Home » » movie directors

movie directors

https://gujaratifilmy.blogspot.com/
gujjuartist04.blogspot.com
  ગુજરાતી ફિલ્મોના દિગ્દર્શકો




    ગુજરાતી ફિલ્મોના યાદગાર દિગ્દર્શકો કયા? આવું કોઈ પૂછે તો સૌ પ્રથમ નામ યાદ આવે મનહર રસકપૂરનું. જોગીદાસ ખુમાણ ફિલ્મ ત્રણ વખત નિર્માણ પામી - ૧૯૪૮, ૧૯૬૨, ૧૯૭૫માં. અભિનેતા બદલાયા પણ દિગ્દર્શક તો એના એ જ મનહર રસકપૂર. મળેલા જીવ, મહેંદી રંગ લાગ્યો, સંતુ રંગીલી, નારી તું નારાયણી જેવી પ્રખ્યાત ગુજરાતી ફિલ્મો તેમના દિગ્દર્શનમાં બની છે.
    જેસલ-તોરલની સફળતાએ ગુજરાતી ફિલ્મોને આપ્યા રવીન્દ્ર દવે અને સફળતા જાણે તેમના નામ સાથે જોડાયેલી હતી. રાજા ભરથરી, હોથલ પદમણી, કુંવરબાઈનું મામેરું, શેતલને કાંઠે, માલવપતિ મુંજ, સોન કંસારી, પાતળી પરમાર... લગભગ તમામ સુપરહિટ ફિલ્મોના દિગ્દર્શક હતા રવીન્દ્ર દવે. શ્ર્વેત શ્યામ સમયે આ બધી જ ફિલ્મો અરવિંદ પંડ્યાને લઈને બનેલી. એક રીતે રવીન્દ્ર દવેને આ ફિલ્મોના રીમેકમાં સફળતા મળી. ૧૯૮૫ સુધી તેઓ દિગ્દર્શન ક્ષેત્રે પ્રવૃત્ત રહ્યા.
    ચંદ્રકાન્ત સાંગાણી... આ નામ બહુ ચર્ચાયું નથી પણ... સંજીવકુમાર અભિનિત મારે જાવું પેલે પાર, તથા જીગર અને અમી, તાનારીરી અને જસમા ઓડણ. નરેશ કનોડિયાને સુપરસ્ટાર બનાવનાર તમે રે ચંપો ને અમે કેળ, વણઝારી વાવ - આ તમામ ફિલ્મોના દિગ્દર્શક હતા ચંદ્રકાન્ત સાંગાણી. પ્રથમ સિનેમાસ્કોપ ગુજરાતી ફિલ્મ સોનબાઈની ચુંદડીના દિગ્દર્શક હતા ગિરીશ મનુકાન્ત. શેઠ શગાળશા. લંકાની લાડી ને ઘોઘાનો વર, હર હર મહાદેવ, મહાસતી સાવિત્રી, સતી મદાલસા અને મહિસાગરને આરે જેવી મલ્ટિસ્ટાર અને ખર્ચાળ ફિલ્મના દિગ્દર્શક ગિરીશ મનુકાન્ત પ્રથમ ગુજરાતી દિગ્દર્શક હશે, જેમણે ખર્ચાળ સેટ અને ઇન્ડોર શુટિંગમાં સ્વપ્નદૃશ્ય આપ્યાં.
    આવાં જ સ્વપ્નદૃશ્યો અને દક્ષિણની હિન્દી ફિલ્મ જેવા મોટા સેટ સાથે દિગ્દર્શનમાં આવ્યાતા મેહુલકુમાર જે પછી હિન્દી ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક બન્યા.
    મેહુલકમારે ચંદુ જમાદાર, કંચન અને ગંગા, રણચંડી, ઢોલી, ઢોલા મારૂ, હિરણને કાંઠે, મેરૂ માલણ, ઉજળી મેરામણ થી ૧૯૯૦માં મનડાનો મોર સુધી દિગ્દર્શન કર્યું. આવી જ ફિલ્મો જેવી વાર્તા તથા શહેરી કથાનકના દિગ્દર્શક હતા અરુણ ભટ્ટ. અરુણ ભટ્ટનું નામ પડે એટલે મોટા ઘરની વહુ, પારકી થાપણ, લોહીની સગાઈ, વાયા વિરમગામ, પંખીનો માળો, પૂજાનાં ફૂલ જેવી સામાજિક ફિલ્મો યાદ આવે અને સંવેદનશીલ સામાજિક ફિલ્મો યાદ કરો તો યાદ કરવા પડે દિગ્દર્શક કે કે ઉર્ફે ક્રિશ્ર્નકાંતને. બાગબાન ફિલ્મ જેના પરથી પ્રેરિત છે તે ગુજરાતી ફિલ્મ છે વિસામો, જેના અભિનેતા-દિગ્દર્શક છે ક્રિશ્ર્નકાંત. ડાકુરાણી ગંગાથી તેમણે અભિનયની સાથે દિગ્દર્શન પર પણ હાથ અજમાવ્યો. કૂળવધૂ, ઘરસંસાર, મા-દીકરી, જોગ-સંજોગ, ધરમો, પ્રેમલગ્ન જેવી સામાજિક ફિલ્મો તેમણે દિગ્દર્શિત કરી.
    દિનેશ રાવલ - દિનેશબાપાના નામથી જાણીતા આ દિગ્દર્શક હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા. ૧૯૬૩માં જીવણો જુગારીથી ૧૯૯૦માં માધવપુરને મેળે સુધીની ફિલ્મ દિગ્દર્શન સફરમાં તેમણે મેનાગુર્જરી, લાખા લોયણ, ગંગાસતી, સોરઠિયાણી સોન, રમત રમાડે રામ જેવી વીસથી વધુ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું.
    આમ તો બાબુભાઈ મિસ્ત્રી, ભૂપેન દેસાઈ, ગોવિંદ સરૈયા, હિંમત દવે, રાધાકાંત, રામકુમાર બહોરા, એસ. જે. તાલુકદાર કે સુભાષ શાહ જેવા અનેક દિગ્દર્શકોએ ગુજરાતી ફિલ્મ દિગ્દર્શન સંભાળ્યું છે પણ આ બધામાં કાંતિલાલ રાઠોડ (કંકુ), કાંતિ મડિયા (કાશીનો દીકરો), કેતન મહેતા (ભવની ભવાઈ) જેવા દિગ્દર્શક પણ છે જે એક જ ફિલ્મના દિગ્દર્શનથી યાદગાર બની ગયા.
ગોવિંદભાઈ પટેલ : યુગસર્જક સફળતા જેમના નામે લખાણી છે
ગુજરાતી ફિલ્મોમાં બૉક્સ ઑફિસ ઉપર રેકર્ડ બ્રેક કમાણી કરનાર ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયાના સર્જક - નિર્માતા ગોવિંદભાઈ પટેલનું વડોદરા ખાતે અવસાન થયું. જી. એન. ફિલ્મસ કેશોદના બેનર નીચે ૧૯૮૩માં તેમણે ઢોલા મારુનું નિર્માણ કર્યંુ. ૧૯૮૪માં તેમણે બીજી સુપરહિટ ફિલ્મ આપી હિરણને કાંઠે’. હિન્દી ફિલ્મોમાં જાણીતા દિગ્દર્શક અબ્બાસ-મસ્તાનને પણ દિગ્દર્શક તરીકે ગોવિંદભાઈએ તક આપી હતી. ૧૯૮૫માં સાજણ તારાં સંભારણાં અને ૧૯૮૭માં મોતી વેરાણાં ચોકમાં.૧૯૮૪થી ૧૯૯૩ સુધી નરેશ કનોડિયાને હીરો દર્શાવતી તમામ મોટી ફિલ્મોના નિર્માતા હતા ગોવિંદભાઈ પટેલ, જેમાં જોડે રેજો રાજ, લાજુ લાખણ, ટહુકે સાજણ સાંભરે જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. ૧૯૯૩થી ૧૯૯૬ દરમ્યાન ગુજરાતી ફિલ્મોની આવક તથા પ્રેક્ષકો ઘટવા લાગ્યા. ગુજરાતી ફિલ્મના ભવિષ્ય માટે પ્રશ્ર્ન થવા લાગ્યા ત્યારે હિતેનકુમાર તથા રોમા માણેકને ચમકાવતી ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ (૯૬-૯૭)માં રજૂ થઈ અને ઐતિહાસિક સફળતાને વરી. આ ફિલ્મની સફળતાએ ગુજરાતી ફિલ્મોના નવા યુગનો આરંભ કર્યો.


n  ગજ્જર નીલેશ





0 comments:

Post a Comment

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes