતા ચંદનને મંજૂર નહોતી. વિધાતાની પણ નહીં. દેવી! તમે લેખ નિભાવો. હું પરીક્ષા માટે તૈયાર છું. ધર્મ નીતિને આંચ નહીં આવે. સત્યનો સંગાથ નહીં છોડું. હાથ લાંબો નહીં કરું. વિધાતા હસી. ફરી મળીશું. એ રાત ને દેવીની વાત. દેવી સાથે જ અંતર્ધ્યાન થયાં. સમય પસાર થયો. સાયર નીરની બારમી વર્ષગાંઠ આવી. રાતભર વન મહોત્સવ. વહેલી સવારે ગઢપ્રવેશ. ને રાણીએ પોતે જ ગરબો ઉપાડ્યો. ‘ગલાલ વહુ ગરબે રમવા જાય.... હોંકે હોંકે.... હોંકે’!વધુ એક કારણ. ફિલ્મ યાદ રહી જવાનું. અવિનાશ વ્યાસ. બીજું કોણ હોય? એકેએક ગીત યાદગાર હતું. ગઢ પ્રવેશને બે પ્રહર બાકી હતા. માંડવા પાછળ ખિલખિલાટ સંભળાયો. ચંદન ત્યાં ગયો. પડોશના રાજ્યની રાજકુંવરી હતી. સખીઓ સાથે ચોપાટ રમતી હતી. આવો રાજન! રમશો અમારી ભેળા? ના રાજકુમારી. નક્કી તમે હારથી ડરો છો. ચંદનના વટને પડકાર હતો. બેઠો રમવા. હોડમાં આખું રાજ મૂકી દીધું. ખેલો કુંવરી. ફેંકો પાસા. કુંવરીએ પાસા ફેંક્યા. પહેલી જ વારમાં રાજા હારી ગયો. વિધાતા પોતે જ કુંવરીના વેશમાં આવેલાં. હવે લંબાવ હાથ. લઇ લે રાજપાટ પાછા. ત્યાં તો ગઢપ્રવેશની વેળા થઇ. પ્રધાન કહેવા આવ્યા. થોભો! આજથી આ ગઢ પર આ કુંવરી રાજ કરશે. વિધાતાને સોંપી દીધો લોહિયાર ગઢ. વગડાની વાટે નીકળી પડ્યા. ચંદન મલીયાગરી સાયર નીર. વિધાતાની શરત હતી. બાર વર્ષે ઘડીનાય વિલંબ વિના પાછા ફરજો. નહીંતર ફરી બાર વર્ષ....
વનવાસની પહેલી જ રાત. ચારેય નદી કિનારે પહોંચ્યા. વસ્તી જોઇ. સામે પાર ચંદન પહેલા કુમારોને મૂકી આવ્યો. રાણીને લેવા પાછો નદીમાં ગયો. ને નદીમાં વમળ. અટવાઇ ગયો. સ્પેશ્યલ ઇફૅક્ટ્સ. કમાલ હતી ફિલ્મમાં. પિતાને બચાવવા સાયરે ઝંપલાવ્યું. એ બીજી તરફ ખેંચાયો. સામા કિનારે રાણીએ જોયું. પતિ પુત્ર બંને ગાયબ. બેહોશ થઇ ઢળી પડી. સાયરને બૂમ મારતો નીર જંગલ તરફ દોડ્યો. ચારેય છૂટા પડી ગયા. રાણીને મહિયારણોએ બચાવી. રાજાને સાધુઓ એ ઉગાર્યો. સાયર ને નીર પણ અલગ. અજાણ્યા મુલકોમાં. વિધાતાએ પરચો દેખાડી દીધો. એક જ રાતમાં. બાજી હવે સમયના હાથમાં આવી. ફિલ્મનું સૌથી રસપ્રદ પાસું. ‘ચંદન મલીયાગરી’ની લોકકથા. અટપટા વળાંકો. અનેક ઘટનાઓ. દિલધડક પ્રસંગો. સમય વીતતો ગયો. કુમારો યુવાન થયા. સાયર ગામમાં ફરતો હતો. એક મા એના દીકરાને વળગીને રોતી’તી. આજે એના સંતાનનો વારો હતો. ગુફામાં રાક્ષસ રાહ જોતો હતો. બાળકને બદલે સાયર પોતે ગયો. અને ત્યાં હતું એક રૂપાળું કારણ ફિલ્મ સુપરહિટ થવાનું. ૧૫ વર્ષની છોકરી. બિંદિયા ગોસ્વામી. પહેલી અને એકમાત્ર ગુજરાતી ફિલ્મમાં. બિંદિયાની પહેલી હિન્દી ફિલ્મ. ‘જીવન જ્યોતિ’.એ જ વર્ષે આવેલી. બિંદિયા હેમામાલિનીના માતુશ્રીની શોધ. એક પાર્ટીમાં જોયેલી. બીજી હેમા જ જોઇ લો. એવી જ સુંદર. ૧૫ જ વર્ષની. ગુફામાં રાક્ષસ ઉપાડી ગયેલો. સાયરે રાક્ષસનો વધ કર્યો. રાજકુમારીને બચાવી. એના પિતાને સાયર ગમી ગયો. સાયર રાજા થઇ ગયો કુંવરીને પરણીને. એનો ભાઇ નીર ક્યાં ગયો? એ રોટલા શેકે. લાવો ઘડી દઉં રોટલા? ઓહોહોહો.... વધુ એક સુપરહિટ કારણ. શો અવાજનો રણકો. બેનમૂન લયદાર ઊંચો દેહ. ખૂબસૂરત નક્શીદાર ચહેરો. ‘પૉંગા પંડિત’ની પામેલા. નીતા મહેતા. ગામડાંની ગોરી ગુજરાતણ. બિંદિયા અને નીતા‘જાની દુશ્મન’. આઇ મીન, એમાં પણ સાથે હતા. બિંદિયાએ વિનોદ મહેરા સાથે લગ્ન કરેલાં. વિનોદ નીતાના લગ્નની પણ વાતો ઉડેલી. ખેર, બિંદિયાના લગ્ન ટક્યા નહોતાં. એ પછી જે. પી. દત્તાને પરણ્યાં. બસ હવે.... ગૉસિપના ચસ્કા તમનેય ક્યાં ઓછા છે? સાયર રાજીવ અને નીર રવિન્દ્ર મહાજની. એ જાણવાની તસ્દી લીધી? મલ્ટિસ્ટારર સુપરહિટ હતી. ‘ચંદન મલીયાગરી’.
નીર પણ ગામડાંની ગોરીને પરણી ગયો. રાજા અને રાણીનું શું થયું? કહી દઉં? ના, ના કહી જ દઉં. ચંદન કેદખાને પૂરાયો. કત્લના આરોપ હેઠળ. સાયર જ્યાં રાજા હતો એ જ રાજ્યમાં. મલીયાગરીને એક ભાઇ મળ્યો. લાખો વણઝારો. એણે વચન દીધું. ચંદનને શોધી આપવાનું. રાજા સાયરના રાજમાં એક દેવઅશ્વ આવ્યો. એની સવારી કરી શકે એને બાર ગામનો ગરાસ. એલાન થયું. નીરે બીડું ઝડપ્યું. ઘોડાને વશ કર્યો. સવાર થયો. ઉડતા ઘોડાનો અસવાર થયો. પણ ગળામાંથી માદળિયું પડી ગયું. સાયરની નજર પડી. ભાઇને ઓળખ્યો. પણ ભાઇ તો પવનવેગી ઉડતા ઘોડા ઉપર. ક્યાંનો ક્યાં નીકળી ગયો. સાયર પણ પાછળ શોધમાં ગયો. બંનેની પત્નીઓ રાહ જોતી રહી. ઘણો સમય વીત્યો. હવે એ પણ પતિઓની શોધમાં ચાલી. આ હતું સૌથી મજબૂત અને સુપરહિટ રીઝન. ડિરેક્ટર. દિનેશ રાવળ. આટલી અટપટી કથા. આટલી કન્વિંસિંગ રીતે. પહેલી જ વાર ગુજરાતી ફિલ્મ જગતમાં રજૂ થયેલી. બાળવાર્તા. પ્રેમકથા. સાહસ કથા. ઇમોશન્સ. થ્રીલર. સસ્પેન્સ. હૉરર પણ ખરું. અને રમેશ મહેતા ઍન્ડ પાર્ટી. કૉમેડી કિંગ. કમ્પ્લિટ ફૅમિલી એન્ટરટેન્મેન્ટ.
બાના ઘરની સામેવાળી પેલી હીના. એ જોઇ આવેલી વૅકેશનમાં. રોજ બપોરે પત્તા રમતા. ટુકડો ટુકડો
સ્ટોરી કહે. ઘરમાં ફિલ્મનું મહૂરત બેસે નહીં. હીનલી પર એવી તો.... જાવ હવે તમનેય નહીં કહું. કે
છેવટે બધા મળી ગયા.પણ કેવી રીતે?મળવા કરતાય અગત્યનું. ચંદન રાજાએ સમયસર પહોંચવું પડે લોહિયારા. એ તો વિધાતાની શરત. વિધાતાએ તિથિ અને સમય નક્કી રાખેલા. એ પહેલા ચંદન રાજા નગરમાં પગ મૂકશે? નહીં મૂકે તો રાજપાટ જશે. સાયર તો રાજા હતો જ. નીરે દૈવીઅશ્વની અશ્વ
સવારી કરી. બાર ગામનો ગરાસ એ પણ મેળવી લેશે. સાધુઓની સંગતમાં ચંદનરાજા સાધુ જેવો થઇ
ગયેલો. એને કોઇ મોહ નહોતો. તો પછી મલીયાગરીનું કોણ? છેને બાકી સુપર ટ્વિસ્ટ! કીધુંને, નહીં કહું.
કાયમ કહું છું, જોઇ લો ફિલ્મ.
લ્યો ત્યાં સુધી આ રાસ ગણગણો. ‘આંખડી કામણગારી રે છોગાળા તારી, આંખડી કામણગારી’. રાસમાં બિંદિયા પોતે જ કેવી કામણગારી લાગે! ને આ નીતા મહેતાનો ગરબો. ‘એ હે, હે.... પારસ પીપળાના પાદરમાં, હે વાગ્યાં, કે વાગ્યાં, ઢોલીડાંના ઢોલ’.આહા, શું હીચ. શું ઢોલનો ઠેકો. વાહ, દીવાળી બેન વાહ. ને આ વિરહ ગીત. ‘કુંજલડી રે, સંદેશો મારો, જઇને વાલમજીને ક્હેજો જીરે કુંજલડી’.કેવી લલક છે ગીતની હલકમાં.... કલૅક્શનના શોખીનો માટે પણ ઉમદા સંભારણું છે, ‘ચંદન મલીયાગરી’.
ફિલ્મ અને દિગ્દર્શક વિશે થોડી માહિતી કલાકાર ત્રંબક જોશી પાસેથી મળેલ છે
ગીતો ગાયકો
૧. આરતી ઉતારો રે આરતી ઉતારો..... આશા ભોંસલે, સાથી
૨. ગુલાલ વહુ ગરબે રમવા જાય..... આશા ભોંસલે, સાથી
૩. આંખડી કામણગારી રે...... મહેન્દ્ર કપૂર, સાથી
૪. એ પારસ પીપળાના પાદરમાં..... દમયંતી, આનંદ સી., સાથી
૫. મારા ભવમાં ભડકો લાગ્યો..... મહેન્દ્ર, ઉષા, આનંદ, સુલોચના
૬. એવી કુંજલડી રે, સંદેશો મારો..... દમયંતી બરડાઈ
૭. આરતી ઉતારો રે આરતી ઉતારો, આશાપૂરા માવડીની આશા ભોંસલે, સાથી

આજનો મારો 'ચંદન મલયાગીરી' ફિલ્મ વિશેનો આર્ટિકલ વાંચીને હાલના ચરિત્ર અભિનેતા રોહિત મહેતાએ મને ફોન કરીને માહિતી આપી કે, ફિલ્મમાં બે યુવકો નદીમાં ડુબતા બચાવવામાં aઆવે છે જમા એક તેઓ પોતે રોહિત મહેતા છે અને બીજો યુવક વનરાજ શાહ નામનો કલાકાર હતો. આ માહિતી આપવા બદલ હું તેમનો આભારી છુ. હવે તે એક સીન માટે અને ખાસ રોહિત ભાઈને (નાના રોહિત મહેતા) ને જોવા માટે ફરી એકવાર હુ ફિલ્મ જોઈશ.

 ગજ્જર નીલેશ






મુગલે આઝમ’ ,’હમ દોનોંકે કોઇ પણ બીજી ફિલ્મ રંગીન હોય કે શ્વેતશ્યામ , એના કળાકીય મૂલ્યમાં કશો ફરક પડતો નથી. પણ રંગ ઉમેરવાથી એ એક દર્શનીય મૂલ્યવૃધ્ધિ ધરાવતી (વેલ્યુ એડેડ) ચીજ બને છે.. પોષાક, ચિત્રો, ઐતિહાસિક ચિત્રો, સૌંદર્ય, કળા જેવા ચાક્ષુષ ઘટકો જો કોઈ ફિલ્મમાં હોય તો એને રંગીન બનાવવાથી એની પ્રભાવકતા અનેક ગણી વધી જાય છે.
ગુજરાતી ફિલ્મોમાં માત્ર કોઈ એક ફિલ્મને રંગીન બનાવવાની હોય તો ? ઉત્તમ એવી અનેક ફિલ્મો ૧૯૪૫ પછીના ગાળામાં આવી. ગુણસુંદરી’, ‘મંગળફેરા’, ‘ગાડાનો બેલજેવી અનેક સુઘડ, સુરેખ, પ્રાણવાન ફિલ્મો ઉપરાંત એવી અન્ય યાદગાર ફિલ્મોની યાદી તો અતિ લાંબી થવા જાય, પણ જેને રંગીન બનાવવાથી વાહ વાહના ઉદગાર નીકળી જાય તેવી એક ફિલ્મ બહુરૂપીતરત જ સ્મરણે ચડે છે. ઉત્તર ગુજરાત તો ભવાઈકલાનું પિયર ગણાય. આજેય મહેસાણામાં પ્રો. વિનાયક રાવળ ભવાઈકળાના આદિપુરુષ અસાઇતના નામ સાથે જોડાયેલી અને વિખ્યાત કવિ ચિનુ મોદીના પ્રમુખપદવાળી અસાઇત સાહિત્યસભાઅને તેના ઉપક્રમે કલાવિમર્શનામનું સુંદર ત્રિમાસિક ચલાવે છે.  આ જ પ્રદેશના વીસનગર-ઊંઝાના ભવાઈ કલાકારોને લઇને જૂનાગઢના મરચા-મસાલાના સામાન્ય વેપારી શિવલાલ તન્નાએ બનાવેલી આ ફિલ્મ અમદાવાદની કલ્પના ટૉકિઝમાં સાહિત્યકારો અને બીજા દરેક કલાક્ષેત્રોના મોભીઓની ભરચક ઉપસ્થિતિમાં 1970ના ડિસેમ્બર 25 મીએ રજૂઆત પામી અને પછી તરત જ ઉતરી ગઇ હતી. એના નિર્માણ સાથે ગુજરાતી-હિંદી ફિલ્મોના મશહૂર અભિનેતા સ્વ. ઉમાકાંત દેસાઇ સક્રિય રીતે સંકળાયેલા હતા. આપણી ગુજરાતી પ્રાચીન ભવાઈકળાની કમાલ આ આખી ફિલ્મમાં છવાયેલી છે. એનું ભવાઈ માર્ગદર્શન કર્યું હતું દિગ્ગજ ભવાઈ કલાકાર ભવાનીશંકર વ્યાસે. એનાં ગીતો અસાઈત ભવાઈસંગ્રહમાંથી લેવામાં આવ્યાં હતાં. બીજાં કેટલાંક ગીતો વેણીભાઈ પુરોહિત અને સ્વ. કવિ મનસ્વીની કલમેથી ઉતર્યાં હતાં. સંગીત હતું પ્રતિભાશાળી સંગીતકાર અજિત મર્ચન્ટનું, જેમણે તે વખતના નવાસવા ગઝલગાયક જગજિતસિંહને પહેલી જ વાર એ ફિલ્મમાં ભજનલાગી રામભજનની લગનીઆપીને બ્રેક આપ્યો હતો.


 
એ ફિલ્મની કથા હતી પ્રાગજી ડોસાની અને દિગ્દર્શન તેમ જ પૂરક સંવાદો હતાં સ્વ. રમણીક વૈદ્યના. બહુ રસ પડે તેવી વાત તો એ કે તેમાં જયંત, જયરાજ, લક્ષ્મી છાયા જેવાં હિન્દી પડદાનાં જાણીતાં કલાકારોએ અભિનય આપ્યો હતો. ઝેબ રહેમાન અને સુરેશકુમાર એમાં નાયિકા અને નાયકની ભૂમિકામાં હતાં તો નામદેવ લહુટે જેવા અતિપ્રસિધ્ધ કલાકારની ભૂમિકા પણ એમાં હતી. એમાં ભવાઈગીતો એના અસલ સ્વરૂપમાં ઢાળમાં, છંદમાં અને લહેજામાં હતાં. દૃશ્યો એની અસલ ભાવભંગીમા અને પરિવેશમાં હતાં.

આ ફિલ્મને જો રંગીન બનાવીને રજૂ કરવામાં આવે તો માત્ર ગુજરાતમાં જ નહિ, પણ સમગ્ર રાષ્ટ્રના ફલક ઉપર એને સરાહના મળે. 1985માં એને દેશભરમાં રજૂઆત માટે કરમુક્તિ બક્ષવામાં આવી છે. પરંતુ એને રંગીન બનાવવાનું કામ સરકાર જ કરે તેવી અપેક્ષા રાખવાને બદલે કોઈ દૃષ્ટિવાન સંસ્થા કે કલાપ્રિય નિર્માતા-નિર્દેશકે એને માટે આગળ આવવું પડે. ગમે તેટલી ખર્ચાળ પ્રક્રિયા દ્વારા પણ એને પ્રેઝેન્ટેબલ બનાવવી જ પડે, નહિ તો એક આર્કાઈવલ વેલ્યુ સિવાય એનું કશું મૂલ્ય નહિ રહે.
અત્યારની પેઢીના દર્શકોને કદાચ યાદ નહિ હોય, પણ આ ફિલ્મને એ ૧૯૬૯-૭૦ના વર્ષ માટે ગુજરાત સરકારના સાત સાત એવોર્ડ મળ્યા હતા. શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગદર્શક, શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શન (અજિત મર્ચન્ટ), શ્રેષ્ઠ સહાયક અભિનેતા (જયરાજ) શ્રેષ્ઠ ગુજરાતી સહાયક અભિનેતા (શેખર પુરોહિત) શ્રેષ્ઠ બાળકલાકાર (દિલીપ ભટ્ટ). વેપારી શિવલાલ તન્ના લગભગ અભણ, પણ ફિલ્મ બનાવવાની એ ધૂને તેમને આ ફિલ્મ બનાવવા પ્રેર્યા હતા. પણ નવાઈની વાત છે કે રમણીક વૈદ્ય અને પ્રાગજી ડોસા જેવા ઉચ્ચ કક્ષાના પ્રતિભાવંતોના સંસર્ગથી, ફિલ્મ ફાઈનાન્સ કોર્પોરેશનના સહયોગથી ગિરનાર ચિત્રકળા, જૂનાગઢના નેજા હેઠળ પ્રથમ ગુજરાતી આર્ટ ફિલ્મ ગણી શકાય તેવી ફિલ્મ બહુ મોટી આશાઓ સાથે બનાવી. ટિકિટબારી ઉપર તે નિષ્ફળ રહી તેમ પણ નહિં કહી શકાય કારણ કે ફિલ્મ ફાઇનાન્સ .કોર્પોરશનની કેદને કારણે તે ખરેખરા અર્થમાં રેગ્યુલર ધોરણે રજૂઆત પામી ના શકી. છતાં તે વખતના ફિલ્મ ફાઈનાન્સ કોર્પોરેશનના વડા શ્રી હિંમતસિંહજી આ ફિલ્મ ઉપર એટલા ખુશ થયા કે બહુરૂપીને તેમણે નેશનલ એવોર્ડ અપાવવા માટે ભલામણ કરી. અને ઈન્‍‍ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ રજૂ કરવા માટે તનતોડ પ્રયત્ન કર્યા. જે લોકોએ એ ફિલ્મ જોઈ હતી તે સૌ એની ગુણવત્તા વિષે બેમત ધરાવતા નહોતા. પણ ખાટલે મોટી ખોડ તો એ નડી કે ડીસ્ટ્રીબ્યુટરોએ ફિલ્મ ફાઈનાન્સ કોર્પોરેશનના લેણાના નાણાંની ચૂકવણી ના કરી અને પરિણામે પ્રિન્ટ બંધનમાંથી મુક્તિ પામી જ નહીં. બાકી નેશનલ ફિલ્મ પ્રિવ્યુ કમિટીએ આ ફિલ્મને સર્વાનુમતે નેશનલ એવોર્ડને યોગ્ય એન્ટ્રી લેખી હતી.

 
બીજી પણ અતિશય ધ્યાનાર્હ વાત એ છે કે એ પછી પણ છેક 1978માં શિવલાલ તન્નાએ ફરી ગુજરાત સરકારને વિનંતી કરી કે તમે આપેલા એવોર્ડ્સવાળી આ કલાફિલ્મને છોડાવીને કરમુક્તિનો લાભ આપો. જે મળી, બલકેપણ રાષ્ટ્રીય કક્ષાએ કેન્દ્ર સરકારે આ ફિલ્મને કુલ 27 રાજ્યો માટે કરમુક્તિ બક્ષી છે. પણ કેન્દ્ર સરકારની એ કરમુમૂક્તિ પછી જો ગુજરાત સરકાર એ ફિલ્મને મુક્ત ના કરે તો કંઈ કામની નહોતી.

એ પછી પણ થોડી ઘટનાઓ બની. ૧૯૮૭માં શિવલાલ તન્નાને દિલ્હીમાં યોજાયેલા ઈન્ટરનેશનલ ફિલ્મ માર્કેટ શોમાં સાથે બહુરૂપીલઈ જઈને આવવાનું નિમંત્રણ મળ્યું. જૂનાગઢના નરસિંહ મહેતાએ જેમ દેવા પેટે રાગ કેદારો ગિરવે મૂક્યો હતો તેમ જૂનાગઢના શિવલાલે ફિલ્મ ફાઈનાન્સ કોર્પોરેશન પાસે આ ફિલ્મ ગિરવે મૂકી હતી. એટલે શિવલાલ ખાલી હાથે ગયા અને બીજાની ફિલ્મો જોઈને પાછા જૂનાગઢ ભેગા થઈ ગયા. માથે દેવું હોવાના કારણે ફિલ્મ ફરી ફાઈનાન્સ કોર્પોરેશન કેદમાં વરસો લગી ગૂંગળાઈ રહી. આમ છતાં એમણે હાર્યા વગર એ કલાસર્જનને કેદમાંથી છોડાવવા સરકાર અને દૂરદર્શનની સાથે માહિતીખાતા જોડે લખાપટ્ટી કરી. છેલ્લે ૨૦૦૧ની ૨૬મી ડિસેમ્બરે એક વાર દૂરદર્શન અમદાવાદ પરથી એ પ્રસારિત થઈ.



શિવલાલ તન્ના ૨૦૦૧ના માર્ચની ૨૦મીએ અવસાન પામ્યા. શિવલાલ તન્નાના પુત્ર જિતેન્દ્ર તન્ના કે જેમની પાસે આના હક્કો છે તેમની પાસે દૂરદર્શનને લાયક અને બીજી રીતે પણ બતાવવા લાયક પ્રિન્ટ્સ પડી છે. એ પછી અમદાવાદ દૂરદર્શન દ્વારા 2014ના ડિસેમ્બરની 28 મીએ, રવિવારે બપોરે સાડાત્રણ વાગે આ ફિલ્મ રજૂ થઈ. પણ ગમે તેમ તોય એનો દર્શકગણ મર્યાદિત ગણાય. આ ફિલ્મને જો રાષ્ટ્રીય ફલક મળે તો જ ગુજરાતની આ પ્રાચિન કળાની સુવાસ સર્વત્ર પ્રસરે.

એવી એષણા રહે જ કે એવો કોઈ રસિક ગુજરાતી સંસ્કૃતિપ્રેમી કે જે ભવાઈકલાને એના અસલી સ્વરૂપમાં, વળી વાર્તામાં ગૂંથીને કલા રીતે રજૂ કરતી આ ફિલ્મને રંગીન બનાવવા માટે આગળ આવે ? દેશવતનને ઝૂરતા કરોડો કલાપ્રેમીઓને કંઈ નહિ તો છેવટે વિદેશની ગુજરાતી સ્થાનિક ચેનલો કે રેડિયો ઉપરથી રજૂ કરવામાં નિમિત્ત બને. સદનસીબે આપણી આ બહુરૂપીફિલ્મની પ્રિન્ટો સલામત છે. તેની વીસીડી/ડીવીડી સચવાઈ છે. જે મોટા શહેરોમાં ચાલતી પ્રાઇવેટ ફિલ્મ સોસાયટીઓ કે મનોરંજન ક્લબોમાં જાહેરમાં પ્રદર્શીત કરવામાં કામ આવી શકે.
 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes